બ્રાસપાર્ટસ ઉદ્યોગમાં 30 ટકા ઉત્પાદન કાપ

બ્રાસપાર્ટસ ઉદ્યોગમાં 30 ટકા ઉત્પાદન કાપ
મુંબઈ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં લૉકડાઉનની માઠી અસર 
નિલય ઉપાધ્યાય 
રાજકોટ, તા. 7 મે 
કોરોનાને લીધે બજારોમાં સ્વયંભૂ લોકડાઉન અને મોટાં શહેરોમાં મિનિ લોકડાઉનને કારણે બ્રાસ પાર્ટસ ઉદ્યોગ ઉપર માઠી અસર પડી છે. જામનગરના આ ઉદ્યોગમાં ઉત્પાદન 30-35 ટકા જેટલું પ્રભાવિત થયું છે. બ્રાસ પાર્ટસ ઉત્પાદકો કહે છે, નિકાસમાં નિયમિત રીતે માલ જાય છે પણ સ્થાનિક બજારોમાં સુસ્તી છે. દિલ્હી અને મુંબઇ જેવા મોટાં બજારો બંધ છે એટલે વપરાશ ઘટી ગયો છે. ઓટોમોબાઇલ ક્ષેત્રે પણ અત્યારે ઉત્પાદન કાપની સ્થિતિમાં બ્રાસ પાર્ટસની માગ ઘટી
ગઇ છે. 
જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ લાખાભાઇ કેશવાલા કહે છેકે, ઉદ્યોગમાં કામકાજ ઘટી ગયા છે. મોટાં શહેરો દિલ્હી અને મુંબઇ આપણા માટે મહત્વની બજારો ગણાય છે પણ ત્યાં કોરોનાને કારણે લોકડાઉન છે એટલે માગ ઘટી ગઇ છે. બીજી તરફ ઓટોમોબાઇલ કે ઓટો પાર્ટસની દુકાનો પણ બંધ છે એટલે માગ પર અસર પડી છે. નવા ઓર્ડર આવતા નથી. પેમેન્ટ સાઇકલ પણ અટકી પડેલી છે. 
તેમણે જણાવ્યું કે, બ્રાસપાર્ટસ ઉદ્યોગમાં 35થી 40 હજાર જેટલા પરપ્રાંતીય મજૂરો કામકાજ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મજૂરો આવીને અહીં કામકાજ કરે છે. જોકે કોરોનાના ફફડાટને લીધે 25 ટકા જેટલા મજૂરો વતન જતા રહ્યા છે. એ હવે આવે તેમ નથી એટલે ઉત્પાદન પર પણ અસર પડી છે. જામનગર અને આસપાસના વિસ્તારોમાં બ્રાસપાર્ટસના નાના મોટાં 8 હજાર જેટલા યુનિટો છે.  
બ્રાસ ઉદ્યોગના અગ્રણી જિનેશ શાહ કહે છે, વપરાશી મથકોએ બંધની સ્થિતિ છે અને એ કારણે ઉત્પાદન પર અસર પડી છે. પેમેન્ટ સાઇકલ પણ ધીમી પડી ગઇ છે. 
પેમેન્ટ છૂટતા નથી એટલે નાણાની પણ અછત વર્તાય છે. મજૂરો પણ 20-25 ટકા જેટલા ઓછાં થઇ ગયા છે.  ખાસ કરીને દિલ્હી અને મુંબઇમાં લોકડાઉનની ગંભીર અસર પડી છે. પંજાબ અને હરિયાણામાં મહામારી વ્યાપક સ્વરુપે છે એટલે માગ ત્યાંથી પણ આવતી નથી. ઓટો કમ્પોનન્ટની કોઇ ઘરાકી નથી. ઘણા ઓક્સિજનના ઉત્પાદન તરફ વળી ગયા છે એટલે પણ અત્યારે માગ નથી. 
બ્રાસપાર્ટસના ભાવમાં ભારે વધઘટ થઇ રહી છે. કાચો માલ મોંઘો છે એટલે કાર્યશીલ મૂડીની પણ ખેંચ વર્તાય છે. 
કોમોડિટીઝના ભાવમાં સટ્ટાને કારણે બ્રાસના ભાવમાં જોરશોરથી વધઘટ નોંધાય રહી છે. અત્યારે એક કિલોનો ભાવ રુ. 415-420ની આસપાસ ચાલી રહ્યો છે. જોકે માલની મળતર સારી છે એટલે સમસ્યા નથી. સામે માગ પણ ઓછી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer