વેપારીઓ ઉપર દબાણ કરીને વસૂલાત કરાય તેવો ભય

ચેકપોસ્ટ કલેક્શનનો ટાર્ગેટ વધારાયો
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 7 મે 
કોરોનાને કારણે અર્ધ લોકડાઉન જેવી સ્થિતિમાં વેપારીઓ અને નાના લોકોની આવકમાં મોટો ઘટાડો થઇ ગયો છે એવા સમયે સરકાર પાસે મદદની આશા હોય છે પણ રાજ્ય સરકારે ચેકપોસ્ટ પર થતા ટેક્સ કલેક્શનમાં વધારો કરવાની સૂચના આપી છે. સરકારે ટારગેટ વધારી દીધો હોવાથી વેપારીઓની ચિંતા વધી છે. આ મુદ્દે રાજકોટ ચેમ્બર દ્વારા મુખ્યપ્રધાન વિજય રુપાણીને રજૂઆત કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા પણ આ મુદ્દે કહેવામાં આવ્યું છે. 
મોબાઇલ સ્ક્વોડના નાયબ રાજ્ય વેરા કમિશ્નર જે. એચ. દેસાઇએ સંયુક્ત રાજ્ય વેરા કમિશ્નરને ટેક્સ કલેક્શનના લક્ષ્યાંક ફાળવવા અંગે જાણ કરી છે. આ પ્રમાણે રાજ્યના જીએશટી વિભાગ દ્વાર્ માલવાહન તપાસ કરવાની જવાબદારી ધરાવતી મોબાઇલ સ્ક્વોડને અપાયેલા ટાર્ગેટમાં 25થી 90 ટકા સુધઈનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. 
ગુજરાતના તમામ ટ્રેડરોને એવો ભય છેકે ટારગેટ પૂરાં કરવાના દબાણ હેઠળ અધિકારીઓ કપરાં સમયમાંથી પસાર થતા વેપારીઓની મુશ્કેલીમાં વધારો કરશે અને ટારગેટ મળતા સ્ક્વોડના અધિકારીઓ યેનકેન પ્રકારે જોહુકમી મનસ્વી રીતે વેપારીઓ પાસે ટેક્સની વસૂલી કરશે. 
સરકારે આંશિક લોકડાઉનની અમલવારીમાં વેપાર ધંધા પર કડક નિયંત્રણો મૂક્યાં છે તેના કારણે તેમને પણ મંદીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવા સમયે હુમક જાહેર થવાથી વેપારીઓનું મનોબળ ભાંગી પડ્યું છે. ચેક પોસ્ટ પર ટેક્સ કલેક્શનના ટારગેટના જાહેર કરાયેલા હુકમને તાત્કાલિક અસરથી રોકવા ચેમ્બરે મુખ્યપ્રધાનને લેખિતમાં રજૂઆત કરી છે.  
બીજી તરફ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના જયેન્દ્ર તન્નાએ પણ આ મુદ્દે રજૂઆત કરી છે. તેમણે કહ્યું છેકે, વેપારીઓ સરકાર પાસેથી મદદની આશા સેવીને બેઠા છે ત્યારે તેમને મદદ કરવાને બદલે રાજ્ય સરકારે ચેકપોસ્ટ પર ટેક્સ કલેક્શનના ટાર્ગેટમાં વધારો કર્યો હોવાના સમાચારને પગલે વેપારીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે.  
ટાર્ગેટ`માં 25 ટકાથી 90 ટકા સુધીનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે.  જે ખરેખર વધુ પડતો છે. સરવાળે એનથી વેપારીઓ ઉપર દબાણ કરવામાં આવે તેવો ભય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer