વૅક્સિનની અછત અને ધમકીનો વિવાદ

અૉક્સિજનના અભાવે લોકોના પ્રાણ જઈ રહ્યા છે અને વૅક્સિનની અછતમાં - લોકો ધોમધખતાં તડકામાં લાંબી લાઈનોમાં ઊભા હોય છે - આ ઓછું હોય તેમ પુણેની સીરમ ઈન્સ્ટિટયૂટના અદાર પૂનાવાલાને મળેલી ધમકીઓનો રાજકીય વિવાદ શરૂ થયો છે! ધમકી આપનારનું નામ આપો - પોલીસ ફરિયાદ કેમ નોંધાવી નહીં? રાજ્ય સરકારને બદલે કેન્દ્ર સરકારે પૂનાવાલાને ઢ -સિક્યોરિટી કેવી રીતે આપી? આ વિવાદમાં આપણને - આમ આદમીનો પ્રશ્ન અને ચિંતા છે કે વૅક્સિનનું ઉત્પાદન અને સપ્લાયનું શું? મીડિયામાં કેટલાક રિપોર્ટ આવ્યા કે સરકારે વૅક્સિન માટે નવા ઓર્ડર આપ્યા નથી - કેન્દ્ર સરકારે આવા અહેવાલ આધાર વિનાના - ખોટા હોવાનું જણાવ્યું છે. પુણે અને હૈદરાબાદની ફાર્મસી કંપનીઓને ત્રીજા ઓર્ડર આપીને એડવાન્સ પેમેન્ટ થયું છે - અદાર પૂનાવાલાએ પણ આ બાબતને સમર્થન આપ્યું છે - જોકે એમણે કહ્યું છે કે સંપૂર્ણ ઉત્પાદન અને પુરવઠો વધતાં જૂન-જુલાઈ થશે. આનો અર્થ એવો નથી કે અત્યારે ઉત્પાદન નથી - હકીકતમાં વયસ્કો માટે પૂરતા પુરવઠાની વ્યવસ્થા ન હતી અને રાજ્યોના દબાણના પરિણામે અઢાર વર્ષની વયમર્યાદા જાહેર થઈ. તેથી માગ વધી અને અછત સર્જાઈ. ખાનગી હૉસ્પિટલોમાં વ્યવસ્થા થઈ હોવાથી અછત હળવી થવાની ધારણા પણ ખોટી પડી.
કેન્દ્ર સરકારે એપ્રિલમાં 16 કરોડ વૅક્સિન ડૉઝ-શીશીના અૉર્ડર આપી દીધા- જે આગામી ત્રણ મહિના મે-જૂન-જુલાઈ માટે  પ્રૂતા હતા. 28મી એપ્રિલે કોવિશીલ્ડના અગિયાર કરોડ ડૉઝ અને કૉવૅક્સિનના પાંચ કરોડ ડૉઝના અૉર્ડર અપાયા અને સીરમ ઈન્સ્ટિટયૂટને રૂા. 1732 કરોડ તથા ભારત બાયોટેકને રૂા. 786 કરોડ એડવાન્સમાં ચૂકવાયા છે. પણ બંને કંપનીઓ 28 એપ્રિલ પહેલાંના બીજા અૉર્ડર મુજબ પણ `સપ્લાય' કરી શકી નથી. ઉત્પાદનની ઘટને કારણે અછત છે.
પૂનાવાલા પણ કહે છે કે એમની કંપનીને કુલ 26 કરોડ ડૉઝના અૉર્ડર કેન્દ્ર સરકારે આપ્યા છે. તેમાંથી 15 કરોડ `સપ્લાય' થયા છે. સરકારે સો ટકા ચૂકવણી કરી છે - બાકીના 11 કરોડ ડૉઝ આગામી મહિનાઓમાં અપાશે. આ - ચાલુ મહિનાથી જ સપ્લાય શરૂ થશે.
આમ ઉત્પાદનની ઘટ હોવા છતાં વયમર્યાદા ઘટાડવી પડી. તેના પરિણામે લોકો હાલાકી ભોગવે છે - વૅક્સિનની અછતમાં અૉક્સિજનના અભાવે ખતરનાક વધારો કર્યો - લોકોના મૃત્યુના આંકડા વધવા માટે રેમડેસિવિર - અને અન્ય દવાઓ કરતાં અૉક્સિજનની અછત અને ખાનગી હૉસ્પિટલો અને સ્વાસ્થ્ય કર્મચારીઓની ભયાનક નફાખોરી જવાબદાર છે. લોકો ગભરાટથી બેબાકળા-લાચાર બની જાય છે.
અદાર પૂનાવાલા અચાનક લંડન પહોંચી ગયા અને એમને ધાકધમકી મળતી હોવાનું જણાવ્યું ત્યારે - વૅક્સિનનું ઉત્પાદન અટકી પડવાની દહેશત અને અફવા ફેલાઈ.
હવે નેતાઓ કહે છે- કોણે ધમકી આપી નામ આપો. ફરિયાદ નોંધાવો. પણ પૂનાવાલાએ અગાઉ કહ્યું જ છે કે- જાનનું જોખમ છે- ત્યારે હવે જાહેરમાં નામ શા માટે આપે? એક અંગ્રેજી ટીવી ચૅનલના એન્કરે મહારાષ્ટ્રના પક્ષનું નામ આપ્યા પછી માફી માગી છે - પણ ચૅનલ જાહેરમાં માફી માગે એવી માગણી છે. કિસાન નેતા રાજુ શેટ્ટી કહે છે કે મેં કદી ફોન કર્યો નથી, પણ મહારાષ્ટ્રને હિસ્સો નહીં મળે તો ટ્રકોને રાજ્યબહાર નહીં જવા દેવાય... (હવે તો મુંબઈનો સ્ટોક થાણે કે નવી મુંબઈ જાય છે તેનો પણ વિરોધ થાય છે!)
મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકારના ભાગીદારોમાં પણ મતભેદ સંભળાય છે. કૉંગ્રેસ કહે છે- અમે રક્ષણ આપીશું. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ કહે છે- આ વિવાદ બદલ પૂનાવાલા જાતે જવાબદાર છે. કેન્દ્રને સસ્તા ભાવે અને રાજ્યોને ઊંચા ભાવે વૅક્સિન આપવાની જાહેરાત કેમ કરી? શિવસેના કહે છે- રાજ્યમાં ફરિયાદ કરો - કેન્દ્ર સરકારે સલામતી કેવી રીતે આપી?
ભાજપના આશિશ શેલાર કહે છે- અમને બધી ખબર છે. વખત આવ્યે ધમકી આપનાર પાર્ટીનું નામ જાહેર કરીશું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer