ખાંડમાં નિકાસમાગ સુધરવાથી મિલોને મોટી રાહત

ખાંડમાં નિકાસમાગ સુધરવાથી મિલોને મોટી રાહત
મોસમ સમાપ્તિ સુધી નિકાસ અંદાજ 65 લાખ ટન સંપૂર્ણ થશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 જૂન
ખાંડ નિકાસ માટેના સંજોગો સુધર્યા છે. વૈશ્વિક બજારમાં રો (કાચી) ખાંડનો ભાવ સુધરીને 17.5 સેન્ટ કવોટ થવાથી નિકાસકારોનો ઉત્સાહ વધ્યો છે. જ્યારે તૈયાર ખાંડનો ભાવ ટન દીઠ 460થી 465 ડૉલરે કવૉટ થયો હોવાથી નિકાસના સંજોગો ઊજળા બનવાથી મિલ અને નિકાસકારોનો માલબોજો હળવો થશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સ્થાનિક અગ્રણીના જણાવવા પ્રમાણે વાશીનાકા ખાતે સરેરાશ ખાંડની આવકો અગાઉના સ્તરે જળવાઈ રહી છે. માગ-પુરવઠામાં કોઈ ખાસ ફેરફાર નથી. સ્થાનિક બજારમાં જથ્થાબંધ સ્મોલ ખાંડનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 3205થી રૂા. 3242 અને મિડિયમ કવૉલિટી રૂા. 3252થી રૂા. 3330 કવૉટ થાય છે. લગનસરા-મીઠાઈ, કન્ફેકશનરીની મોસમ નિષ્ફળ ગઈ હોવાથી બજારમાં નવી માગ ઠંડી છે.
શ્રી મુંબઈ ખાંડ મર્ચન્ટસ એસોસિયેશનના સચિવ મુકેશ કુવેડિયાએ જણાવ્યું હતું કે નિકાસ માટેના કુલ 58 લાખ ટનના કોન્ટ્રાક્ટ થઈ ગયા છે. ખાંડ ઉદ્યોગને આશા છે કે મોસમ પૂરી થવા સુધી અગાઉનો 65 લાખ ટનનો નિકાસ અંદાજ પૂરો થઈ જશે. જેથી ખાંડ મિલ ઉદ્યોગનો માલબોજો હળવો થવાથી બજારમાં નાણાપ્રવાહીતા વધશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer