સાણંદ જીઆઈડીસીમાં અૉક્સિજનની જરૂરિયાતવાળા એકમો બંધ પડ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 4 મે
દેશભરમાં કોરોના બેકાબુ બન્યો છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં તો નાના મોટા ધંધાર્થીઓ સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે. જો કે ગુજરાતની જાણીતી સાણંદ જીઆઇડીસીમાં હજુ તો કામ સામાન્ય રૂપમાં ચાલી રહ્યું છે, અને મોટાભાગના યુનિટમાં ઉત્પાદન ચાલુ છે. 
આ અંગે વધુ વિગતો આપતા સાણંદ જીઆઇડીસીના અગ્રણી અજીતભાઈ શાહ જણાવે છે કે 'માત્ર અમુક એન્જીનીયરીંગ યુનિટને બાદ કરતા મોટા ભાગના કારખાના ચાલુ છે. એન્જીનીયરીંગ યુનિટ એટલા માટે બંધ છે કે તેમને જોઈતો ઓક્સિજન હાલ નથી મળતો, કારણ કે હાલ દર્દીઓને જ ઓક્સિજન પૂરો પાડવા માટે કવાયત ચાલુ છે એટલે બંધ છે. આવા બંધ એન્જીનીયરીંગ યુનિટની સંખ્યા અંદાજે 30 થી 35 જેટલી જ છે. 
અજિત ભાઈ વધુમાં જણાવે છે કે સાણંદ જીઆઇડીસીમાં નાના મોટા 200 થી 225 યુનિટ આવેલા છે. કંપનીની બસ રાત્રે અમદાવાદ શહેરમાં જાય છે, અને યુનિટ દ્વારા તેમના કર્મચારીઓને પાસ આપવામાં આવ્યા હોવાથી કારીગરોની પણ કોઈ કનડગત નથી. જો કે અત્યારની પરિસ્થિતિમાં માત્ર 10% માઈગ્રન્ટ થયું છે કારીગરોનું જે કોરોનાના પહેલા વેવ કરતા સાવ નહિવત છે.' 
કોરોનાની પહેલી વેવમાં તો હજારો લોકો સ્થળાંતર કરીને જતા રહ્યા હતા.  ભારે મુશ્કેલી ઉભી થઇ હતી. અજિત ભાઈ જણાવે છે કે 'હાલ વર્કર માટે ટેસ્ટિગ કીટની વ્યવસ્થા નથી. મજૂરો મોટા ભાગે સમૂહમાં જ રહે છે. જો ટેસ્ટિગ વધારી દેવામાં આવે તો કોઈ ચિંતા ન રહે. સાથે તેમને ઉમેર્યું હતું કે જયારે 1 મેં થી 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવશે ત્યારે તમામ કારીગરોને રસી મુકાવી દેવાનો પ્રયાસ કરીશું જેથી ભવિષ્યમાં કોરોનાનો લઈ ભય જ ન રહે. 
અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદ જીઆઇડીસી ટાટા મોટર્સના કારણે જાણીતી છે. ટાટા મોટર્સ દવારા નેનોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું ત્યારે આખા દેશની નજર સાણંદ જીઆઇડીસી ઉપર પડી હતી. ટાટા મોટર્સ ઉપરાંત અનેક મલ્ટીનેશનલ કંપની પણ સાણંદ ખાતે આવેલી છે અને આના કારણે સાણંદ જીઆડીસીમાં જો પ્રોડક્શન ઉપર અસર પડે તો મુશ્કેલી સર્જાઈ શકે છે. જો કે સૌથી સારી વાત એ છે કે હાલ તો એટલી મોટી અસર નથી પડી. જયારે દેશમાં પૂરતો ઓક્સિજન થઇ જશે ત્યારે એન્જીનીયરીંગ યુનિટ કે જે હાલ પૂરતા બંધ છે તેને ફરી શરુ કરી દેવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer