વરસાદ 11થી 13 જૂન દરમિયાન સારો થવાની શક્યતા

વરસાદ 11થી 13 જૂન દરમિયાન સારો થવાની શક્યતા
અમારા પ્રતિનિધિત તરફથી  
અમદાવાદ, તા. 8 જૂન 
રાજ્યમાં બફારાનું પ્રમાણ ઘણું જ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતનાં કેટલાક ભાગોમાં તારીખ 11થી 13 જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ શકે છે. ત્યારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. જેના કારણે હજી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 10 જૂન દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ થઇ ગુજરાતમાં વરસાદ થશે. સાઉથ-વેસ્ટ મોન્સૂન અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમથી અરબી સમુદ્ર ઉપર 10 જૂન બાદ દક્ષિણ પશ્ચિમી પવનો વધુ સક્રિય થશે. જેથી 11થી 13 દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે 
હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી ગુજરાતમાં ગરમ પવનનું જોર વધતાં ગરમીની સાથે બફારાનો અનુભવ થઇ રહ્યો છે. 11 જૂનથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે, જેને કારણે 14 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અને 15થી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'બંગાળની ઉત્તર ખાડી અને તેની આસપાસ 11 જૂનના લો પ્રેશર સર્જાશે. 10 જૂનથી અરેબિયન સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન વધુ તેજ ગતિએ ફૂંકાશે. 
આ સ્થિતિને કારણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કેટલાક ભાગોમાં 11થી 13 જૂન દરમિયાન આગમન કરી શકે છે.' આ ઉપરાંત પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે બુધવારે દમણ, અમદાવાદ, દાહોદ, અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, ગીર સોમનાથ,જુનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટમાં વરસાદની આગાહી છે. ગુરુવારે દમણ, આણંદ, ખેડા, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ, દીવમાં આગાહી છે. જ્યારે શનિવારે નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer