બીસીસીઆઇએ આઇપીએલ રદ કરી : રૂ. 3000 કરોડનું નુકસાન

બીસીસીઆઇએ આઇપીએલ રદ કરી : રૂ. 3000 કરોડનું નુકસાન
વધુ ખેલાડીઓ મહામારીના સપાટામાં આવતાં લેવાયેલો નિર્ણય 
એજન્સીસ 
નવી દિલ્હી, તા. 4 મે 
કોવિડ - 19થી અમુક ખેલાડીઓ સંક્રમિત થતાં ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) ટુર્નામેન્ટ રદ કરવામાં આવી હોવાનું આ અતિ લોકપ્રિય સ્પર્ધાના આયોજકોએ આજે જાહેર કર્યું હતું. આ નિર્ણયથી બીસીસીઆઇ, વિવિધ ટીમો અને પ્રાયોજકોને આશરે રૂ.3000 કરોડનું નુકસાન સહન કરવું પડશે. બીસીસીઆઇએ ગયા વર્ષે સાઉદીમાં આઇપીએલના આયોજન સમયે રૂ. 4000 કરોડની કમાણી કરી હતી. આ સ્પર્ધામાં હજી 31 મૅચો રમાવાની બાકી હોવાથી વિવિધ આઠ ટીમોને સેન્ટ્રલ રિઝર્વ પૂલમાંથી રૂ. 1000 કરોડ ગુમાવવા પડશે. 
આઇપીએલની ગવર્નંગ કાઉન્સિલ (જીસી) અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની અમુક ખેલાડીઓ કોવિડથી સંક્રમિત થયા બાદ તાકીદની બેઠક લીધી હતી અને તાત્કાલિક અમલમાં આવે તે રીતે સ્પર્ધા - આઇપીએલ 2021ને રદ કરવાનો નિર્ણય સર્વાનુમતે લીધો હતો, એમ આઇપીએલની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
આ અગાઉ વાયરસના સંક્રમણના કારણે બે મૅચ મુલતવી રાખવામાં આવી હતી. બીસીસીઆઇએ આઇપીએલની બાકીની તમામ મેચો મુંબઇ શિફ્ટ કરવાનો વિચાર કર્યે હતો પરંતુ કોવિડના સતત વધી રહેલા કેસિસના કારણે તે શક્ય બન્યું નહોતું. લીગના ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યુ કે આ ટુર્નામેન્ટ રદ કરવામાં આવી છ. 
આઇપીએલના આયોજનમાં સામેલ સ્ટાફ, ખેલાડીઓ અને અન્ય ભાગીદારોની સુરક્ષા માટે બીસીસીઆઇ કોઇ બાંધછોડ કરવા માગતી નથી. સ્પર્ધા સસ્પેન્ડ કરવાનો નિર્ણય સંબંધિત તમામ પક્ષકારોના સારા સ્વાસ્થય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું આ યાદીમાં ઉમેરવામાં આવ્યુ છે. ખાસ કરીને ભારતમાં આ કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે અમારો પ્રયાસ ખુશી અને આનંદની પળો આપવાનો હતો પણ હવે સહુ પોતાના ઘરે જઇ પોતાના પરિવાર સાથે રહી શકશે. આઇપીએલ 2021માં સામેલ દરેક ખેલાડી અને અધિકારી વર્ગને સુરક્ષિત તેમના ઘરે - વતનમાં પહોંચાડવા માટે બીસીસીઆઇ તેમના અધિકારોનો સંપૂર્ણ ઉપયોગ કરી બનતી સહાય કરશે, એમ તેમણે જણાવ્યું હતું.
આઇપીએલની ટીમ સનરાઇઝર હૈદરાબાદના વિકેટકીપર વૃદ્ધિમાન શહા સાથે સીએસકેના બૉલિંગ કૉચ એલ બાલાજી કોવિડ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમવારે કોલકાતા નાઇટરાઇડર્સના બૉલર સંદીપ વૉરિયર અને વરૂણ ચક્રવર્તી પોઝિટીવ આવ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer