એસઍન્ડપીએ ભારતની પેટ્રોલિયમ પેદાશોની માગનો અંદાજ 9 ટકા ઘટાડયો

નવી દિલ્હી, તા. 7 મે
એસઍન્ડપી ગ્લોબલ પ્લેટ્સે 2021માં ભારતની તેલપેદાશોની માગના અંદાજમાં નવ ટકાનો ઘટાડો કર્યો છે. કોરોનાના કેસમાં રહેલો વધારો અને તેને પગલે વિવિધ રાજ્યોએ જાહેર કરેલા લૉકડાઉન સહિતના નિયંત્રણોને ધ્યાનમાં લેતા આ વર્ષે ભારતમાં તેલપેદાશોની સરેરાશ દૈનિક માગ ચાર લાખ બેરલ રહેશે, એમ પ્લેટ્સે તેના અહેવાલમાં જણાવ્યું હતું. એક મહિના અગાઉ તેણે આ માગ 4.4 લાખ બેરલ રહેવાનો અંદાજ મૂક્યો હતો.
આજે રાજ્યોમાં લૉકડાઉન જાહેર કરાતા ભારતમાં એપ્રિલ મહિનામાં પેટ્રોલનો દૈનિક વપરાશ આશરે સાત લાખ બેરલ રહ્યો હોવાનો અંદાજ છે, જે માર્ચની સરખામણીમાં 11 ટકાનો ઘટાડો દર્શાવે છે, એમ પ્લેટ્સ એનાલિટિક્સના સલાહકાર લિમ જિત યાંગે કહ્યું હતું.
પ્લેટ્સના અંદાજ મુજબ 2020માં જ્યારે કોરોના મહામારીના ભારતમાં પગરણ થયા ત્યારે ભારતની તેલની સરેરાશ દૈનિક માગ ઘટીને 4.70 લાખ બેરલ થઈ ગઈ હતી, કારણ કે મહામારીને કારણે તેલપેદાશોની માગ બે દાયકાના તળિયે પહોંચી ગઈ હતી.
`કોરોનાના કેસની સંખ્યા વિક્રમ સપાટીએ પહોંચી હોવા છતાં ભારતની રિફાઈનરીઓએ તેલના પ્રોસેસિંગમાં કાપ મૂક્યો નથી, પરંતુ સ્થાનિક લૉકડાઉનમાં વધારો થવાથી અને તેને પગલે માલની હેરફેર, પ્રવાસ તથા 
આર્થિક પ્રવૃત્તિઓમાં ઓટ આવતા તેમને પ્રોસેસિંગ ઘટાડવાની ફરજ પડશે', એમ પ્લેટ્સે જણાવ્યું છે.
તેલ ઉદ્યોગ માટે ભારતીય રેલવે કાળાં વાદળોમાં રૂપેરી કોર સમાન છે. તેણે આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર દેશભરમાં ચાલુ રાખી છે. રેટિંગ એજન્સી ક્રિસિલના એક અહેવાલ અનુસાર રેલવેએ માલનું પરિવહન ચાલુ રાખ્યું હોવાથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર કોરોનાની બીજી લહેરની અસર ઘણી ઓછી રહી છે.
`રેલવે દ્વારા કોલસો, ખનિજ લોખંડ, સ્ટીલ જેવી ચીજોની હેરફેર પ્રમાણમાં રાબેતા મુજબની રહી છે. એપ્રિલમાં તેમાં થોડો ઘટાડો થયો હતો (જે દર વર્ષે થાય છે), પણ ફરીથી તે અગાઉના સ્તરે પહોંચી ગઈ છે. આના પરથી જણાય છે કે કોરોનાની બીજી લહેરની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર ખાસ અસર પડી નથી,' એમ ક્રિસિલના વડા અર્થશાસ્ત્રી ધર્મકીર્તિ જોશીએ એક નોંધમાં જણાવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer