આ વર્ષે પણ અક્ષય તૃતિયાએ સોનાની ખરીદી ઘટશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 મે
આ વર્ષે તા. 14 મેના રોજ અક્ષય તૃતિયાનો શુભ દિવસ છે, પણ કોરોના કેસો દેશભરમાં વધવાથી સોનાની ખરીદી ઉપર માઠી અસર પડશે, એમ જણાય છે. ગત વર્ષે પણ અક્ષય તૃતિયાના રાષ્ટ્રીય લૉકડાઉન હોવાથી સોનાની વિશેષ ખરીદી થઈ નહોતી. 
ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, ગ્રાહકો પોતાનો જીવ જોખમમાં મૂકી સોનું ખરીદવા શૉરૂમમાં જવાનું પસંદ નહીં કરે. જેને આભૂષણો ખરીદવા છે તેમણે દુકાન માલિકને હોમ ડિલિવરી માટે કહેવું જોઈએ.
ઘણા મોટા ઝવેરીઓ સોનાની ડિજિટલ માર્કેટિંગને પ્રોત્સાહન આપે છે. ડિજિટલ વેચાણ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધ્યું છે અને અગાઉ ઘણા લગ્નો જે મુલતવી રહ્યાં હતા તે આ ગાળામાં થઈ રહ્યા છે.
ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર બાદ જ્યારે અર્થતંત્ર ખૂલ્યું હતું ત્યારે મોટા ઝવેરીઓને અમુક લાભ થયો છે. આની સામે નાના ઝવેરીઓ જે મોટી સંખ્યામાં છે તેમને ખાસ લાભ થયો નહોતો. નાના ઝવેરીઓનું ગત વર્ષે વેચાણ 50થી 60 ટકા ઘટયું હતું. જોકે, તામિલનાડુ અને કેરલા-એ બે મોટા સોનાનો વપરાશ કરતા રાજ્યો હોવાથી ત્યાં પાછળથી વેચાણ સુધર્યું હતું. બીજું ગ્રાહકો ભાવ વધઘટથી બહુ ચિંતા કરતા નથી અને મોટા જ્વેલર્સો ઍડવાન્સમાં સોનું બુક કરાવવાની સ્કીમો ધરાવતા હોય છે. અક્ષય તૃતિયામાં સોનાનું વેચાણ જે ઓછું થશે તેનો માર નાના ઝવેરીઓને પડશે,
સોનાના ભાવો ઘટયા બાદ પાછા વધઘટ શરૂ થયા છે. નીચા વૈશ્વિક વ્યાજદર અને ફુગાવાએ ગત વર્ષે સોનાના ભાવો વધવામાં મદદ કરી હતી. અૉગસ્ટમાં બજારભાવ ઔંસદીઠ વધી 2000 ડૉલર થઈ ગયા હતા. જે તે પહેલા ઘટી ઔંસદીઠ 1670 ડૉલર થયા હતા. પીળી ધાતુના ભાવો ફરી વધવા શરૂ થઈ ગયા છે. શુક્રવારે સવારે ભાવ ઔંસદીઠ 1819 ડૉલર હતા. ગત વર્ષની અક્ષય તૃતિયા વેળા ભાવ ઔંસદીઠ 1715 ડૉલર હતા. જ્યારે આ વેળા ભાવ 100 ડૉલર જેટલા ઊંચા છે. 30થી 45 દિવસમાં ભાવ 1920ડૉલરની સપાટીએ પહોંચી જવાની શક્યતા છે, એમ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.
આમ છતાં કોરોનાની બીજી લહેરમાં ટૂંકા ગાળે સોનાના ભાવો અસ્થિર રહેશે. છેલ્લા દોઢ મહિનામાં ભાવો સુધર્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer