માગ વધવાની આશાએ ક્રૂડતેલમાં મજબૂતાઈ

માગ વધવાની આશાએ ક્રૂડતેલમાં મજબૂતાઈ
સિંગાપોર, તા. 4 મે
માગ વધવાના આશાવાદથી તેલની બજાર મજબૂત થઈ ગઈ છે. આ વર્ષના ઉત્તરાર્ધમાં વિકસિત દેશોમાં તેમ જ ચીનમાં માગ વધવાના આશાવાદને ટેકે ભારતમાં કોરોનાના પગલે સંપૂર્ણ લૉકડાઉન થવાની સંભાવના છતાં અત્રે મંગળવારે તેલના ભાવમાં વધારો જોવાયો હતો.
બ્રેન્ટ ક્રૂડ જુલાઈ વાયદો 1.24 ડૉલરના 
સુધારે 68.80 ડૉલર અને અમેરિકન ડબ્લ્યુટીઆઈ જૂન વાયદો 1.11 ડૉલર વધીને 65.60 ડૉલર બોલાતો હતો.
રસીકરણને પગલે ખાસ કરીને જુલાઈ-સપ્ટેમ્બરમાં પ્રવાસનની મોસમ જોરમાં હોય ત્યારે તેલની માગમાં સુધારો થવાની ધારણા રખાય છે. એનાલિસ્ટોએ સળંગ પાંચમા મહિનામાં બ્રેન્ટ ક્રૂડના ભાવ વધવાતરફી રહેવાની ધારણા વ્યક્ત કરી છે, એમ રોઈટરનો એક સર્વે જણાવે છે.
એનાલિસ્ટોના મતે 2021માં બ્રેન્ટ ક્રૂડનો સરેરાશ ભાવ બેરલ દીઠ 64.17 ડૉલર રહેવાની સંભાવના છે, જે ગયા મહિનાના 63.12 ડૉલર અને આ વર્ષની અત્યાર સુધીની 62.30 ડૉલરની સરેરાશ કરતાં થોડો વધુ છે.
ઉત્તર અમેરિકા, યુરોપ અને ચીનમાં માગ પ્રબળ રહેવાથી તેલના એકંદર સંયોગો ઉજળા બન્યા છે, એમ એએનઝેડના એનાલિસ્ટોએ એક નોંધમાં જણાવ્યું છે.
ભારતમાં એક અગ્રણી ઔદ્યોગિક સંગઠને કોરોનાના ફેલાવાને રોકવા માટે આર્થિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકવાની હિમાયત કરી હોવા છતાં એએનઝેડના એનાલિસ્ટોને તેલની માગ વધવાની સંભાવના જણાય છે.
પુરવઠાની વાત કરીએ એપ્રિલમાં ઈરાન અને અન્ય કેટલાક દેશોએ ઉત્પાદન વધારતા ઓપેક અને સાથી દેશોનું કુલ સરેરાશ દૈનિક ઉત્પાદન 251.7 લાખ બેરલ થયું હતું, જે માર્ચના ઉત્પાદન કરતાં એક લાખ બેરલ જેટલું વધુ છે. વાસ્તવમાં 2020ના જૂનથી, ફેબ્રુઆરીના અપવાદ સિવાય ઓપેકનું ઉત્પાદન દર મહિને વધતું રહ્યું છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે બહુપક્ષીય અણુકરાર પુનર્જીવિત કરવા માટે મંત્રણા ચાલે છે. તે સફળ થશે તો અમેરિકા ઈરાન પરના પ્રતિબંધો ઉઠાવી લઈને તેને તેલનું ઉત્પાદન વધારવા દે એવી સંભાવના છે.
અમેરિકન તેલ કંપનીઓએ ગત સપ્તાહે તેલ અને ગૅસની સક્રિય રિગની સંખ્યામાં વધારો કર્યો હતો. તેલના ભાવ સુધરતાં કેટલીક શારકામ કંપનીઓએ ફરીથી ઉત્પાદન શરૂ કર્યું હતું.
જોકે, અમેરિકાનું તેલનું ઉત્પાદન ફેબ્રુઆરી મહિનામાં રોજના દસ લાખ બેરલ જેટલું ઘટયું હતું અને અૉક્ટોબર, 2017 પછીના સૌથી નીચા સ્તરે પહોંચ્યું હતું, એમ એક સત્તાવાર અહેવાલ જણાવે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer