કાબુલી ચણાની માલખેંચને પગલે ભાવ મજબૂત રહેશે

ભાવ નીચે નહીં આવે ત્યાં સુધી નિકાસ મુશ્કેલ 
અમારા પ્રતિનિધિ તરફથી  
ઈન્દોર, તા. 4 મે 
દેશમાં કોરોના મહામારીના વધતા પ્રકોપથી એક વાર ફરી હૉટેલ, રેસ્ટોરન્ટ્સ અને કેટરીગ સેક્ટર પર લૉકડાઉન લાગુ થયું છે જેનાથી કાબુલી ચણાની માગ ગંભીર રીતે ઘટી છે. ભારતીય કાબુલી ચણાના ભાવ ઘણા ઊંચા હોવાથી તેની નિકાસ પણ અટકી ગઇ છે પરંતુ ભારતમાં સુડાન અને ઇથોપિયા જેવા દેશોમાથી તેની આયાત થઇ રહી છે. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે કાબુલી ચણાના ઓછા ઉત્પાદનના કારણે તેની શોર્ટેજ છે જેનાથી તેના ભાવ મજબૂત રહી શકે છે પરંતુ આ બધુ કોરોના મહામારીની સ્થિતિ પર નિર્ભર રહેશે કે બધુ સામાન્ય થવામાં કેટલા દિવસ લાગે છે.   
કાબુલી ચણાનો વૈશ્વિક પુરવઠો પણ ઘણો ઓછો છે જેના લીધે વૈશ્વિક બજારમાં તેના ભાવ વધ્યા છે. મેક્સિકોના કાબુલી ચણા વૈશ્વિક બજારમાં 1400 ડૉલર પ્રતિ ટન ઓફર થઇ રહ્યા છે. ભારતીય કાબુલી ચણાના ભાવ 1375-1400 ડૉલર પ્રતિ ટન એફઓબી બોલાઇ રહ્યા છે. એવામાં વૈશ્વિક ખરીદદારો ભારતના બદલે મેક્સિકોના કાબુલી ચણાને ખરીદવાને પ્રાથમિકતા આપે છે. ત્યારબાદ કેનેડા અને અમેરિકાના કાબુલી ચણાની માગ રહે છે. ભારતીય કાબુલી ચણાના ભાવ ઊંચા હોવાથી નિકાસ કામકાજ ઠપ થઇ ગયા છે. જ્યારે ભારતમાં સૂડાન અને ઇથોપિયા જેવા દેશોમાંથી 750-800 ડૉલર પ્રતિ ટને કાબુલી ચણાની આયાત થઇ રહી છે. આ દેશોમાંથી આયાત થનાર કાબુલી ચણા ભારતમાં જકાત મુક્ત છે. નિકાસકારોનું કહેવું છે કે જ્યાં સુધી ભારતીય કાબુલી ચણાના ભાવ નીચે નહીં આવે ત્યા સુધી નિકાસ કામકાજ અસંભવ છે.     
નોંધનીય છે કે, ભારતીય કાબુલી ચણાના મુખ્ય બજાર શ્રીલંકા, દુબઇ, સાઉદી અરબ, ઇરાન, તુર્કી અને ઇજિપ્ત છે. દેશમાં આ વર્ષે કાબુલી ચણાનું ઉત્પાદન ઓછું થવાથી વર્ષ 2021માં લગભગ 70-75 હજાર ટન કાબુલી ચણાની નિકાસ થવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી પરંતુ હવે ભાવ ઊંચા હોવાથી તેમાં ઘટાડો આવી શકે છે.   
નોંધનીય છે કે, ચાલુ રવિ સિઝનમાં મધ્યપ્રદેશમાં કાબુલી ચણાનું ઉત્પાદન પાછલા વર્ષની તુલનામાં 13 ટકા ઘટી છે. તો વાવેતરમાં 7 ટકા અને પ્રતિ હેક્ટર યીલ્ડ 6 ટકા ઓછી છે. વર્ષ 2020-21માં મધ્યપ્રદેશમાં કાબુલી ચણાનું વાવેતર 255000 હેક્ટરમાં થયું જે વર્ષ 2019-20ના 275000 હેક્ટરની તુલનામાં સાત ટકા ઓછું છે. વર્ષ 2020-21માં કાબુલી ચણાનું ઉત્પાદન વર્ષ 2019-20ના ઉત્પાદન 265380 ટનની તુલનામાં 13 ટકા ઘટી 232050 ટન રહેવાનો અનુમાન છે. વર્ષ 2020-21માં તેની ઉત્પાદકતા 910 કિલોગ્રામ પ્રતિ હેક્ટર રહેશે જે વર્ષ 2019-20માં 965 કિલોગ્રામ પ્રતિ હેક્ટર હતી એટલે કે તેમાં 6 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.   
નોંધનીય છે કે, કાબુલી ચણાની મુખ્યત્વે વપરાશ રેસ્ટોરન્સ, સ્ટ્રીટ સ્ટોલ્સ, લગ્ન અને સામાજિક પ્રસંગો - હૉટેલ્સમાં થાય છે જ્યારે તેની ઘરમાં વપરાશ મર્યાદિત હોય છે. કોરોના વાયરસને કારણે વર્ષ 2020માં તેની વપરાશ નબળી રહી. આ વર્ષની શરૂઆતમાં તેની માગ સારી હતી તેમ જ ભાવ ઘણા મજબૂત થયા પરંતુ એપ્રિલની શરૂઆતથી ચાલુ કોરોનાની બીજી લહેરથી માગ નબળી પડવા લાગી છે. વેપારીઓના મતે સમગ્ર દેશમાં 2019 કેલેન્ડર વર્ષમાં કાબુલી ચણાની વપરાશ 4.20 લાખ ટન હતી જે વર્ષ 2020માં કોરોના મહામારીના લીધે ઘટીને 2.65 લાખ ટન રહેવાનો અનુમાન છે. આ વપરાશ કેલેન્ડર વર્ષ 2018માં ચાર લાખ ટન હતી.   વેપારીઓનું કહેવુ છે કે, બધુ સામાન્ય થતા કાબુલી ચણાની માસિક વપરાશ 30-35 હજાર ટન રહે છે. દેશની મુખ્ય મંડી ઇન્દૌરમાં કાબુલી ચણા 44/46 કાઉન્ટ 9600 રૂપિયા અને 58/60 કાઉન્ટ 9100 રૂપિયા અને 42/44 કાઉન્ટ 9750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અૉફર થઈ રહ્યા છે.   
કૃષિ મંત્રાલયના મતે દેશમાં એપ્રિલ 2020 થી ફેબ્રુઆરી 2021 દરમિયાન 150599 ટન કાબુલી ચણાની આયાત થઇ જે નાણાકીય વર્ષ 2019-20માં 251433 ટન હતી. જ્યારે દેશમાંથી એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021 દરમિયાન કાબુલી ચણાની નિકાસ 64096.75 ટન થઈ જયારે તે નાણાકીય વર્ષ 2019-20માં 55497.26 ટન હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer