ગુજરાતમાં મિનિ લૉકડાઉન 12મી મે સુધી યથાવત્ રહેશે

7 શહેરો ઉમેરાતા હવે 36 શહેરોમાં નિયંત્રણો અને રાત્રિ કર્ફ્યુ 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 4 મે 
ગુજરાતના 29 શહેરોમાં ગયા મહિનાના અંતે લગાવવામાં આવેલા કડક નિયંત્રણોથી આશાસ્પદ પરિણામ મળતા કોરોનાના કેસમાં થોડો ઘટાડો થયો છે. પરિણામે રાજ્ય સરકારે મિનિ લોકડાઉન જેવા કડક નિયંત્રણો 6થી 12 મે સુધી ચાલુ રાખ્યા છે. અગાઉ 29 શહેરોમાં તેનો અમલ થતો હતો પરંતુ હવે 7 શહેરો ઉમેરાતા કુલ 36 શહેરોમાં આ પ્રતિબંધો લાગશે. 
મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રની 26 એપ્રિલની માર્ગદર્શિકાને અનુસરીને અગાઉ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ કર્યો હતો. તેમાં હવે ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર કડી તથા વિસનગરનો સમાવેશ કરાયો છે. આમ કુલ 36 શહેરો થયા છે.  
મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી આ કોર કમિટીનીબેઠકમાં આ નિર્ણય થયો હતો. ઉક્ત ગાળામાં આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. કોવિડની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક  આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. આવશ્યક સિવાયની દુકાનો આગલા મિનિ લોકડાઉનની માફક બંધ રહેશે. 
ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. 
શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટની ટેક અવે આપતી સેવાઓ ચાલુ રહેશે. ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer