ખસખસની આયાતના કેસની સુનાવણી 15 જુલાઈ પર મુલતવી

ખસખસની આયાતના કેસની સુનાવણી 15 જુલાઈ પર મુલતવી
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 7 મે  
ખસખસની આયાતના કેસની સુનાવણી 15 જુલાઈ પર મોકૂફ રખાઈ છે. દિલ્હી હાઈ કોર્ટમાં તે 30 એપ્રિલે સુનાવણી માટે  આવ્યો હતો.  
અગાઉ સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ખસખસની આયાત માટેની સરકારની નીતિમાં તે હસ્તક્ષેપ નહીં કરે.  
સર્વોચ્ચ અદાલતની આ પ્રકારની સ્પષ્ટતાથી જણાય છે કે આ વર્ષે ખસખસની આયાતની પરવાનગી મળે અને આયાત થાય તેવી શક્યતા અત્યંત ઝાંખી છે.  
આ સંજોગોમાં આ વર્ષના અંત સુધીમાં ખસખસના જથ્થાબંધ ભાવ કિલોએ રૂા. 3000ની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચે તેવી શક્યતા છે. ખસખસના વેપારીઓ અને ખેડૂતો અત્યાર સુધીના શ્રેષ્ઠતમ ભાવે માલનું વેચાણ કરી શકશે. ઉત્પાદક દેશોમાંથી ખસખસની આયાત કરવાની પરવાનગી સરકાર ન આપે અને ખસખસના ભાવ નવી ઉંચી સપાટી સર કરતા રહે એવો સિલસિલો છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે.  
કોરોના સંક્રમણને અંકુશમાં લેવા દેશની મંડીઓમાં હાલ કામકાજ બંધ છે. તેથી બજારમાં ખસખસના સ્ટૉકની સ્થિતિ જાણવા મળી શકતી નથી. રમજાન નિમિત્તે ખસખસમાં કામકાજ કેવા રહ્યા તેનો પણ અંદાજ મળી શક્યો ન હોવાનું સૂત્રોનું કહેવું છે.  
કોરોના પ્રેરિત લૉકડાઉનને કારણે કેટારિંગ, હોટેલ અને રેસ્ટોરાંનાં કામકાજ પર અંકુશ હોવાથી માગ ઘટી છે. જો કે ખસખસનો પાક માગ સામે ઓછો છે અને આયાત થવાની શક્યતા ન હોવાથી ભાવ સતત વધી રહ્યા છે.  
અત્રેની જથ્થાબંધ બજારમાં ખસખસના જથ્થાબંધ ભાવ કરવેરા સિવાય જુલાઈ 2020માં કિલોએ રૂા. 950, અૉગસ્ટમાં રૂા. 1175, સપ્ટેમ્બરમાં રૂા. 1200, ડિસેમ્બરમાં રૂા. 1275, આ વર્ષે જાન્યુઆરીમાં રૂા. 1300, ફેબ્રુઆરીમાં રૂા. 1350, માર્ચમાં રૂા. 1450 અને એપ્રિલમાં રૂા. 1550 હતા. આ મહિનાના આરંભે તે રૂા. 1600-1700 જેવા થયા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer