રાત્રિ કર્ફ્યુ અને મિનિ લોકડાઉનના પગલે ગારમેન્ટ સ્ટોર્સમાં ઘરાકી 80 ટકા ઘટી

રાત્રિ કર્ફ્યુ અને મિનિ લોકડાઉનના પગલે ગારમેન્ટ સ્ટોર્સમાં ઘરાકી 80 ટકા ઘટી
અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા.  4 મે 
રાત્રિ કફર્યું અને મિનિ લોકડાઉન જેવા નિયંત્રણોની માઠી અસરો રિટેલ ક્ષેત્ર પર પડી રહી છે. સુરત શહેરના અડાજણ, ઘોડદોડ રોડ, લાલગેટ અને રાંદેર સહિતના વિસ્તારોમાં પથરાયેલા 100 જેટલા શો-રૂમો પર રાત્રી કફર્યું અને મિની લોકડાઉનને પગલે 80 ટકા વેપાર ઘટી ગયો છે. મિની લોકડાઉનને લીધે શટર પડી ગયા હોય કરવેરા, બિલ, ભાડા અને કર્મચારીઓના પગાર કઇ રીતે કરવા તેની ચિંતા વેપારીઓને સતાવવા લાગી છે. 
રીટેલ શો-રૂમ લાબો સમય બંધ રહેશે તો ઉત્પાદન એકમો બંધ કરવાની સ્થિતિ ઊભી થશે. અત્યારે રીટેલ શો-રૂમ બંધ હોવાથી હોલસેલ અને ઉત્પાદન એકમોમાં ઓર્ડર ઘટાડી દેવાયા છે. લાંબો સમય આ પરિસ્થિતિ રહેશે તો લોકડાઉન કરતા વધુ ખરાબ અસર પડશે. ઉત્પાદન કરનારા એકમોનું કામકાજ પણ હવે ઘટી જશે. 
એપ્રિલના પ્રારંભથી જ સરકાર દ્વારા રાત્રી કફર્યું લાદવામાં આવતા 80 ટકા કામકાજ ઓછુ થઇ ગયું છે. પ્રતિદિન 1 લાખનો વકરો કરનાર વેપારી માંડ 15 હજારનો વેપાર થાય છે. જોકે તેમ છતાં તેઓ દુ:ખી નહોતા. કારણે ઓછા વકરામાં પગાર, બિલ અને વેરો ભરી શકાતા હતા. પરંતુ એપ્રિલ મહિનાના અંતે મિની લોકડાઉન લાગુ કરતા શટર જ પડી જતા બિલ, વેરા અને પગારના ખર્ચાઓ કાઢવા મુશ્કેલી પડી રહ્યા છે. 
સુરતની ભગવાનદાસ એન્ડ કંપનીના જતીન ચલીયાવાલા જણાવ્યું હતુ કે, રાત્રી કફર્યું યોગ્ય ઉપાય હતો. કર્મચારીઓ ટેસ્ટીંગ, વેક્સીનેશના નિયમો પાળીને દુકાને આવતા હતા. સેનેટાઇઝર માસ્કનો ઉપયોગ કરતા હતા. તેથી સંક્રમણ ફેલાવવાનો ડર ઘટતો હતો. પરંતુ હવે આ કર્મચારીઓ કામ વિના પણ રસ્તા પર બેફામ ફરતા થયા છે. તેથી સંક્રમણનો ડર વધ્યો છે. કફર્યું સમય વધારો પરંતુ દુકાનો ખોલવાથી નાની મોટી ઘરાકીથી વેપારની આશા બંધાઇ છે. 
તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, ગયા વર્ષે લોકડાઉનને લીધે 50 ટકા કર્મચારીઓ બેરોજગાર થયા હતા. અત્યારે 50 ટકા રોટેશનના લીધે અડઘો પગાર થયો છે. વેપારીઓ ભાડુ, લોન હપ્તા, જીએસટી સહિતના વેપાર અને લાઇટબિલ તેમજ કર્મચારીના પગાર ચુકવવાની મુશ્કેલી ઊભી થઇ છે. આવક વિના ખર્ચ કેવી રીતે કાઢવો તે પ્રશ્ન ઉભો થયો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer