ઔદ્યોગિક ઉત્પાદન ઘટવાથી ટ્રક ભાડાંમાં 18-27 ટકાનો ઘટાડો

ઔદ્યોગિક ઉત્પાદન ઘટવાથી ટ્રક ભાડાંમાં 18-27 ટકાનો ઘટાડો
નવી દિલ્હી, તા. 4 મે
એપ્રિલ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટવાથી ચાવીરૂપ માર્ગો પર ટ્રક ભાડાંમાં માર્ચના મુકાબલે 18થી 27 ટકાનો ઘટાડો થયો હતો, એવું એક સંશોધન સંસ્થાએ જણાવ્યું છે.
દેશમાં કોરોનાના ફેલાવાને રોકવા માટે વિવિધ રાજ્યોએ આંશિક અથવા સંપૂર્ણ લૉકડાઉન સહિતનાં અનેક નિયંત્રણો મૂક્યાં હોવાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં 35થી 40 ટકાનો ઘટાડો થયો છે જેને પગલે માલની હેરફેર માટે ટ્રકોની માગ ઘટી ગઈ છે, એમ અત્રેની ઇન્ડિયન ફાઉન્ડેશન અૉફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગના સીનિયર ફેલો તથા કોઓર્ડિનેટર એસવી સિંઘે એક નોંધમાં જણાવ્યું છે. સાથોસાથ એપીએમસી મંડિયોમાં ફળો અને શાકભાજીની આવક પણ 10-15 ટકા ઘટી ગઈ છે.
ફાઉન્ડેશનના અંદાજ મુજબ ટ્રકોનાં ભાડાં વર્તમાન (એપ્રિલ-જૂન) ત્રિમાસિકમાં તેમ જ સંભવત: આવતા ત્રિમાસિકમાં પણ દબાયેલા જ રહેશે.
હાલમાં વેપાર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રોકાયેલા અતિ નાનાં, નાનાં અને મધ્યમ એકમો માટે કોઈ નાણાકીય રાહત પૅકેજ જાહેર કરાયું નથી. કોરોનાને કારણે દેશભરમાં ભારે આર્થિક સંકટ પેદા થયું છે. રોડ ટ્રાન્સપોર્ટ બિઝનેસ વેપાર, ઉદ્યોગ અને ખેતી પર આધાર રાખતો હોવાથી તેને સખત ફટકો પડયો છે. નેવું ટકા ટ્રકો નાના ટ્રાન્સપોર્ટરોની માલિકીની છે, એમ ફાઉન્ડેશને દેશનાં 75 ટ્રક તેમ જ વેપાર કેન્દ્રોમાંથી મળેલા અહેવાલોના આધારે જણાવ્યું હતું.
દેશનાં પહેલી, બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં સ્વૈચ્છિક ગ્રાહક ખર્ચમાં તીવ્ર ઘટાડો થયો છે. લગ્નસરાના ખર્ચ છતાં ગ્રામીણ માગ દબાયેલી જ રહી છે. આને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં નિરાશા ફેલાતાં ભારે અને મધ્યમ વ્યાપારી વાહનોનું વેચાણ 50-60 ટકા ઘટી ગયું છે. એપ્રિલ મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હોવા છતાં ઘરઆંગણે રિફાઇનરીઓએ ડીઝલના ભાવ વધાર્યા ન હતા. તેમ છતાં વ્યાપારી વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો, એમ ફાઉન્ડેશને જણાવ્યું છે.
ફાઉન્ડેશનનું કહેવું છે. માર્ચમાં જીએસટીની વસૂલાતમાં જે વધારો જોવાયો (જેની પ્રતિબિંબ જીએસટીની એપ્રિલની આવકમાં પડયું) તે કરવેરાના કડક અમલને તથા કાચી સામગ્રી, અર્ધતૈયાર કાચી સામગ્રી તથા તૈયાર માલના ભાવમાં છેલ્લા ત્રણ-ચાર મહિનામાં થયેલા વધારાને આભારી હતો. માત્ર સિમેન્ટ અને દવા કંપનીઓ જ તેમાં અપવાદરૂપ હતી.
દેશમાં આંતરરાજ્ય પરમિટ ધરાવતી આશરે 25 લાખ મધ્યમ અને ભારે ટ્રકો અને રાષ્ટ્રીય પરમિટ ધરાવતી આશરે 14 લાખ ટ્રકો છે. જે મધ્યમથી લાંબા અંતર સુધી માલની હેરફેર કરે છે. તેમાંથી આશરે ચાલીસ ટકા ટ્રકોનો અપૂરતો ઉપયોગ થવાથી તેમના માલિકોને નાણાભીડનો સામનો કરવો પડે છે અને બૅન્કની લોન ભરવામાં મુશ્કેલી નડે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer