તિરૂપુર નીટસવેરની નિકાસ અને સ્થાનિક વેચાણમાં 20 ટકાનો વધારો થવાની ધારણા

મહામારી વચ્ચે ગારમેન્ટ ઉત્પાદનમાં થયેલો 12 ટકાનો વધારો
એજન્સીસ
મુંબઈ, તા. 4 મે
કોરોના કાળમાં જ્યારે દેશભરના ઉદ્યોગ અને બજારો ઠપ થઈ ગયા છે ત્યારે તામિલનાડુના નીટસવેર હબ ગણાતા તિરૂપુરે નવા વિક્રમો નોંધાવ્યો છે. તિરૂપુરમાં ગારમેન્ટ્સનું ઉત્પાદન 12 ટકા વધ્યું છે અને નીટ્સવેરની વાર્ષિક રૂા. 25000 કરોડની નિકાસ થાય છે અને સ્થાનિક વેચાણ રૂા. 30,000 કરોડનું થાય છે. તિરૂપુર એક્સપોર્ટસ ઍસોસિયેશન `ટી'ના પ્રમુખ રાજા એમ. સન્મુગમે જણાવ્યું છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં નિકાસ અને સ્થાનિક વેચાણમાં 20 ટકાનો વધારો થવાનો અમારો લક્ષ્યાંક છે. કોરોનાની બીજી લહેર ચિંતાજનક છે. આમ છતાં અમારી પાસે જ અૉર્ડરો હાલ છે. તેના આધારે આ વર્ષે 20 ટકાનો વિકાસદર હાંસલ કરવા અમે આશાવાદી છીએ. તિરૂપુરમાં છ લાખ કામદારો રોજીરોટી રળે છે. કોરોના કાળમાં વર્ક-ફ્રોમ-હોમના કારણે પરિધાનના રૂપરંગ જ બદલાઈ ગયા છે. હવે લેડિઝવેર વધુ પસંદ કરાય છે. આથી ટી-શર્ટ અને ટ્રેક બોટમનું વેચાણ વધ્યું છે. નિકાસમાં લેડિઝવેરમાં ની -ક્રોપ ટી-શર્ટનું વેચાણ ખૂબ વધ્યું છે. કૉટન યાર્નના ભાવો વધવાથી તિરૂપુરના ગારમેન્ટ ઉત્પાદકોએ 15 ટકા ભાવવધારાની માગણી કરી હતી પણ લાર્જ ગારમેન્ટ્સ બ્રાન્ડ્સવાળાઓએ 10 થી 12 ટકા ભાવ વધારી આપ્યા છે.
ચીનના કોટનના નીટસવેરના બદલે હવે ભારતીય કૉટન નીટ્સવેર વધુ પસંદ કરાય છે. આથી પશ્ચિમી દેશોના નિકાસ અૉર્ડરો ભારતમાં વધુ આવતા થયા છે. આનો સૌથી વધુ લાભ તિરૂપુરને થયો છે. વળી અમેરિકામાં ત્રણ સ્ટીમ્યુલસ પૅકેજ જાહેર થયા બાદ ત્યાં રિટેલ ફેશન સ્ટોરોમાં ઘરાકી વધી છે. બ્રિટન પણ કોરોનામુક્ત થયા બાદ ત્યાં સ્ટોરોમાં ઘરાકોની ભીડ વધી છે. આના કારણે અમેરિકા-યુરોપની નિકાસ પૂછપરછ ભારતમાં વધી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer