મ્યુનિસિપલ ટૅક્સમાં રાહતની મોબાઇલ રિટેલ ઍસોસિયેશનની માગ

સંક્રમણ ચેઇન તોડવા માટે 2020 જેવું કડક લૉકડાઉન લાદવાની ઉગ્ર માગ  
અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા. 7 મે 
છેલ્લા એક વર્ષથી રાજ્યમાં ઘર કરી ગયેલી કોરોના મહામારીને કારણે ગુજરાતમાં અનેક લોકોને માનસિક, શારીરિક અને આર્થિક રીતે તોડી નાખ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉનને કારણે શહેરના અનેક વેપારીઓ પરેશાન થઇ ગયા છે ત્યારે ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલ એસોસિયેશને રાજ્ય સરકારને કમસે કમ મ્યુનિસિપલ ટેક્સમાં રાહત આપવાની માગ કરી છે.  
ઓલ ઇન્ડિયા મોબાઇલ રિટેલ એસોસિયેશનના પ્રમુખ નિકુંજ પટેલે જણાવ્યું હતુ કે છેલ્લા એક વર્ષથી વેપારીની હાલત ખૂબ જ ખરાબ છે અને છેલ્લા 15 મહિનાઓમાં વેપારીઓને ધંધો ઘટીને 50 ટકા સુધી આવી ગયો છે. તો બીજી બાજુ ઓછી આવક સામે ખર્ચમાં કોઇ ઘટાડો થયો નથી ત્યારે અનેક વેપારીઓએ નુકસાન સહન નહી કરી શકતા ધંધો સમેટી લેવાનો વારો આવ્યો છે.  
એસોસિયેશન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખેલા પત્રમાં જણાવ્યું હતુ કે વાસ્તવિક પરિસ્થિતિથી આપણે સૌ વાકેફ છીએ 2020 જેવું કડક લોકડાઉન લાદી દેવાની સખત જરૂર છે, જેનાથી ચેઇન તોડવાના અને કેસની સંખ્યા ઘટાડવામાં સરકારને મદદ મળશે. તેમજ આ પરિસ્થિતિને સાથે ઝડપથી કામ પાર પાડી શકાય તે માટે વિવિધ વિભાગોને વધુ સત્તા પણ આપવી જોઇએ. વધુમાં શહેરમાં જે ડિલીવરી બોય દ્વારા જે ડિલીવરી કરવામાં આવે છે તેની પર પણ રોક લગાવી જોઇએ જેથી સંક્રમણને ફેલાતુ રોકી શકાય. 
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે હાલમાં અમારી હાલત એ છે કે દુકાન બંધ છે પરંતુ તેની સામે દુકાનના ભાડા ચાલુ છે, મ્યુનિસિપલ ટેક્સ, વકીલની ફી,  ચાલુ સ્ટાફનો પગાર ચાલુ છે આમ ખર્ચો જ ખર્ચો છે જ્યારે આવકના નામે મીંડુ છે. 
તેમણે જણાવ્યુ હતુ કે ગુજરાતના દરેક વેપારીને મ્યુનિસિપલ ટેક્સમાં રાહત આપીને સહકાર આપે અને દરેક વેપારી આપના દરેક નિર્ણયમાં સાથે જ હોય છે અને રહેશે, તો આ અમારી નમ્ર માગને ધ્યાનમાં લઇને ઘટતુ કરે તેવી તમામ વેપારી સરકારને વિનંતી કરે છે.  
આ સાથે ગુજરાતના મોબાઈલના તમામ વેપારી તેઓના મકાન માલિકને પણ નમ્ર વિનંતી કરે છે કે દરેક વેપારી જ્યારથી આપે એમને વેપાર કરવા આપની જગ્યા ભાડે આપેલ છે ત્યારથી આપને નિયમિતપણે ભાડું પણ આપે છે. પરંતુ હાલ ની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે છેલ્લા 15 માસથી બધા વેપારી ખૂબ મોટું નુકશાન કરી કાલે બધુ સારુ થશે તે આશાએ વેપાર કરી રહ્યા છે. દરેક દુકાનના માલિક ને વિનંતી આપ પણ આ સમયે સહકાર આપશો અને આપ જ્યાં સુધી દુકાન બંધ રહે તે સમયનું ભાડું લેશો નહિ તેવી રજૂઆત કરવામાં આવી છે.  
દરમિયાનમાં ગુજરાતમાં સાજા થવાનો દર સુધરી રહ્યો છે પરંતુ હજુ પણ આગામી ચાર મહિના કપરા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોઇ વચલો માર્ગ કાઢવામાં આવે તેવી પણ વેપારીઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer