વોટ્સઍપે પ્રાઈવસી પૉલિસી સ્વીકારવા માટેની આખરી મુદત રદ કરી

વોટ્સઍપે પ્રાઈવસી પૉલિસી સ્વીકારવા માટેની આખરી મુદત રદ કરી
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 7 મે
વોટ્સઍપે તેની વિવાદાસ્પદ પ્રાઈવસી પૉલિસી સ્વીકારવા માટેની 15મી મેની ડેડલાઈન રદ કરી છે. તેણે સ્પષ્ટતા કરી છે કે, જે લોકો તેની પ્રાઈવસી પૉલિસી નહીં સ્વીકારે તેમના ઍકાઉન્ટ ડિલિટ નહીં કરાય.
વોટ્સઍપની પ્રસ્તાવિત પ્રાઈવેટ પૉલિસીનો તેના ગ્રાહકોએ પ્રચંડ વિરોધ કર્યો હતો. તેમને ડર હતો કે, વોટ્સઍપે તેમને ડેટા પોતાની માતૃકંપની ફેસબુકને પહોંચાડી રહી છે. 
વોટ્સઍપના પ્રવક્તાએ આજે પીટીઆઈને કહ્યું કે, નવી પૉલિસી નહીં સ્વીકારવા માટે 15મી મેએ કોઈ ઍકાઉન્ટ ડિલીટ નહીં કરાય. જોકે, વોટ્સઍપે આગામી સપ્તાહોમાં ગ્રાહકોને આ વિશે રિમાઈન્ડર મોકલવાનું રહેશે, એમ પ્રવક્તાએ ઉમેર્યું હતું.
પ્રવક્તાએ દાવો કર્યો હતો કે, જે ગ્રાહકોને નવી પૉલિસીની શરતો જાણવા મળી છે. તેમાંથી મોટાભાગનાએ તેનો સ્વીકાર કર્યો છે, જ્યારે કેટલાક લોકોને હજી એમ કરવાની તક મળી નથી.
જોકે, કંપનીએ પોતાના નિર્ણય માટે કોઈ કારણ આપ્યું નથી અને કેટલા ગ્રાહકોએ નવી શરતો સ્વીકારી છે તેનો આંકડો પણ જાહેર કર્યો નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer