રાજ્યના 80,000 નાના એકમો બંધ થવાની આશંકા

રાજ્યના 80,000 નાના એકમો બંધ થવાની આશંકા
એસએમઇ ચેમ્બરના ફાઉન્ડર અને પ્રમુખ ચંદ્રકાન્ત સાલૂંખેની મુલાકાત
લઘુઉદ્યોગોની હાલત કથળી: ટેક્સ્ટાઇલ, એન્જિનિયરિંગ, પ્રિન્ટિંગ-પેકેજિંગ અને અૉટોમોબાઇલ ઉદ્યોગ સૌથી વધુ પ્રભાવિત
નિલય ઉપાધ્યાય 
રાજકોટ, તા. 4 મે 
ઉત્પાદન, સેવા ક્ષેત્ર અને ઔદ્યોગિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દેશભરના લઘુ ઉદ્યોગોનો વિકાસ થાય તે હેતુથી છેલ્લાં 28 વર્ષથી રાષ્ટ્રીય સ્તરે એસએમઇ ચેમ્બર ઓફ ઇન્ડિયા કાર્યરત છે. મુંબઇમાં તેની ઓફિસ આવેલી છે. ચેમ્બર દ્વારા કેન્દ્રીય સ્તરે બદલાતી નીતિઓથી ઉદ્યોગોને વાકેફ કરવામાં આવે છે એ ઉપરાંત વિવિધ પ્રોત્સાહનો, સરકારી યોજનાઓ, મેક ઇન ઇન્ડિયા, વૈશ્વિક તકો,  નિકાસ પ્રોત્સાહન વગેરે ક્ષેત્રે કામગીરી કરવામાં આવે છે.  
ગુજરાતમાં એસએમઇ ચેમ્બરના વિવિધ ક્ષેત્રોમાં લગભગ 40 હજાર જેટલા સભ્યો છે. રાજ્યમાં 15 વર્ષથી સક્રિય છે. એસએમઇ ચેમ્બરના ફાઉન્ડર અને પ્રમુખ ચંદ્રકાન્ત સાલૂંખે એ વ્યાપારને આપેલી ખાસ મુલાકાતમાં ગુજરાતના લઘુ ઉદ્યોગો વિષે વિસ્તૃત વાતચીત કરી હતી.  
પ્રશ્ન: કોરોના કાળમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સ્થિતિ કેવી છે ? કેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ? 
ઉત્તર: કોરોનાની બીજી વેવનો આરંભ ભારતના ચાર કે પાંચ રાજ્યોમાં થયો હતો. એમાં ગુજરાત પણ એક રાજ્ય હતુ. આરંભે ધંધા ઉદ્યોગમાં ચહેલ પહેલ અટકી ગઇ. માર્ચની શરુઆતમાં ધીરે ધીરે ઉદ્યોગોમાંથી પરપ્રાંતીય મજૂરો વતન ભણી રવાના થવા લાગ્યા હતા.  જોકે માર્ચમાં કેસ વધી ગયા અને  આંધ્ર, કર્ણાટક, રાજસ્થાન, દિલ્હી વગેરે જેવા રાજ્યોમાં પણ કોરોના ફેલાયો. મજૂરોની વતન જવાની દોટ તીવ્ર બની. અત્યારે અન્ય રાજ્યોની જેમ ગુજરાતના ઉદ્યોગોમાં પણ મજૂરોની અછત વર્તાય રહી છે. કાચા માલનો સપ્લાય ઓછો છે અને ભાવ પણ ખૂબ વધી જતા ઉત્પાદન પોસાય તેવું રહ્યું નથી. જીવનાવશ્યક ચીજોનું ઉત્પાદન કરી રહ્યા હોય તેમને પણ સમસ્યાઓ થઇ રહી છે. સમગ્ર દેશમાં આવી સ્થિતિ છે એની અસર ગુજરાત પર થયા વિના રહી નથી. 
પ્રશ્ન: સ્થાનિક ઉદ્યોગકારો કહે છે, મજૂરોની વતન વાપસી ગુજરાતમાંથી ઓછી થઇ છે. ? 
ઉત્તર: રોજમદારો કે કોન્ટ્રાક્ટરોની હેઠળ કામકાજ કરી રહ્યા હોય તેવા મજૂરો વતન ગયા છે. ઉપરાંત જ્યાં ઓછી ક્ષમતાથી કામકાજ થાય છે ત્યાંથી જઇ રહ્યા છે. જોકે કાયમી છે અને ઉત્પાદન પૂર્ણ ક્ષમતાએ છે ત્યાંથી મજૂરોને જવાનો પ્રશ્ન જ નથી. છતાં થોડાં મજૂરો જાય તો ગાડરિયો પ્રવાહ શરું થશે. કોરોનાને નાથવા માટે સરકાર પંદર દિવસનું કડક લોકડાઉન જાહેર કરે તો સ્થિતિ હળવી થઇ જશે. 
પ્રશ્ન: ગુજરાતમાંથી ક્યા ક્ષેત્રોમાંથી મજૂરો વતન જતા રહ્યા છે ? 
ઉત્તર: ગયા વર્ષે પણ કોરોના હતો અને ખૂબ મોટી સંખ્યામાં મજૂરો પલાયન થઇ ગયા હતા. એમાંથી કેટલા પાછા નથી આવ્યા તે મોટો સવાલ છે. ઘણા લોકો પરત નથી આવ્યા એટલે અછત તો છે જ. રાજકોટમાં ઝવેરાત ઉદ્યોગમાં, ભાવનગરમાં શીપબ્રાકિંગ ઉદ્યોગમાં, દક્ષિણ ગુજરાતમાં કેમિકલ તથા ટેક્સટાઇલ ઉદ્યોગના ઘણા મજૂરો વતન જતા રહ્યા છે. ગુજરાતમાં માઇગ્રન્ટ લેબર કેટલા છે, શું કામ આવે છે અને એ સિવાય સ્થાનિક મજૂરો કેવી રીતે કામમાં આવી શકે તેનું રિસર્ચ કરવાનો સમય પાકી ગયો છે.  
પ્રશ્ન: ગુજરાતમાં એમએમએમઇની સંખ્યા કેટલી છે ? કેટલા યુનિટો આવનારા સમયમાં બંધ થઇ જવાનો ખતરો છે ? 
ઉત્તર: ગુજરાતમાં 2016માં અંદાજે 3.5 લાખની સંખ્યામાં લઘુ ઉદ્યોગો હતા. 2017-18માં 5.50 લાખ જેટલી સંખ્યામાં હતા. હાલ આશરે 6 લાખ જેટલા લઘુ ઉદ્યોગો હોવાનો અંદાજ છે. સરકાર હવે પ્રોત્સાહન ન આપે તો ઓછાંમાં ઓછાં 75થી 80 હજાર જેટલા ઉદ્યોગો બંધ થઇ જાય કે માંદા પડી જાય તેવી શક્યતા છે. લઘુ ઉદ્યોગોની સૌથી મોટી સમસ્યા એ છેકે તેઓ જે કંપનીઓને સપ્લાય કરી રહ્યા છે તેમની માગ સાવ ઘટી ગઇ છે. જે એસએમઇ ગુજરાતમાં છે તે સપ્લાય ચેઇનમાં મોટું યોગદાન આપે છે. રોજગારી આપે છે અને મોટાં ઉદ્યોગોને તેના તરફથી ઘણો માલ આવે છે તેનાથી મોટાં ઉદ્યોગો ચાલે છે. ઉપરાંત લોન મળવાની મુશ્કેલી છે અને જૂના પેમેન્ટ પણ પરત આવવામાં સમસ્યા છે. 
પ્રશ્ન: ગુજરાતના ક્યા ક્યા ઉદ્યોગો કોરોના વેવથી પ્રભાવિત થશે ? 
ઉત્તર:  ટેક્સટાઇલ, એન્જીનીયરીંગ, પ્રિન્ટીંગ-પેકેજીંગ અને ઓટોમોબાઇલ ઉદ્યોગ પર કોરોનાની વ્યાપક અસર આવનારા દિવસોમાં પડવાની છે.  
પ્રશ્ન: સરકારે લઘુ ઉદ્યોગોને શું સહાય કરવાની જરુર છે ? 
ઉત્તર: કોઇ લઘુ ઉદ્યોગના ખાતા એનપીએ થતા હોય તો તેને છ માસ સુધી રાહત સરકારે બેંકો સાથે રહીને આપવી જોઇએ. વધારાની 25 ટકા લોન વ્યાજ વિના આપવી જોઇએ. ગુજરાત સરકારે કાયમી મજૂરો છે તેમને છ માસ સુધી ગુજરાન ચાલે તે માટે થોડી રકમ આપવી જોઇએ. કોરોના કાળમાં સપ્લાય ચેઇન ખૂબ પ્રભાવિત થઇ છે એટલે સપ્લાય ચેઇન મેનેજમેન્ટની જરુર છે. કાળા બજાર, અછત, ઉંચા ભાવ પડાવવા વગેરે જેવી પ્રવૃત્તિ અટકે એ માટે સ્થાનિક સ્તરે કલેક્ટર મારફત દેખરેખ રાખવી જરુરી છે. 
કેન્દ્ર સરકાર લઘુ ઉદ્યોગો માટે પેકેજ આપે તે અત્યંત જરુરી છે. મજૂર કાયદાના કમ્પ્લાયન્સમાં કોઇ સમસ્યા થાય તો રાહત આપવી જોઇએ. મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે અને ઔદ્યોગિક ટેક્સમાં પણ રાહત આપવાની જરુર છે. 
ગુજરાત જ નહીં વિવિધ રાજ્યોમાં મુખ્યમંત્રી દ્વારા વોર રુમ તૈયાર કરવો જોઇએ. ઓફિસરોને તેનું સંચાલન સોંપી દેવું જોઇએ. કોઇ એસએમઇને સપ્લાય ચેઇનમાં સમસ્યા થાય. કાચો માલ ન મળે, મજૂર ન મળે કે બેંકો સાથે કોઇ સમસ્યા થાય તો તેના પર વોચ રાખવી જરુરી છે. 
પ્રશ્ન: ગુજરાતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો દ્વારા બનતી ચીજોની માગ પર કેવી અસર પડી છે ? 
ઉત્તર: માગમાં અત્યારે તો અર્ધોઅડધ ઘટાડો થઇ ગયો હોવાનો અંદાજ છે. ઔદ્યોગિક પ્રોડક્ટની માગ ઘણી ઓછી છે. જોકે ફૂડ પ્રોડક્ટ, મેડિકલ સાધનો અને દવાઓની માગમાં સખ્ત વધારો થયો છે. આવા ક્ષેત્રના ઉદ્યોગોની સ્થિતિ સારી છે. જોકે  ટ્રાન્સપોર્ટેશન ઓછું થતા પેટ્રોલ-ડિઝલની માગ થોડી ઘટી છે. દવાના ઉત્પાદકો માટે બોક્સ, પ્રિન્ટીંગ પેકેજની શોર્ટેજ વધી રહી છે. સ્થાનિક ઉદ્યોગનું ઉત્પાદન ઘટ્યું છે અને મહારાષ્ટ્રથી પેકેજીંગ મટીરીયલ ગુજરાતમાં આવે છે ત્યાં લોકડાઉન છે એટલે સપ્લાય ચેઇનમાં રુકાવટ આવી છે. (એસએમઇ ચેમ્બરનું ઇ મેઇલ: [email protected])

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer