કપાસિયા ખોળમાં પાખાં સ્ટોકથી તેજીની સંભાવના

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 7 મે
ગુજરાતમાં કપાસિયા અને કપાસના નબળા સ્ટોક છતાં ભાવ ખૂબ ઘટી ગયા છે. જોકે નીચા ભાવને લીધે પરપ્રાંતમાંથી ખરીદી વધતા ફરી તેજીનો તખતો ઘડાય રહ્યો છે. પાછલા એક માસમાં કપાસિયા અને ખોળમાં ભારે મંદી થઈ છે પરંતુ ભાવ નીચા થઈ જતા હવે ગુજરાત બહારનાં રાજ્યોમાંથી કપાસિયા-ખોળની પૂછપરછ વધવા લાગી છે. બીજી તરફ સારા માલ પણ ગુજરાત સિવાય મળે તેમ નહીં હોવાથી કપાસિયામાં મણે રૂ. 50-75 અને ખોળમાં રૂ. 100-125નો ઉછાળો એકાદ મહિનામાં આવે તેવી સંભાવના છે. જોકે ચોમાસું સમયસર કેરળમાં પધરામણી કરશે તેવા હવામાન ખાતાના અહેવાલ પછી વાયદા બજાર પર શુક્રવારે થોડું દબાણ જોવા મળ્યું હતુ. 
સૌરાષ્ટ્ર કપાસ-કપાસિયા અને ખોળ એસોસિયેશનના પ્રમુખ અવધેશ સેજપાલ કહે છે કે અમારા મતે કપાસિયાનો સ્ટોક મે મહિનામાં 22-25 હજાર ગાડી જેટલો હોવો જોઇએ પરંતુ ફક્ત 4થી 5 હજાર ગાડી જ ઉપલબ્ધ છે. આમ માલની અછત તો વ્યાપક છે. એ ઉપરાંત ગુજરાતમાં કપાસિયા અન્ય રાજ્યોની તુલનાએ રૂ. 20-30 જેટલાં નીચા ભાવમાં મળે છે એટલે મહારાષ્ટ્ર-કર્ણાટક-પંજાબ ઉપરાંત સ્થાનિકમાં પણ કપાસિયાની પૂછપરછ વધી છે. લેવાલી પણ બે દિવસથી સારી રહેતા રૂ. 15-20નો સુધારો થઈ ગયો છે. 
સૌરાષ્ટ્રની વિવિધ લાઇનોમાં કપાસિયાનો ભાવ સરેરાશ એ ગ્રેડમાં રૂ. 710-730 અને બી ગ્રેડમાં રૂ. 700-710 હતો. 
કપાસિયા ખોળમાં દસેક દિવસ પૂર્વે માગ સાવ ઓછી હતી પરંતુ હવે ખરીદીનો સળવળાટ દેખાય છે. ખોળનો સ્ટોક તેમના મતે 32થી 35 લાખ ગુણી હોવો જોઈએ પણ તેના સ્થાને 20-22 લાખ ગુણી હોવાનો અંદાજ છે એટલે ખોળમાં પણ તેજી આવી શકે છે. ખોળમાં 50 કિલોનો ભાવ રૂ. 1475-1560 હતો.  બે દિવસમાં રૂ. 30-40નો સુધારો થઈ ચૂક્યો છે. કપાસિયા અને ખોળ બન્નેમાં સારા માલની અછત છે પણ ગુજરાત સિવાય ક્યાંયથી વધારે જથ્થામાં માલ મળે તેમ નથી. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં બન્ને ચીજોની માગ નીકળશે એવી આશાએ અત્યારે લેવાલીની પૂછપરછ છે. 
કપાસનો સ્ટોક સામાન્ય રીતે આ સમયે 25થી 30 ટકા જેટલો રહેતો હોય છે પણ આ વર્ષે ખેડૂતો પાસે પાંચથી સાત ટકા જ કપાસ છે. એમાંય ફરધર વધારે છે. ગામડે રૂ. 1300-1310નો ભાવ બોલાઈ રહ્યો હોવાથી સોદા થતા નથી, કારણ કે જાનિંગ મિલો હવે જૂજ ચાલુ છે. કપાસ મજબૂત હાથોમાં છે એટલે સારો ભાવ મળે નહીં ત્યાં સુધી ખેડૂતો વેંચશે નહીં. છતાં ચોમાસાની ધાર જોઈને વેચવાલી આવી શકે છે. ઘણા લોકોના મતે હવેનો કપાસ ખેડૂતોના હાથમાં રહી જશે અને નવી સીઝન પણ શરૂ થઈ જશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer