સુરતની કાપડ માર્કેટો 12 મે સુધી બંધ રહેશે

સુરતની કાપડ માર્કેટો 12 મે સુધી બંધ રહેશે
અમારા પ્રતિનિધિ તરફથી              
સુરત, તા.  7 મે
કોરોનાની સાંકળ તોડવા માટે કાપડ બજારો 12મી મે સુંધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા)એ રાજ્ય સરકારના જાહેરનામાને ધ્યાનેમાં લઇને કાપડ માર્કેટ આગામી તા. 12 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ વેપારી સંસ્થાએ કામકાજ માટે એક-બે કલાક છુટ આપવા માટે પોલીસ કમિશનરને રજુઆત કરી હતી. 
સુરત શહેરમાં કોરોના વકરતા રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉન 12 મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે જથ્થાબંધ કાપડના કેટલાક વેપારીઓ માર્કેટ ખુલે તેવું ઇચ્છે છે. જયારે કેટલાક વેપારીઓનું કેહવું છે કે, અન્ય રાજ્યોમાં પણ લોકડાઉન હોવાથી દુકાનો શરૂ કરવાનો કોઇ મતલબ નથી. તેથી વેપારીઓ પરિસ્થિતિને ધ્યાને લઇને  દુકાનો બંધ રાખવા માંગે છે. ફોસ્ટા પણ બંધ રાખવાના પક્ષમાં છે. 
આ દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયા વેપારીઓની એક સંસ્થાના હોદેદાર તથા વિવર અગ્રણીઓને લઇને પોલીસ કમિશનર કચેરીએ રજુઆત માટે પહોચ્યા હતા. સુરત શહેરમાં વેપાર ધંધાની ગાડી ફરી પાટે ચડે એ ખુબ જ જરૂરી હોવાથી, ધારાસભ્યો અને રાજકીય નેતા મારફતે રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય પગલા લેવાની માંગણી તેમણે કરી છે. શહેરની મોટાભાગની સંસ્થાઓ એવું ઇચ્છે છે કે, વેપાર-ધંધામાંની પ્રવૃત્તિ જળવાઇ રહે. માર્કેટને એક-બે કલાકની છુટ કામકાજ ચાલુ રાખવા આપવામાં આવે એવી માંગણી છે. 
કાપડ બજારની માર્કેટ બાબતે પોલીસ કમિશનરનું માર્ગદર્શન મેળવવા જનાર કાપડ બજારના વેપારીઓની બે સંસ્થાના હોદ્દેદારો ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદાર સમક્ષ રકઝક પણ થઇ હતી. ફોસ્ટા વેપારીઓની એક સંસ્થા સૌથી જુની છે ત્યારે અન્ય સંસ્થાને રજુઆત માટે કેમ આગળ કરવામાં આવી, એ મુદ્દો હતો. ચેમ્બર પ્રમુખ વેપારીઓની એક સંસ્થાના હોદ્દેદારો તથા વિવર અગ્રણીઓને લઇને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા ત્યારે જુની વેપારીઓની સંસ્થાના ચારેક હોદ્દેદારો પણ પહોંચી ગયા હતા. રાજ્ય સરકાર જાહેરનામા અનુસાર વેપારીઓ કામ કરી શકે તે માટે બે જુદી-જુદી સસ્થાના હોદ્દેદારો કામ કરી રહ્યા છે. હકીકતમાં તો રજુઆત દ્વારા જે કંઇ નિર્ણય આવે તેનો જશ પોતાને જ મળે, એવા દુરાગ્રહને કારણે બે સંસ્થાના હોદ્દેદારો વચ્ચે ખટાશ ઉભી થઇ હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer