મુંબઈનું ઝવેરી બજાર મુંબઈમાં જ રહેશે

મુંબઈનું ઝવેરી બજાર મુંબઈમાં જ રહેશે
નેરુલમાં જ્વેલરી પાર્ક તૈયાર થશે, નાના કારખાનાઓનું સ્થળાંતર થશે  
નરેન્દ્ર જોશી 
મુંબઈ, તા. 7 મે 
સોના - ચાંદીના દાગીનાનું મુખ્ય કેન્દ્ર ગણાતા ઝવેરી બજારને નવી મુંબઇ ખસેડવાની વાત સદંતર ખોટી છે. હકીકત એ છે કે દુકાનો ઝવેરી બજારમાં જ રહેશે જેમ અત્યારે છે પણ નાના મેન્યુફેક્ચરિંગ એકમો નવી મુંબઇના નેરુલમાં ખસેડવાની યોજના પ્રસ્તાવિત છે જ્યાં એક મોટો જ્વેલરી પાર્ક તૈયાર થશે અને આ નાના એકમો તેનો એક ભાગ હશે, એમ ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન (ઇબજા)ના રાષ્ટ્રીય મહામંત્રી સુરેન્દ્ર મહેતાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે. 
ઝવેરી બજાર નવી મુંબઈ ખસેડવાની વાત જ નથી થઇ, આ એક ગેરસમજ છે. સોના - ચાંદીના દાગીનાનું વેચાણ કરતી દુકાનો ઝવેરી બજારમાં જ રહેશે તેથી વેપારીઓએ ચિંતા કરવાની કોઇ જરૂર નથી, એમ તેમણે જણાવ્યું હતું. 
નેરુલમાં આવેલા એમઆઇડીસીના 60 એકરના પ્લોટમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો જ્વેલરી પાર્ક તૈયાર કરવાની યોજના રાજ્ય સરકારને સુપરત કરવામાં આવી છે જેમાં, દાગીનાનું ઉત્પાદન કરતાં નાના એકમો, સાથે કન્વેન્શન સેન્ટર, વિદેશથી આવતા ગ્રાહકો માટે રહેવાની લકઝ્યુરિયસ સગવડ ધરાવતી હૉટેલ, કસ્ટસમ્સ અૉફિસ, લૉજિસ્ટિક સુવિધા અને અન્ય અત્યાધુનિક સુવિધાઓ તેમાં પ્રસ્તાવિત છે. આ યોજના માટે અનેક મંજૂરીઓ આવશ્યક છે અને તેને સાકાર થતાં હજી વાર લાગશે, એમ મહેતાએ ઊમેર્યું હતું. ઇબજા દ્વારા મેન્યુફેક્ચરિંગ એકમોને નવી મુંબઈના સૂચિત જ્વેલરી પાર્કમાં ખસેડવાની યોજનાથી ઝવેરી બજાર નેરુલ શિફ્ટ થશે એવી ગેરસમજ ફેલાઇ અને તેનો નાહક વિરોધ સમજ્યા વગર થયો, એમ મહેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું. અત્યારે નાના મેન્યુફેક્ચરિંગ એકમોમાં કામ કરતાં હજારો કારીગરો પ્રસ્તાવિત જ્વેલરી પાર્કમાં શિફ્ટ થશે અને તેમના રહેવાની સગવડ પણ ત્યાં જ થશે જેથી તળમુંબઇમાં પ્રદૂષણની સમસ્યાનું નિરાકરણ થશે અને તેમની રોજગારી પણ સુરક્ષિત રહેશે, એમ ઇબજા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer