તાલાલા યાર્ડમાં કેસર કેરીની સિઝન વહેલી પૂરી થઈ

વાવાઝોડાથી ખેડૂતોની આવક 15 ટકા ઘટી 
અમારા પ્રતિનિધિ તરફથી 
તાલાલા, તા.8 જૂન 
કેરીનો આસ્વાદ બરાબર માણ્યો ન માણ્યો ત્યાં વિશ્વવિખ્યાત તાલાલાની કેસર કેરીની સીઝનની સત્તાવાર પૂર્ણાહુતિ થઇ ગઇ છે. આ વર્ષે ત્રણ દિવસ હરાજી વહેલી બંધ થઇ ગઇ છે. સીઝનના આરંભે વાવાઝોડાંને કારણે કેરીનો ફાલ મોટાંપાયે ખરી જતા બાગાયતકારોને મોટી નુક્સાની ગઇ છે.એ કારણે કેરીની આવક પણ પાછલા વર્ષની તુલનાએ ઘણી ઓછી થવા પામી છે. કેરીના શોખિનોને પણ બહુ ઓછો સમય સારી કેરી ખાવા મળી છે. 
તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીની આવક આ વર્ષે 15 ટકા ઓછી થતા 5.85 લાખ બોક્સ જ થઇ શકી છે. પાછલા વર્ષમાં 6.88 લાખ બોક્સની આવક થઇ હતી. 
તાલાલા પંથકમાં કેસર કેરીનો પાક આ વર્ષે પ્રમાણમાં ઓછો હતો. એ કારણે સીઝનનો આરંભ જ તેજી સાથે થયો હતો. કેરીનો ભાવ ઉંચો રહેતા ખેડૂતો હરખમાં હતા પરંતુ વાવાઝોડાંને કારણે કિસાનોની ખુશી થોડાં દિવસો જ જળવાઇ શકી હતી. વાવાઝોડાંએ આંબાના બગીચા સહિત ખેત ઉત્પાદનનોની ખાનાખરાબી પણ ભોગવી છે. આમ કેરીના પાકમાંથી મળેલું વળતર પણ બીજા પાકમાં ધોવાઇ ગયું છે.  
વાવાઝોડાં પછી કેરીના ભાવ પણ જમીનદોસ્ત થઇ ગયા હતા. આરંભમાં ખરેલી કેરી પાણીના મૂલે વેંચી દેવી પડી હતી. એ પછી પણ સારી કેરીના ભાવ વધ્યા નહીં એટલે કિસાનોની માઠી દશા થઇ. ખરેલી કાચી કેરીનો ભાવ ઐતિહાસિક તળિયે ગયો હતો એટલે મોટી નુક્સાની ખેડૂતોને ગઇ છે. 
ખેડૂતોને ગયા વર્ષે સરેરાશ બોક્સ દીઠ રુ. 345નો ભાવ મળ્યો હતો. તેના સ્થાને રુ. 355 મળ્યા હતા. વાવાઝોડામાં બચેલી કેરી જ આવા ભાવથી વેચાઇ હતી. જોકે નુક્સાની ગણીએ તો ફાયદો ધોવાઇ ગયો છે. તાલાલા માર્કેટ યાર્ડમાં સોમવારે છેલ્લી હરાજી કરવામાં આવી હતી. છેલ્લાં દિવસે કેરીની આવક 4040 બોક્સની થઇ હતી. છેલ્લાં દિવસે રુ 290થી 725ના ભાવથી વેચાણ કરવામાં આવ્યું હતુ.  તાલાલા યાર્ડમાં ભલે હરાજી પૂર્ણ થઇ ગઇ પણ આસપાસના વિસ્તારોમાંથી સીધી બજારમાં કેરી હજુ આવ્યા કરશે. ગોંડલ યાર્ડમાં હજુ કેરીની હરાજી ચાલુ છે. જોકે બગીચાઓમાં હવે કેરીનો જથ્થો ઓછો બચ્યો છે એટલે વધુ દિવસ સુધી આવક થાય તેવી શક્યતા નથી. પંદર દિવસમાં બધે જ કેરી અલોપ થઇ જશે. ચોમાસાના આગમનની છડી પોકારાઇ ગઇ છે એટલે કેરી હવે થોડાં દિવસોની મહેમાન છે. જોકે કચ્છની સારી કેરી બજારમાં હવે થોડાં દિવસ આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer