બટેટામાં તેજીના પ્રબળ સંયોગો

સ્મિતા જાની
મુંબઈ, તા. 8 જૂન
આ વર્ષે દેશમાં બટેટામાં તેજી આવવાના સંયોગો સર્જાયા છે.
ડિસેમ્બર 2020માં બટેટાનો જૂનો સ્ટોક પૂરો થઈ ગયો છે. ડિસેમ્બરથી કાચા બટેટા ખેતરોમાંથી વિપુલ પ્રમાણમાં મંડીઓમાં આવ્યા હતા અને ભાવ ઓછા હોવાથી વેચાણ પણ વધુ થયું હતું. ઉત્તર પ્રદેશના આગરામાં થતી 3797 વેરાયટી અને પશ્ચિમ બંગાળની જ્યોતિ વેરાયટીની ઉપજ ઓછી થઈ છે. કોરોનાને લીધે લૉકડાઉન હોવાથી બટેટાનું પ્રોસેસિંગ કરતા એકમો કામદારોની ગેરહાજરીને લીધે બંધ હતા. તેથી દેશની સમગ્ર બજારમાં બટેટાના પાંચ કરોડ પૅકેટસ (પ્રત્યેક 50 કિગ્રા) ઘરઘરાઉ વપરાશ માટે આવ્યા હતા તે આ વર્ષે નહીં આવતા બટેટામાં તેજીની શક્યતા જણાઈ રહી છે. સખત લૉકડાઉનના લીધે બટેટાનો ઔદ્યોગિક વપરાશ નહિવત્ હતો, માગ નદારત હતી અને પાક સારો થયો હોવાથી પુરવઠો વધ્યો હોવાથી ઘરઘરાઉ વપરાશ વધ્યો પરિણામે ભાવ ઘટયા હતા.
બિહારમાં બટેટાના બિયારણના ભાવ ઊંચા હોવાથી આ વર્ષે વાવેતર 40 ટકા ઓછું થયું છે. તેથી આ વર્ષે બિહાર રાજ્યમાંથી બટેટાની તેજી આવી શકે છે. ગુજરાતમાં બટેટાના ભાવ સારા મળતાં હોવાથી તેનું વાવેતર વધુ થયું અને ખાવાના બટેટાનું વાવેતર ઓછું થયું હતું તેથી ગુજરાતમાં ખાવાના બટેટાના પૅકેટ્સ ઓછા આવ્યા છે. પંજાબ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં બટેટાનો ભાવ સારો હતો તેથી સપ્ટેમ્બરમાં ત્યાં વાવેતર વધારે થયું તેથી મોટા પ્રમાણમાં કાચા બટેટા નીકળ્યા.
હાલમાં કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું હોવાથી આ વર્ષે બટેટાની પ્રોસેસિંગ કંપનીઓ ફરી પાછી પૂરજોશમાં કાર્યરત થશે એવી શક્યતા છે. કોરોનાની મહામારીમાં બટેટાનો શાક તરીકે વપરાશ વધ્યો છે તેનો પણ સંગ્રહ કરી શકાય છે. અન્ય લીલા શાકભાજીમાં તેમ જ ફરસાણમાં પણ તેનો વપરાશ વધ્યો છે.
દેશમાં દર વર્ષે એપ્રિલ-જૂનમાં ખેતરોમાં બટેટા ઢગલા સ્વરૂપે રહે છે. સારા ભાવ મળે ત્યારે ખેડૂતો વેચશે. જોકે, આ સમયગાળામાં કુલ ઉપજના 20 ટકા બટેટા ખેતરોમાં ઢગલા સ્વરૂપે રહેતા હોય છે. છેલ્લાં બે વર્ષથી ખેતરોમાં ઢગલા સ્વરૂપના બટેટાને ભાવ ઓછા મળવાથી ઢગલાવાળા ખેડૂતો સારા ભાવ મેળવવા કોલ્ડ સ્ટોરેજ તરફ વળવાથી કોલ્ડસ્ટોરેજમાં બટેટાનો 10 ટકા જેવો વધારો થયો છે.
ઉપરોક્ત પરિબળોને ધ્યાનમાં લેતાં આ વર્ષે બટેટામાં મોટી તેજી જણાઈ રહી છે. બટેટાના ખેડૂતોને સારામાં સારા ભાવ મળી શકે છે અને બજાર ઊંચી રહેશે એમ ડીસા સ્થિત કૃષિવલ બિઝનેસના સહદેવ ચૌધરીનું કહેવું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer