કૉર્પોરેટ ક્ષેત્રની માર્ચ 21 ત્રિમાસિકની પ્રોત્સાહક કામગીરીના પગલે શૅરમાં સતત લેવાલીનો દોર

વ્યાપાર ટીમ 
મુંબઈ, તા. 7 મે
સકારાત્મક વૈશ્વિક પરિબળો અને કોર્પોરેટ કંપનીઓના ત્રિમાસિક નાણાકીય પરિણામો સારા આવતા શૅરબજારમાં સતત ત્રીજા દિવસો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્ષ 257 પોઈન્ટ્સ વધીને 49,206ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 98 પોઈન્ટ્સ વધીને 14,823 બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઇન્ડિયા વીઆઈએક્સ 5.5 ટકા ઘટ્યો હતો.  
નિફ્ટીમાં તાતા સ્ટીલ, હિન્દાલકો, જેએસડબ્લ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઈફ, એમએન્ડએમ અને એચડીએફસીના શૅર્સમાં ઉછાળો આવ્યો હતો, બીજી બાજુ તાતા કન્ઝ્યુમર પ્રોડકટ્સ, બજાજ અૉટો, હિરો મોટોકોર્પ, બજાજ ફાઈનાન્સ અને આઈશર મોટર્સના શૅર્સમાં 3.5 ટકા સુધીનો ઘટાડો થયો હતો.  
વ્યાપક બજારમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.13 ટકા અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.4 ટકા વધારે બંધ રહ્યાં હતાં.  
નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં પીએસયુ બૅન્ક 0.14 ટકા ઘટ્યો હતો, નિફ્ટી ફાર્મા સૂચકાંક સ્થિર રહ્યો હતો. જ્યારે નિફ્ટી રિયલ્ટી 0.75 ટકા, પ્રાઈવેટ બૅન્ક 0.14 ટકા, મેટલ 4.73 ટકા, મીડિયા 0.90 ટકા, આઈટી 0.04 ટકા, એફએમસીજી 0.22 ટકા, ફાઈ.સર્વિસ 0.74 ટકા, ઓટો 0.04 ટકા અને બૅન્ક સૂચકાંક 0.23 ટકા વધ્યા હતા. 
આજે બીએસઈમાં ઈન્ટ્રા-ડેમાં તાતા સ્ટીલ આઠ ટકા વધીને રૂા.1,185ની નવી ટોચને સ્પર્શયો હતો. છેલ્લા બે દિવસમાં શૅર 11 ટકા વધ્યો જે જેનું મુખ્ય કારણ કંપનીનું શ્રેષ્ઠ ત્રિમાસિક પરિણામ છે. એસબીઆઈ લાઈફે બ્લોક ડિલ્સ દ્વારા ચાર કરોડ ઈક્વિટી શૅર્સનું ખરીદ-વેચાણ થતા શૅર બીએસઈમાં સાત ટકા વધ્યો હતો. વેદાંતના કામકાજમાં સુધારો થતા વેચાણ વધવાથી શૅર સાત ટકા વધીને ત્રણ વર્ષની ઉપલી સપાટીને સ્પર્શયો હતો. તાતા કન્ઝ્યુમર પ્રોડકટ્સનો માર્ચ ત્રિમાસિક કાચો નફો (ઈબિટડા) ફક્ત એક ટકા વધીને રૂા.317 કરોડ થતા અને નફા ગાળો 12.97 ટકાથી ઘટીને 10.44 ટકા થતા ઈન્ટ્રા-ડેમાં શૅર બીએસઈમાં છ ટકા ઘટ્યો હતો.  
વૈશ્વિક બજારો 
જર્મની અને અન્ય મુખ્ય દેશોના આર્થિક આંકડા સારા આવતા વૈશ્વિક અર્થતંત્ર મહામારીથી જલ્દી બહાર આવશે એવી આશાએ યુરોપના શૅર્સ રેકર્ડ હાઈ ટ્રેડ થઈ રહ્યા હતા. 
યુરોપિયન-સ્ટોક્સ 600 ઈન્ડેક્સ 0.3 ટકા, જર્મનીનો ડીએએક્સ 0.9 ટકા વધારે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ફ્રાન્સનો સીએસી 40 ઈન્ડેક્સ નવેમ્બર 2000 બાદની ટોચે ટ્રેડ થઈ રહ્યો હતો. ઉપરાંત યુકેનો એફટીએસઈ 100 ઈન્ડેક્સ ફેબ્રુઆરી 2020 બાદ પહેલી વખત 7,100ની ઉપલી સપાટીને સ્પર્શયો હતો.  
એશિયામાં જપાનનો નિક્કી 0.09 ટકા અને ટોપિક્સ 0.29 ટકા વધ્યા હતા. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.6 ટકા અને અૉસ્ટ્રેલિયાનો એસએન્ડપી/એએસએક્સ 200 ઈન્ડેક્સ 0.3 ટકા વધારે ટ્રેડ થઈ રહ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer