તાંબાની બજાર પુરાંતમાં આવે તો ભાવ ઝડપભેર ઘટશે

તાંબાની બજાર પુરાંતમાં આવે તો ભાવ ઝડપભેર ઘટશે
મુંબઈ, તા. 7 મે
તાંબાની વૈશ્વિક બજાર પુરાંતમાં છે કે ખાધમાં? ઉત્તેજિત રોકાણકારો અને બજારવાળાઓ માટે આ લાખ રૂપિયાનો સવાલ છે, ખાસ કરીને તાજેતરના ઉછાળા પછી.
ઇન્ટરનેશનલ કોપર સ્ટડી ગ્રુપે હમણાં જાહેર કરેલા અંદાજો અનુસાર આ વર્ષે શુદ્ધ તાંબાની બજારમાં 79000 ટનની પુરાંત રહેવાનો સંભવ છે. ગયા વર્ષે 6.04 લાખ ટનની ખાધ રહ્યા પછી આ વર્ષે તાંબુ પુરાંતમાં હશે.
ગયા વર્ષની ખાધ પુરાઈ જઇને આ વર્ષે પુરાંત રહેવાનું મુખ્ય કારણ છે મંદ માગ તાંબાની આંતરરાષ્ટ્રીય માગમાં આ વર્ષે 0.2 ટકા જેવો નજીવો વધારો થવાની ધારણા છે. તાંબાના બજારની ચોટલી ચીનના હાથમાં છે અને આ વર્ષે ચીનની માગ 4.5 ટકા ઘટવાની ધારણા છે.
ગય વર્ષે ચીનની તાંબાની માગનો વધારો બે આંકડામાં હતો કેમ કે રાહત પૅકેજને પગલે તેની આર્થિક પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલવા લાગી હતી. પરંતુ ચીનની તાંબાની આયાત તેની જરૂરિયાત કરતાં વધી ગઈ હતી. આ વર્ષે ચીન ગયા વર્ષનો વધારાનો જથ્થો વાપરી નાખે તેવી શક્યતા છે.
પુરવઠાની વાત કરીએ તો સ્ટડી ગ્રુપ ખાણના (કાચા ધાતુના) ઉત્પાદનમાં 3.5 ટકાનો અને શુદ્ધ તાંબાના ઉત્પાદનમાં 3 ટકાનો વધારો થવાનો અંદાજ મૂકે છે. કોન્ગો, ચીલી અને પેરુમાં મોટા પ્રોજેક્ટો શરૂ થવાના છે. વાસ્તવમાં તાંબાના પુરવઠાની પુરાંત 2022માં પણ ચાલુ રહેવાની (109,000 ટન) સંભાવના છે. બીજા 
શબ્દોમાં કહીએ તો માગ કરતાં પુરવઠામાં વધુ મોટો વધારો થશે.
રસપ્રદ વાત એ છે કે ઘણા બજારવાળાઓ આનાથી ઉલટો અભિપ્રાય ધરાવે છે. ઘણા ઇન્વેસ્ટરો તથા સંશોધકો માને છે કે તાંબામાં પુરવઠાની અછત છે. પુરાવા તરીકે તેઓ ગયે અઠવાડિયે તાંબાનો ભાવ 10,000 ડૉલરની માનસશાત્રીય સપાટી વટાવીને ટન દીઠ 10,190 ડૉલર બોલાયો તેનો હવાલો આપે છે. ઇલેક્ટ્રિક વાહનો માટે તાંબાની વધતી માગ તરફ પણ તેઓ ધ્યાન દોરે છે.
સાથોસાથ એક અભિપ્રાય એવો પણ છે કે માગ અને પુરવઠાની પરિસ્થિતિ જોતાં તાંબાના હાલના ભાવ વાજબી નથી. તેથી તાંબામાં જોરદાર માગનો તબક્કો ક્યારે પૂરો થાય છે. તેના પર આગામી મહિનાઓમાં તેજી મંદીનો આધાર રહેશે. આમાં ભારત અને દક્ષિણ અમેરિકામાં પ્રવર્તી રહેલા કોરોનાના પ્રકોપનો ઉમેરો કરો તો ચિત્ર વધુ સ્પષ્ટ થશે.
સ્ટડી ગ્રુપની આગાહીનો ઉપેક્ષા કરીને અત્યારના તેજી તરફી પ્રવાહમાં ખેંચાઇ જવાને બદલે બજારવાળાઓ માગમાં ફેરફાર થયાના સંકેતોની રાહ જોશે. ચીનની પાવર ગ્રીડ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન પર તેમની નજર રહેશે.
ભારત ત્રણ વર્ષ પહેલાં તાંબાનું નિકાસકાર મટીને આયાતકાર બન્યું. 2019-20માં ભારતે 1.52 લાખ ટન શુદ્ધ તાંબાની આયાત સામે 39000 ટનની નિકાસ કરી હતી. તુતીકોરિન ખાતેના 400000 ટનની ક્ષમતાવાળા પ્લાન્ટ બંધ થવાથી આ પરિવર્તન આવ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer