2021-22ની રાજકોષીય ખાધ વધશે : ફીચ

એજન્સીસ                     
નવી દિલ્હી, તા. 7 મે
2021-22ના નાણાકીય વર્ષમાં ભારતની આવક ઘટશે અને રાજકોષીય ખાધ લક્ષ્યાંકથી વધી જશે, એમ ફીચ સોલ્યુશન્સે શુક્રવારે જણાવ્યું હતું.
એપ્રિલ 2021થી માર્ચ 2022નો સરકારનો ખાધનો લક્ષ્યાંક 6.8 ટકાનો હતો પણ અમારા મતે 2021-22માં ભારતીય કેન્દ્ર સરકારની ખાધ વધી 8.3 ટકા થઈ જશે, એમ ફીચે જણાવ્યું હતું.
રાજકોષીય ખાધનો ફીચનો અગાઉનો અંદાજ આઠ ટકાનો હતો. ભારતમાં કોરોનાના કેસો વધવાથી અને તેને ડામવાના પગલે લેવાતા કારણે ભારતની આર્થિક રિકવરી થોડીક મંદ પડશે. જેની રાજકોષીય આવક પર નકારાત્મક અસર પડશે.
ભારત સરકારના ખર્ચનો અંદાજ રૂા. 34.8 લાખ કરોડનો છે. આર્થિક રિકવરીની ગતિ જાળવી રાખવા સરકારે તેનો ખર્ચ વધારવો પડશે.
2021-22માં સરકારનો આવકનો અંદાજ જે રૂા. 17.8 લાખ કરોડનો હતો તે ઘટી રૂા. 16.5 લાખ કરોડ થવાની ધારણા છે. સરકાર તેની બજેટની જોગવાઈથી વધુ ખર્ચ કરી શકવાની સ્થિતિમાં નથી.
2021-22ના અંદાજપત્રની જોગવાઈ અનુસાર સૌથી વધુ ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ટ્રાન્સપોર્ટ, શહેરી વિકાસ, વીજળી), હેલ્થકૅર, કૃષિ ગ્રામીણ વિકાસ પર કરવાનો હતો.
આમ છતાં ભારતમાં કોરોનાના કેસો ઘણા વધી જતાં હવે આ વર્ષે સૌથી વધુ ખર્ચ ભારતીય હેલ્થકેર સિસ્ટમ પછવાડે થશે. હેલ્થકેર પછવાડે ખર્ચ રૂા. 74600 કરોડનો થશે જે કુલ અંદાજિત 2021-22  ખર્ચના 2.1 ટકા જેટલો હશે.
એ પછીનો સૌથી વધુ ખર્ચ ગ્રામીણ રોજગાર સ્કીમ-મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરન્ટી સ્કીમ પછવાડે થશે. જોકે, ફેબ્રુઆરીમાં જ્યારે કેન્દ્રીય અંદાજપત્રની જાહેરાત કરાઈ હતી. ત્યારે ભારતે કોરોના પર કાબૂ મેળવી લીધાનું જણાતું હતું. આથી સરકારે મનરેગા સ્કીમ માટે ફંડની જોગવાઈ જે 2020-22માં રૂા. 1.1 લાખ કરોડની હતી તેં ઘટાડી 2021-22માં રૂા. 73000 કરોડની કરી નાખી હતી. હવે પરપ્રાંતીય કામદારોની હિજરત થકી ગ્રામીણ ક્ષેત્રે રોજગારી વધારવા પર સરકારે વધુ ધ્યાન આપવાનું રહેશે.
રિયલ જીડીપી વિકાસની આગાહી પ્રમાણે 2021-22નો સરકારી અંદાજ 10.5 ટકાનો હતો. પરંતુ ફીચ સોલ્યુશન્સનો અંદાજ 9.5 ટકાનો છે. નબળી આર્થિક રિકવરીથી આવકની વસૂલાત ઓછી થવાની ધારણા છે. જાહેર દેવાનો અંદાજ 2020-21માં જે 89.8 ટકાનો હતો. તે ઘટી 2021-22માં 88 ટકા થવાની ધારણા હતી. જાહેર દેવું વધી રહ્યું છે. જીડીપી વૃદ્ધિ વધતા નેટ ધિરાણને સરભર કરી નાખશે. ધિરાણ વધવાથી સરકારનું વ્યાજનું ભારણ વધશે. 2021-22માં ખર્ચના 23 ટકા જેટલું થવાનો અંદાજ છે. વ્યાજનું ભારણ વધવાથી ખાધ વધશે, એમ મનાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer