લૉકડાઉનને પગલે જૂન ત્રિમાસિકમાં સોનાની માગ ઘટવાની સંભાવના

લૉકડાઉનને પગલે જૂન ત્રિમાસિકમાં સોનાની માગ ઘટવાની સંભાવના
મુંબઈ, તા. 4 મે
જૂન ત્રિમાસિકમાં ભારતમાં સોનાની માગ ઘટવાની સંભાવના છે. કોરોનાનો ફેલાવો રોકવા વિવિધ રાજ્યોએ લૉકડાઉન સહિતનાં નિયંત્રણો જાહેર કરતાં લગ્ન અને તહેવારોની ઉજવણી નિસ્તેજ બની હોવાથી સોનાની માગ ઘટવાની સંભાવના છે, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તેના અહેવાલમાં જણાવ્યું છે.
માર્ચ ત્રિમાસિકમાં આગલા વર્ષની દબાયેલી માગ ઉછળતાં સોનાની ખપત વધી હતી. પરંતુ ત્યાર બાદ કોરોના મહામારીના ઉગ્રતા વધતા પ્રવાસ પર અંકુશો મૂકાયા અને બિન-આવશ્યક વેપાર ધંધાઓ બંધ કરાવાયા તેથી સોનાના વપરાશ પર અવળી અસર પડી છે, એમ કાઉન્સિલે કહ્યું છે.
આ વર્ષે સોનાના ભાવ આત્યાર સુધીમાં છ ટકા વધ્યા છે, પરંતુ હવે વપરાશ ઘટવાથી ભાવ દબાવાની શક્યતા છે. `લગ્નસરા અને અક્ષય તૃતીયા જેવા તહેવારોની ઉજવણી નિસ્તેજ રહેવાની સંભાવના છે,' એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની ભારત શાખાના મૅનેજિંગ ડિરેક્ટર સોમસુંદરમ પીઆરે જણાવ્યું હતું.
સામાન્ય રીતે ઉનાળાની લગ્નસરા અને અખાત્રીજ જેવા તહેવારોને કારણે જૂન ત્રિમાસિકમાં સોનાની માગ વધુ રહેતી હોય છે.
આ ત્રણ મહિનામાં સામાન્ય રીતે સોનાનો વપરાશ બસો ટન જેટલો રહેતો હોય છે, પણ આ વર્ષે તે ઓછો હશે, એમ તેમણે કહ્યું હતું.
ભારત હાલમાં કોરોનાની ઉગ્રમહામારીનો સામનો કરી રહ્યું છે. દૈનિક નવા કેસોની સંખ્યા ચાર લાખને પહોંચવા આવી છે. જેને કારણે આરોગ્ય સુવિધાઓ અને સ્મશાન ગૃહો પર અસહ્ય ભાર આવી પડયો છે.
વર્ષના ઉત્તરાર્ધમાં એટલે જુલાઈ પછી આર્થિક સુધારણા પગભર થશે અને દબાયેલી માગ બહાર આવતાં સોનાની ખરીદી વધશે, એવી આશા સોમસુંદરમે વ્યક્ત કરી હતી.
2021માં સોનાની એકંદર માગ ગયા વર્ષના 446.4 ટન કરતાં વધારે રહેવાની સંભાવના છે, એમ તેમણે કહ્યું હતું. 2020માં સોનાની માગ 1994 પછીના સૌથી નીચા સ્તરે હતી.
માર્ચ ત્રિમાસિકમાં ભારતમાં સોનાની માગ વર્ષાનુવર્ષ 37 ટકા વધીને 140 ટન થઈ હતી અને સોનાની આયાતમાં પણ 262 ટકાનો ઉછાળો આવ્યો હતો, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અહેવાલ જણાવે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer