સોનું $ 1800 વટાવતા અઢી મહિનાની ટોચ પર

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 7 મે 
અમેરિકાના નોન ફાર્મ પેરોલ ડેટાની જાહેરાત થાય તે પૂર્વે ડોલર અને ટ્રેઝરી યીલ્ડ નબળા પડવાથી સોનું 1800 ડોલરનું મથાળું કૂદાવવામાં સફળ રહ્યું હતુ. સોનું આ લખાય છે ત્યારે 1823 ડોલરની અઢી મહિનાની ટોચ પર હતુ. આમ પાછલા છ માસમાં ચાલુ સપ્તાહ સૌથી સારું નીવડ્યું હતુ. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ.550ના સુધારામાં રુ. 49100 અને મુંબઇમાં રુ. 492 વધીને રુ. 47484 હતો. ચાંદી ન્યૂયોર્કમાં 27.33 ડોલર હતી. સ્થાનિકમાં રુ. 100 વધતા એક કિલોએ રુ. 70200 અને મુંબઇમાં રુ. 1535 વધીને રુ. 70835 રહી હતી. 
ગઇકાલે જ અમેરિકાના બોન્ડ યીલ્ડ 1.6 ટકાની અંદર જતા રહ્યા હતા તેની અસરથી સોનું 1800 વટાવી ગયુંહતુ. આજે પણ સુધારાની ચાલ જળવાઇ રહી હતી. અભ્યાસુઓ કહે છે, હવે જોબ ડેટા મહત્વનો છે. જો આંકડાઓ સારાં આવશે તો અમેરિકી અર્થતંત્ર અંગે લોકો હકારાત્મક વલણ દાખવશે અને એનાથી ફેડ ધારણા કરતા ઝડપથી વ્યાજદરમાં વધારો કરવા માટે પ્રેરાશે. જે સોના માટે નકારાત્મક બની શકે છે. જોકે જોબ ડેટા 
નબળો આવશે તો સોનામાં 1840 ડોલર સુધીના ભાવ પણ જોવા મળી શકે છે.  
કરન્સી બજારમાં ડોલરનું મૂલ્ય એક અઠવાડિયાની નીચી સપાટીએ હતુ. પરિણામે સટ્ટોડિયાઓ બજારને ખેંચી જવામાં સફળ નીવડ્યા હતા. અમેરિકામાં અઠવાડિક ધોરણે બેરોજગારીના દાવાઓની સંખ્યા પાછલા 13 મહિનાની તળિયાની સપાટીએ હતા. એ જોતા રોજગારીનું સર્જન વધારે સંખ્યામાં થયું છે. ફેડ હવે નાણાકિય ટેકો અર્થતંત્રને કેટલો સમય આપે છે તે જોવાનું છે. ક્લિવલેન્ડ ફેડ બેંક પ્રમુખ લોરેટા મીસ્ટર કહે છે, સોનું 1830 ડોલરનું સ્તર જોઇ શકે છે. એ પછી જળવાઇ શકે તો 1847 ડોલરનો માર્ગ સરળ બની જશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer