તાંબામાં નવી તેજી માટે મોટા કારણની જરૂર

તાંબામાં નવી તેજી માટે મોટા કારણની જરૂર
રિફાઈનિંગ માર્જિન વધવા સાથે ચીનમાં સંગ્રહખોરી સામે પગલાંની અસર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 જૂન
તાંબામાં તેજીને આગળ વધવા માટે મોટા કારણની જરૂર છે. અગાઉ 10,758 ડૉલરની ટોચેથી તાંબાનો ભાવ ઘટીને 9800 ડૉલરે ગયા પછી પુન: 10,000 ડૉલરની સપાટીએ ટકવા મથી રહ્યો છે. વૈશ્વિક સ્તરે તાંબાના વપરાશની સ્થિતિ બહુ સુધરી નથી ત્યારે ચીનમાં ધાતુ-કૉમોડિટી સંગ્રહખોરો સટ્ટોડીયા સામે કડક કાયદા હેઠળ કામ લેવાની ચીમકી પછી તાંબાના ભાવ 900 ડૉલર તૂટયા હતા. હવે ચીનમાં અનેક મોટા/ સ્મેલ્ટરો મેન્ટેનન્સમાં ગયાના અહેવાલથી રિફાઈનીંગ ચાર્જ ઈન્ડેક્સ વધ્યો છે. જેથી તાંબાના ભાવમાં ગત શુક્રવારે ધીમો સુધારો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનો ડૉલર નરમ પડયો હોવા સાથે તાંબાની ચીલીની સૌથી  મોટી ખાણમાં પડનાર હડતાળના હોકારા પડકારા શાંત થયા છે. જેથી વૈશ્વિક વિશ્લેષકો તાંબાની વૈશ્વિક બજારમાં 90,000 ટન પુરાંતની આગાહી કરી રહ્યા છે. જેની સામે બ્રિટનમાં પુન: લૉકડાઉન અને ચીનના જીડીપીના નબળા આંકડા ધ્યાને લેતાં તાંબાનો ભાવ હવે ટૂંકાગાળે 9600 અને 10,500 ડૉલર વચ્ચે ફરતો રહેવાની પ્રબળ સંભાવના હોવાનું સ્થાનિક ઉદ્યોગ જગત અને આયાતકારોનું અનુમાન છે. તાંબામાં નવી મોટી તેજી માટે મોટા ટ્રીગરની આવશ્યક્તા રહેશે.
અમેરિકા ખાતે તાંબા ભંગારનો ભાવ પાછલા અઠવાડિયે નવી માગના અભાવે તદ્દન નરમાઈ તરફી રહ્યો હોવાના અહેવાલો છે. જ્યારે ઉભરતા દેશો જેમાં ભારત સહિત તાંબાના વપરાશના આંકડા જોઈએ તેમાં સુધરતા નહીં હોવાથી વિશ્લેકો તાંબાના ભાવમાં નવી મોટી તેજીને દૂરની બાબત તરીકે જોઈ રહ્યા છે. દરમિયાન 4 જૂન'21 લંડન મેટલ એક્સચેન્જ ખાતે તાંબાનો વાયદો 9852 ડૉલર નીચી સપાટીએ ક્વૉટ થયો હતો. જ્યારે વૅર હાઉસિંગ સ્ટૉક 1,24,675 ટન અને કૅન્સલ વૉરન્ટની સંખ્યા 18,675ની નીચી સપાટીએ હતી એમ રોઈટર્સના અહેવાલમાં જણાવાયું હતું. જ્યારે યુરોપ ખાતે તાંબાનો વાયદો 6982 પાઉન્ડે નરમ હતો. જ્યારે શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ ખાતે ભાવ ત્રણ ટકા ઘટાડે 70,720 યુઆન ક્વૉટ થયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer