સરકારે પાંચ રાજ્યોને ઉત્પાદન વધારવા ભલામણ કરી

સરકારે પાંચ રાજ્યોને ઉત્પાદન વધારવા ભલામણ કરી
કાંદાનો માગ-પુરવઠો જાળવવાનો પ્રયાસ
ડી. કે 
મુંબઇ, તા. 4 મે 
આખા વર્ષ દરમિયાન તેજી-મંદીનાં ચગડોળમાં ઘુમતા રહેતા કાંદાના ભાવ ઉપર કંટ્રોલ કરવા માટે અને જો અચાનક ભાવ વધી જાય તો પરિસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર દેશમાં કાંદાનું ઉત્પાદન વધારવાની રણનીતિ બનાવી રહી છે. સરકારે હાલમાં જ કાંદાનું ઉત્પાદન કરતા પાંચ મુખ્ય રાજ્યોને કાંદાના ખરીફ સિઝનનાં વાવેતરમાં 9900 હેક્ટરનો વધારો કરવાની ભલામણ કરી છે. 
ખરિફ સિઝનમાં ભારતમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, તથા મહારાષ્ટ્રમાં પરંપરાગત રીતે કાંદાની મોટાપાયે ખેતી થતી હોય છે. આ ઉપરાંત રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, હરયાણા તથા ઉત્તરપ્રદેશમાં પણ થોડા પ્રમાણમાં કાંદાનું વાવેતર થતું હોય છે. કેન્દ્ર સરકારે આ થોડું વાવેતર કરતા પાંચ રાજ્યોને કાંદાનું વાવેતર વધારવા માટે ભલામણ કરી છે. વાસ્તવમાં પરંપરાગત રીતે કાંદાની કેતી કરતા રાજ્યોમાં છેલ્લા થોડા વર્ષોમાં કુદરતી આફતોના કારણે ઉત્પાદનને ભારે નુકસાન થયું હોવાના અહેવાલો આવ્યા છે. જેના કારણે અચાનક પુરવઠો ખોરંભાતા ભાવ આસમાને જાય છે. આ ઉપરાંત જ્યારે મોટા પાયે કાંદાનું ઉત્પાદન થાય ત્યારે લેવાલી ન હોવાથી ભાવમાં ગાબડાં પડતા હોવાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડતું હોય છૈ. હાલમાં જ મહારાષ્ટ્રનાં ખેડૂતોને પાંચ રૂપિયે કિલો કાંદા વેચવા ફરજ પડી જ્યારે તેમની ઉત્પાદન કિંમત જ 11 રૂપિયા હોય ત્યારે તેમને સ્વાભાવિક રીતે જ નુકસાન થઇ રહ્યું છે. આવા સંજોગોમાં અમુક કિસાન સંગઠનોએ તો સરકારને 20 રૂપિયાનાં ભાવે તેમના કાંદા ખરીદી લેવાની માગણી પણ કરી હતી. 
હવે આ સમસ્યાનાં નિરાકરણ માટે સરકાર કાંદાનો માગ અને પુરવઠો જાળવી રાખવાની રણનીતિ બનાવી રહી છે. તેથી જ પાંચ રાજ્યો કે જ્યાં ગત વર્ષે 41081 હેક્ટરમાં વાવેતર થયાં હતા ત્યાં 51000 હેક્ટરમાં કાંદાનું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવી છે.યાદ રહે કે કાંદા પેરીસેબલ ક?ષિ પેદાશ હોવાથી પરિવહન વખતે ખરાબ થવાની પણ સંભાવના રહેલી છે. તેથી સરકાર સ્થાનિક સ્તરે જ્યાં વધારે ઉત્પાદન થાય છે ત્યાં બે લાખ ટન કાંદાના સ્ટોરેજની ક્ષમતા સાથે બફર સ્ટોક પણ ઉભો કરવાની વેતરણમાં છે. તેથી જ્યારે સિઝન જાય ત્યારે કાંદાનાં ભાવ વધે તો સ્ટોરેજ કરેલા સ્ટોકમાંથી પુરવઠો છુટો કરી શકાય. 
મહારાષ્ટ્રનાં લાસનગાંવ માર્કેટ યાર્ડમાં તો હાલમાં લોકડાઉનનાં કારણે ખેડૂતોને મર્યાદિત વાહનોમાં જ માલ વેચવા મળે છે તેથી તેમની હાલત વધારે કફોડી થઇ છે. લાસનગાંવમાં ગત સપ્તાહે સરેરાશ દૈનિક 18500 ક્વિન્ટલ કાંદાની આવકો નોંધાઇ હતી, પરંતુ લોકડાઉનનાં કારણે ખરીદી નહી હોવાથી ખેડૂતોને મર્યાદિત માત્રામાં માલ વેચવાની અનુમતિ અપાઇ હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer