મેડિકલ ઓક્સિજનના ઉત્પાદનમાં અનેક કંપનીઓનો પ્રવેશ

મેડિકલ ઓક્સિજનના ઉત્પાદનમાં અનેક કંપનીઓનો પ્રવેશ
સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દ. ગુજરાતની અનેક કંપનીઓએ ઝંપલાવ્યું 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 4 મે 
કોરોનાએ ચારેતરફથી ભરડો લીધો છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વારે વારે ઓક્સિજનની માગ ઊભી થઇ રહી છે.  ઓક્સિજનની અછતને દૂર કરવા માટે ઘણી કંપનીઓએ હાથ લંબાવ્યો છે. સ્ટીલ કંપનીઓએ મેડિકલ ઓક્સિજનનો સપ્લાય વધારી દીધો છે. તો, ઓક્સિજનની અછતને પૂરી કરવા માટે અનેક ફર્ટિલાઈઝર કંપનીઓએ પણ મોરચો સંભાળી લીધો છે. ઈફ્કો જેવી ફર્ટિલાઈઝર કંપનીઓ કોરોના દર્દીઓ માટે હોસ્પિટલોને રોજના 50 ટન ઓક્સિજન પૂરો પાડશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પોતાના જામનગર યુનિટથી હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડી રહી છે. ટાટા ગ્રુપે પણ ઓક્સિજન લઈ જવા માટે વિદેશથી 24 ક્રાયોજેનિક કન્ટેનર મંગાવ્યા છે. આમ સૌરાષ્ટ્રથી લઇને અમદાવાદ લઇને દક્ષિણ ગુજરાત એમ સ્થળોએ ઓક્સિજનનું ઉત્પાદન થઇ ગયુ છે. 
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2જી મેના કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. રવિવારે રાજ્યમાં કોરોનાના 12,978 નવા કેસો મળી આવ્યા હતા. જ્યારે કોરોનાના કારણે 153 લોકો મૃત્યુ પામ્યા હતા. તેમજ આશર દોઢ લાખની આસપાસ એક્ટિવ કેસ છે. 
રિલાયન્સ મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતું નથી. તેમ છતાં, મહામારી અગાઉ કોઈ વ્યવસ્થા ન હોવા છતાં શૂન્યથી શરૂઆત કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે એક જ સ્થળેથી સૌથી વધુ ઉત્પાદન કરનારી ભારતની સૌથી મોટી ઉત્પાદક બની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે પ્રતિ દિવસે 1000 મેટ્રિક ટન મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરે છે – એમ કહી શકાય કે ભારતના કુલ ઉત્પાદનના 11 ટકા – દર દસ દર્દીઓમાં એકની જરૂરિયાત પૂરી કરે છે. 
એક વેન્ટિલેટર પર દર્દી સરેરાશ એક કલાકે 2,500 લીટર ઓક્સિજન વાપરે છે. જો દર્દી એક દિવસ પણ વેન્ટિલેટર પર હોય તો 7 ઘનમીટરના 10 બોટલ વપરાઇ જાય છે. એક ઘનમીટરમાં 850 લિટર ઓક્સિજન વપરાય છે. એટલે કે એક દિવસમાં એક દર્દી વેન્ટિલેટર પર 5500થી 6000 લિટર સુધીનો ઓક્સિજન વાપરી નાંખે છે. 
એક ટન ઓક્સિજનમાં એક હજાર કિલોગ્રામ ઓક્સિજન હોય છે. જો વપરાશ દૈનિક 70 ટન હોય તો રોજનો 7 કરોડ લિટર ઓક્સિજન વડોદરા શહેરમાં વપરાય છે. જોકે એક ઘનમીટર બોટલમાં સરેરાશ 850 લીટર ઓક્સિજન આવે છે. શહેરમાં 3 પ્રકારના સિલિન્ડર આવે છે જેમાં મોટા ભાગના 7 ઘનમીટરના હોય છે જેમાં 5500 લીટર ઓક્સિજન હોય છે. વડોદરાની રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, ટ્રાયકલર હોસ્પિટલ ગ્રૂપ, સ્ટર્લિંગ અને ગ્લોબલ જેવી હોસ્પિટલમાં આવા ઓક્સિજન પ્લાન્ટસ તૈયાર કરાવ્યા છે. 
વિશ્વભરમાં શ્વૈતક્રાંતિમાં મોખરાનું નામ ધરાવતી અમૂલ ડેરી હવે કોરોના મહામારીમાં સંક્રમિત દર્દીઓ માટે આણંદ તથા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરશે. અમૂલ દ્વારા આણંદ ક્રિષ્ના હોસ્પિટલ અને નડિયાદ સિવીલ હોસ્પિટલ ખાતે એક-એક ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવાનું નક્કી કરેલ છે. 
ભારતની અગ્રણી પાક-સંરક્ષણ કંપની યુપીએલ લિમિટેડે ગુજરાતમાં તેના ચાર નાઇટ્રોજન ઉત્પાદન પ્લાન્ટને કન્વર્ટ કરીને ઓક્સિજનનું ઉત્પાદન કરવા તથા ગુજરાત અને મધ્યપ્રદેશમાં ચાર હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડવાની યોજના બનાવી છે. 
મહેસાણામાં વધી રહેલા કોરોના કેસ અને ઓક્સિજનની અછતને દૂર કરવા માટે  દૂધ સાગર ડેરી ઓકસીજન પ્લાન્ટ શરુ કરશે. જેની જાહેરાત દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ કરી છે. આ પ્લાન્ટ દૂધસાગર ડેરીમાં પ્લાન્ટ ઊભો કરશે. જેની ક્ષમતા 20 એમક્યુની હશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer