રાજ્યની હીરા-ઝવેરાતની એપ્રિલ માસની નિકાસ રેકોર્ડ બ્રેક રૂા. 2198 કરોડને આંબી

રાજ્યની હીરા-ઝવેરાતની એપ્રિલ માસની નિકાસ રેકોર્ડ બ્રેક રૂા. 2198 કરોડને આંબી
કોરોનાની બીજી લહેરમાં કડક નિયંત્રણો વચ્ચે એકમોને મળેલી ઉત્પાદન લેવાની છૂટથી ઉદ્યોગમાં ચમક આવી  
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 8 જૂન  
કોરોનાની બીજી લહેર દેશ માટે ભારે ઘાતક બની હતી. ત્યારે હીરાઉદ્યોગે યુએસ, યુરોપના દેશોના મસમોટા હીરા-ઝવેરાતના ઓર્ડર પૂરા કર્યા હતા. જેથી રાજ્યની હીરા-ઝવેરાતની એપ્રિલ માસની નિકાસ રૂા. 2198 કરોડને આંબી છે. રાજ્યને એપ્રિલ માસમાં 302.72 મીલીયન ડોલરની નિકાસનો લક્ષ્યાંક અપાયો હતો જે પાર કરીને રાજ્યએ 457.28 મીલીયન ડોલરની નિકાસ કરી છે. કોરોના મહામારીને કારણે દુનિયાભરમાં ઠપ્પ થયેલા વેપાર-ઉદ્યોગ માટે એક સારા સંકેત સમાન છે.  
દેશના હીરા-ઝવેરાત ઉદ્યોગને ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ 24,106.74 મીલીયન યુએસ ડોલરના નિકાસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. ગુજરાતે આ મામલે સફળતા હાંસલ કરી છે. અમેરિકા, યુરોપના દેશોમાં સારી માગ નીકળતા ગુજરાત રીજનનું એક્સપોર્ટ વધ્યું છે. એપ્રિલ માસમાં ગુજરાત રીજનમાંથી કુલ 457.28 મીલીયન ડોલરના હીરા-ઝવેરાતની નિકાસ થઇ છે. આ સિવાય દેશના બીજા ભાગો જેવા કે, રાજસ્થાન, પૂર્વ, દક્ષિણ, ઉત્તર  અને પશ્ચિમના ક્ષેત્રોની નિકાસના આંકડા આવ્યા છે.  
રાજસ્થાનમાંથી 48.43 મીલીયન ડોલરના ટાર્ગેટ સામે 60.18 મીલીયન ડોલરની નિકાસ થઇ છે. દક્ષિણ રીજનમાંથી 65.35 મીલીયન ડોલરના ટાર્ગેટ સામે 153.14 મીલીયન ડોલરના હીરા-ઝવેરાતની નિકાસ થઇ છે.  
જીજેઇપીસીના ગુજરાત રીજનના દિનેશભાઇ નાવડિયા કહે છે કે, કોરોનાની બીજી લહેરના કારણે દેશમાં ભારે ખરાબી સર્જાઇ છે. કોરોનાને કાબૂમાં લેવા માટે સરકારે કેટલાક નિયંત્રણો લાદવા પડ્યા હતા. રાજ્ય સરકારે મેન્યુફેક્ચરીંગ એકમોને ઉત્પાદન લેવાની છૂટ આપી ઉદ્યોગોને રાહત આપી હતી. સમગ્ર હીરા-ઝવેરાત ઉદ્યોગે પણ પૂરતી સાવચેતી-સલામતી સાથે ઉત્પાદન વધારીને નિકાસના રેકોર્ડ બ્રેક લક્ષ્યાંક હાંસલ કર્યા છે.  
હીરા-ઝવેરાત ક્ષેત્રમાં આવેલી તેજીનો લાભ નાના એકમોને પણ મળવો શરૂ થયો છે. મોટાભાગના એકમોમાં ઉત્પાદન કામ વેગીલુ બન્યું છે. ગુજરાતની નિકાસ વધી તેમાં સુરતની સાથે રાજકોટ-અમદાવાદનો પણ ફાળો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer