હૅલ્થકૅર શૅર્સમાં વેચવાલી, બીએસઇ સ્મોલકૅપ અને મિડકૅપ ઇન્ડેક્સ પણ ઘટયા

વ્યાપાર ટીમ 
મુંબઈ, તા. 4 મે
કોવિડના સતત વધી રહેલા કેસિસ અને વૅક્સિનના પુરવઠા બાબતે અનિશ્ચિતતાનો માહોલ ઊભો થવાના કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું અને તોફાની વધઘટના માહોલ ધરાવતા સત્રના અંતે બંને સૂચકાંકો ઘટાડે બંધ થયા હતા. અર્થતંત્રમાં મંદીનો માહોલ ફરી સરજાઇ રહ્યો હોવાથી બજારો ઉપર વેચવાલીનું દબાણ આવ્યું હતું.
સત્રના અંતે સેન્સેક્ષ 465 પોઇન્ટ્સ ઘટી 48253.5 પોઇન્ટ્સ ઉપર અને નિફ્ટી 138 પોઇન્ટ્સ ઘટી 14496.5 પોઇન્ટ્સના સ્તરે બંધ આવ્યા હતા. 
આજે એનએસઇમાં સૌથી વધુ વધેલા શૅર્સમાં એસબીઆઇ લાઇફ 2.85 ટકા, ઓએનજીસી, બીપીસીએલ, બજાજ ફાઇનાન્સ અને અદાણી પોર્ટસ 1.25 ટકાથી 2.32 ટકા જેટલા વધ્યા હતા. 
બીજી તરફ તાતા કન્ઝ્યુમરનો શેર 4.43 ટકાના ઘટાડા સાથે સૌથી વધુ ઘટયો હતો, તે સાથે સિપ્લા, ડૉ.રેડ્ડીસ લૅબ, સન ફાર્મા અને ડીવીસ લૅબ 2.21 ટકાથી 3.63 ટકા જેટલા ઘટયા હતા. આજે એનએસઇમાં સૌથી વધુ સક્રિય રહેલા શૅર્સમાં બજાજ ફાઇનાન્સ, તાતા સ્ટીલ, દાણી પોર્ટ્સ, એસબીઆઇ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય હતા.
સેક્ટર મુજબ, નિફ્ટી પીએસઇ ઇન્ડેક્સ 0.56 ટકા ઊછળ્યો હતો, જ્યારે બૅન્ક નિફ્ટી 0.60 ટકા, આઇટી ઇન્ડેક્સ 0.73  અને નિફ્ટી અૉટો ઇન્ડેક્સ 0.88 ટકા જેટલા ઘટીને બંધ આવ્યા હતા. બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.57 ટકા અને મિડકેપ ઇન્ડેક્સ ટકા 0.50 ઘટયા હતા. જ્યારે બીએસઇ હેલ્થકૅર ઇન્ડેક્સ સૌથી વધુ 1.5 ટકા ઘટયો હતો. મેટલ ઇન્ડેક્સ 0.65 ટકા ઘટીને બંધ આવ્યો હતો, જ્યારે અૉઇલ - ગૅસ ઇન્ડેક્સ 0.72 ટકા વધ્યો હતો.  
વૈશ્વિક બજારો 
આજે સવારે એશિયન શૅરબજારો તેજી સાથે બંધ આવ્યા હતા. જપાનનો નિક્કી 0.83 ટકા ઘટયો હતો જ્યારે હેંગસેંગ 0.70 ટકા અને સાઉથ કોરિયાનો કોસ્પી 0.64 ટકા વધીને બંધ થયા હતા. બપોરે યુરોપના બજારો પણ વધારા સાથે શરૂ થયા હતા. યુરોપના બજારોમાં જર્મન ડેક્સ 0.45 ટકા ઘટીને જ્યારે લંડન શેર બજાર 0.60 ટકા અને ફ્રાન્સનો સીએસી 0.43 ટકાના વધારા સાથે ટ્રેડમાં હતા.
કૉમોડિટીઝમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 1.32 ડૉલર વધી 68.88 ડૉલર અને ગોલ્ડ પ્રતિ ઔંસ 8.20 ડૉલર ઘટી 1783.60 ડૉલર રનિંગ હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer