2020-21માં રૂના વૈશ્વિક પાકનો અંદાજ 7 ટકા ઓછો, 1133 લાખ ગાંસડી

2020-21માં રૂના વૈશ્વિક પાકનો અંદાજ 7 ટકા ઓછો, 1133 લાખ ગાંસડી
સ્ટોક ટુ યુસેજ રેશિયો ઘટવાથી રૂના ભાવને ઊંચે જવાનો માર્ગ મોકળો થશે 
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ તા. 4 મે   
ચીન આ વર્ષે સાત લાખ ટન વધુ રૂ આયાત કરવાનું છે. ચાઈનીઝ નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશને 2021માં રૂ માટે 7 લાખ ટન વધારાનો આયાત ક્વોટા ગત સપ્તાહાંતે જાહેર કર્યો. તેની સીધી અસરરૂપે ન્યૂ યોર્ક રૂ વાયદો શુક્રવારે બે ટકા વધીને 88.48 સેંટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) બોલાયો. વર્ષના પ્રારંભે ચીને 8.94 લાખ ટનનો આયાત ક્વોટા જાહેર કર્યો હતો. વધારાના ક્વોટા સાથે આ વર્ષે તેની કુલ આયાત 15.94 લાખ ટન (73.2 લાખ ગાંસડી, પ્રત્યેક 218 કિલો) થશે. 
ન્યૂ યોર્ક લિસ્ટેડ બેન્ચમાર્ક અમેરિકન રૂ વાયદો હાલમાં 90 સેંટ આસપાસ બોલાય છે, જ્યારે ઝહેનજિયાંગ કોમોડિટી એક્સ્ચેન્જ પર ચીનના ઉચ્ચ ગુણવત્તાના રૂનો વાયદો, અમેરિકાની તુલનાએ ક્યાંય ઊંચો 1.02 ડોલર પ્રતિ પાઉન્ડ બોલાય છે. આબોહવાની સમસ્યાઓની ચિંતાને કારણે 27 એપ્રિલે અમેરિકન રૂ વાયદો બે મહિનાની ઊંચાઈએ 91.37 સેંટ મૂકાયો હતો. પરિણામે ભારત સહિતના જગતના સસ્તા રૂના નિકાસકાર દેશો સામેની સ્પર્ધા, અમેરિકાએ ગુમાવી દીધી. સાથોસાથ રૂના ભાવ પર ઘટવાતરફી દબાણ વધ્યું.  
હવે જો રૂના ભાવમાં સુધારો નહીં આવે અને વરસાદની ઘટ વધશે તો પશ્ચિમ ટેક્સાસના ખેડૂતો રૂનું વાવેતર ઘટાડી નાખશે. રૂના સટોડિયાઓ કહે છે કે અમેરિકાના કૃષિ ખાતાની સંસ્થા વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડ એસ્ટીમેટે તેના એપ્રિલના તેજીતરફી અહેવાલમાં કહ્યું હતું કે અમેરિકાના રૂ ઉત્પાદક વિસ્તારમાં વરસાદની ખાધ અને વિપરીત હવામાનને જોતાં આઇસીઇ રૂ વાયદો આ સપ્તાહે વાવણીની ભરમોસમમાં પણ 90 સેન્ટની ઉપરના સ્તરે જળવાઈ રહેશે. 
આ તરફ ભારત અને ચીનની આગેવાનીમાં 2020-21માં રૂના વૈશ્વિક ઉત્પાદનનો અંદાજ 1133 લાખ ગાંસડી (પ્રત્યેક 218 કિલો)નો બાંધવામાં આવ્યો છે, જે 2019-20ની મોસમના ચાર વર્ષના સૌથી ઓછા પાક કરતાં પણ 7 ટકા ઓછો છે. વર્ષના અંતે રૂનો જાગતિક સ્ટોક 4 ટકા ઘટીને 946 લાખ ગાંસડી થશે. આ સાથે જ 2020-21ના વૈશ્વિક વપરાશ સામે સ્ટોકનું પ્રમાણ કે ટકાવારી પણ ઘટાડવામાં આવેલ છે. તેને લીધે  રૂના હાલના ભાવને વધુ ઊંચે જવાનો માર્ગ મોકળો થશે.  
મુંબઈસ્થિત એક રૂના ખેલાડીએ કહ્યું કે ભારતમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થતાં એપ્રિલમાં રૂની આવકો માર્ચની સરખામણીએ 70 ટકા ઘટીને દૈનિક સરેરાશ 15થી 20 હજાર ગાંસડી (પ્રત્યેક 170 કિલો)ની રહી હતી. સામાન્ય રીતે એપ્રિલમાં રોજની 45થી 50 હજાર ગાંસડી આવતી હોય છે. અલબત્ત, જાનિગ રૂના ભાવ ખાંડી દીઠ રૂ. 44,000થી 45,000 જેવા મક્કમ રહ્યા છે. 
ગુજરાતમાં રાજિંદી આવકો ઘટીને માત્ર 3000થી 3500 ગાંસડી થઇ ગઈ છે. સામાન્ય મોસમમાં તે 12,000થી 15,000 ગાંસડી રહે છે. એક જાનિંગ મિલના માલિકે કહ્યું કે અત્યારે ગુજરાતમાં 90 ટકા જાનિંગ મિલો બંધ છે. વધુમાં સંખ્યાબંધ મંડીઓ અથવા એપીએમસી માર્કેટ યાર્ડ પણ બંધ પડ્યા છે. 
કમિટી ઓન કોટન પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશનનું આનુમાન છે કે ઓકટોબર 2020માં શરૂ થયેલી વર્તમાન રૂ મોસમમાં ઉત્પાદન ગતવર્ષના 365 લાખ ગાંસડીથી ઘટીને 360 લાખ ગાંસડી આવશે. નિકાસ 70 લાખ ગાંસડી અને કાપડ મિલોનો વપરાશ 288 લાખ ગાંસડી રહેવાની ધારણા છે, જયારે  વર્ષાન્ત સ્ટોક 118 લાખ ગાંસડી રહેવાનું અનુમાન છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer