ક્રૂડતેલના ભાવ વર્ષની મધ્યમાં $ 80 થવાની ધારણા

ક્રૂડતેલના ભાવ વર્ષની મધ્યમાં $ 80 થવાની ધારણા
કોરોના રસીકરણમાં વેગ આવતા તેલની માગમાં વિક્રમ ઉછાળો આવશે  
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ તા. 7 મે
માગ, પુરવઠો અને આર્થિક વિકાસને ધ્યાનમાં લઈએ તો ક્રૂડ તેલમાં તેજીનો તખતો તૈયાર થયો છે. જો કે ભારતમાં કોરોના મહામારીથી તેલ અને તેલપેદાશોની માગ પર વિપરીત અસર પડી શકે છે. જગતમાં ક્રૂડ તેલના ત્રીજા નંબરના સૌથી મોટા ગ્રાહક ભારતમાં મહામારીનો પ્રભાવ બળતણની માગ પર વર્તાઈ રહ્યો છે. તેલ એનાલિસ્ટો માને છે કે મે મહિનામાં વધુ પ્રતિબંધો અને લોકડાઉન જેવાં નિયંત્રણોથી પેટ્રોલ અને ડીઝલ સહિતનાં બળતણની માગમાં વેગથી ઘટાડો આવશે. અત્યારે એવું લાગે છે કે ભારતમાં દેશવ્યાપી લોકડાઉનની કોઈ યોજના નથી એ જોતાં મહામારી વચ્ચે પણ ભાવઘટાડો મર્યાદિત રહેશે.  
સામે પક્ષે યુરોપ અને અમેરિકામાં તેલની માગ વધવા લાગી છે. અમેરિકન ઊર્જા ઉત્પાદકોએ ગત સપ્તાહે ઓઇલ અને ગેસની રીગની સંખ્યા વધારી હતી. રીગ કાઉન્ટ એજન્સી બેકર હ્યુઝે કહ્યું કે ક્રૂડ તેલના ભાવ વધવાને લીધે કેટલાક ઉત્પાદકોએ સતત નવમા મહિને રીગ સંખ્યા વધારીને વધુ નફાની તક ઝડપી લીધી છે.  
ગોલ્ડમેન સાશનું માનવું છે કે તેલના ભાવ વધતા રહેશે અને વર્ષના મધ્યભાગમાં 80 ડોલરની સપાટી કુદાવી જશે. મંગળવારે બ્રેન્ટ વાયદો પ્રતિ બેરલ 67.77 ડોલર હતો. જ્યારે અમેરિકન બેન્ચમાર્ક ડબલ્યુટીઆઈ વાયદો 64.72 ડોલર બોલાતો હતો. આઈએનજી બેંકના એનાલિસ્ટ એક નોંધમાં કહે છે કે ભારતની બળતણની માગના પ્રાથમિક આંકડા સૂચવે છે કે મહામારીની અસર માગ પર દેખાવા લાગી છે.  
ઓપેક અને સાથી દેશોના તેલની જાગતિક માગના અંદાજો જોઈએ તો બજારમાં ફરી વિશ્વાસનું વાતાવરણ બંધાઈ રહ્યું છે. ગોલ્ડમેન સાશ કહે છે કે કોરોના રસીકરણની ઝુંબેશ વેગ પકડશે તેમ તેમ તેલની માગમાં વિક્રમ ઉછાળો આવશે. સિટી બેંક કહે છે કે ઉત્તર અમેરિકા અને યુરોપમાં વેક્સિન આપવાના અભિયાનમાં વેગ આવતાં ઉત્તર-ગોળાર્ધના ઉનાળામાં તેલની સરેરાશ દૈનિક માગ 1015 લાખ બેરલની વિક્રમ સપાટીએ પહોંચી ગઈ હતી. અલબત્ત, તે એવો મત ધરાવે છે કે ભારત અને બ્રાઝિલમાં જો કોરોનાના કેસ વધશે અને લોકડાઉન લાગુ કરાશે તો સ્થાનિક માગમાં ગાબડાં પડશે. 
તેઓ એવું પણ નોંધે છે કે ભારતમાં એપ્રિલ મહિનામાં પેટ્રોલની માગ માર્ચ કરતાં 6.3 ટકા ઘટીને 21.4 લાખ ટન રહી હતી. જે ઓગસ્ટ 2020 પછીનો સૌથી મોટો ઘટાડો હતો. ડીઝલની ખપત 1.7 ટકા ઘટીને 59 લાખ ટન રહી હતી. આઈએનજીના એનાલિસ્ટ કહે છે કે ભારતમાં કોરોના મહામારી હજી તેની ચરમ સીમાએ નથી પહોંચી. એ જોતાં મે મહિનામાં બળતણની માગમાં વધુ ઘટાડો સંભવિત છે.   
દરમિયાન બજારના ખેલાડીઓ અમેરિકા અને ઈરાન વચ્ચે વિયેનામાં ચાલી રહેલી અણુકરાર વિશેની વાટાઘાટો ઉપર પણ નજર માંડીને બેઠા છે. આ વાટાઘાટ સફળ થાય તો શક્ય છે કે અમેરિકા ઇરાનના તેલ ઉદ્યોગ પરનાં નિયંત્રણો હટાવી લે. જો એમ થાય તો ઈરાન રોજનું 25 લાખ બેરલ ક્રૂડ તેલ  વિશ્વબજારમાં વેચી શકશે એમ એસએન્ડપી ગ્લોબલ પ્લાટસ કહે છે.  
અલબત્ત, એનાલિસ્ટો કહે છે કે ઈરાન વધારાનાં બેરલ્સ સાથે નવેસરથી બજારમાં પ્રવેશ કરશે તો પણ ભાવ પર તેની અસર મર્યાદિત રહેશે. આમ પણ છેલ્લા કેટલાંક મહિનાથી ઈરાન ચીન જેવા દેશોને વધુને વધુ તેલ વેચી રહ્યું છે એટલે તેના બજાર પ્રવેશની અસર તેલના ભાવમાં મહદંશે ગણતરીમાં લેવાઈ ચૂકી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer