વૅક્સિનનો વહીવટ રાજ્યોએ કરવાનો રહેશે

વૅક્સિનનો વહીવટ રાજ્યોએ કરવાનો રહેશે
વૅક્સિન નીતિની નવી માર્ગદર્શિકા જાહેર થઈ  
ગરીબ નાગરિકોને વૅક્સિન માટે અપાશે ઈ-વાઉચર
પીટીઆઈ                            
નવી દિલ્હી, તા. 8 જૂન
કોવિડ-19 રસી મેળવવા માટે રાજ્યોને ફંડની પ્રાપ્તિની અને તેના પુરવઠામાં પડતી મુશ્કેલીઓ પછી કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ વિશે સુધારિત માર્ગદર્શિકા આજે જાહેર કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર દેશના રસીના ઉત્પાદકો પાસેથી 75 ટકા રસી સીધી ખરીદશે.
સુધારેલી માર્ગદર્શિકાનો અમલ 21 જૂનથી શરૂ થશે અને સમયાંતરે તેની સમીક્ષા કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર રસીનો જે જથ્થો મેળવશે તે રાજ્યોને અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિ:શુલ્ક આપવામાં આવશે. સરકારી કેન્દ્રો મારફત અગ્રતાક્રમ પ્રમાણે તમામ નાગરિકોને મફતમાં રસી આપવાનું અને તેનો વહીવટ સંભાળવાનું કામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો કરશે, એમ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 રસી માટે મધ્યવર્તી પ્રાપ્તિ વ્યવસ્થાની ઘોષણા કરી હતી. આમાં 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને તા. 21 જૂનથી મફતમાં રસી અપાશે.
રસી ઉત્પાદકો પાસેનો 25 ટકા બાકીનો જથ્થો ખાનગી ક્ષેત્રની હૉસ્પિટલો ખરીદી શકશે. ખાનગી હૉસ્પિટલો ડૉઝદીઠ રૂા. 150નો સર્વિસ ચાર્જ લઈ શકશે.
કેન્દ્ર સરકાર રસીના ડૉઝ નિ:શુલ્ક આપશે. રાજ્યોએ આ રસીના ડૉઝના અગ્રતાક્રમ હેલ્થકેર કાર્યકરો, ફ્રન્ટલાઇન કાર્યકરો, 45 વર્ષથી વધુની વયના નાગરિકો, જેનો બીજો ડૉઝ લેવાનો સમય થઈ ગયો છે તેવા નાગરિકો અને ત્યાર બાદ 18 વર્ષ અને તેથી વધુ વયના નાગરિકોને આપવાની રહેશે, એમ આ ગાઇડલાઇન્સમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વસ્તી, રોગના સંક્રમણનું ભારણ અને રસીકરણની પ્રગતિનાં ધોરણે રસીનો જથ્થો કેન્દ્ર ફાળવશે. રસીના વેડફાટથી તેના વિતરણ ઉપર નકારાત્મક અસર થશે.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફાળવવામાં આવનારા રસી ડૉઝની માહિતી અગાઉથી તેમને આપવામાં આવશે. આથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જિલ્લાઓમાં અને વૅક્સિનેશન કેન્દ્રોમાં તેમની ફાળવણીનું આયોજન અગાઉથી કરી શકશે. તેમને જિલ્લાઓમાં અને વૅક્સિનેશન સેન્ટર સ્તરે ઉપલબ્ધ જથ્થાની માહિતી જાહેર કરવાની રહેશે. સ્થાનિક વસ્તી સમજી શકે તે રીતે આ માહિતીનો વ્યાપક પ્રચાર કરવાનો રહેશે.
રસી ઉત્પાદકોને ઉત્પાદન માટે અને નવી રસી માટે પ્રોત્સાહન મળે તે માટે તેમને રસી સીધી ખાનગી હૉસ્પિટલોને વેચવાની છૂટ અપાઈ છે. માસિક ઉત્પાદનનો 25 ટકા હિસ્સો આ રીતે વેચી શકાશે. મોટી અને નાની ખાનગી હૉસ્પિટલો વચ્ચે અને પ્રાદેશિક સમતુલા જળવાય તે માટે સમાન વિતરણનું ધ્યાન રાખવાનું રહેશે. આની ચુકવણી નેશનલ હેલ્થ અૉથોરિટીના ઇલેક્ટ્રોનિક પ્લૅટફૉર્મ મારફત કરવાની રહેશે.
દરેક નાગરિકની આવકના દરજ્જાને ધ્યાનમાં લીધા વિના જ નિ:શુલ્ક રસી અપાશે. જે નાગરિકો ચુકવણી કરવા સક્ષમ હોય તેઓ ખાનગી હૉસ્પિટલોના વૅક્સિનેશન સેન્ટરોનો લાભ લઈ શકશે, એમ આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે. સુધારેલી માર્ગદર્શિકા અન્વયે ગરીબ નાગરિકો માટે `લોકકલ્યાણ'ની ભાવનાને વેગ આપવા નોન-ટ્રાન્સફરેબલ ઇલેક્ટ્રોનિક વાઉચરના વપરાશને પ્રોત્સાહિત કરવામાં આવશે. આ વાઉચરો ખાનગી વૅક્સિનેશન સેન્ટરોમાં વટાવી શકાશે.
કોવિન પ્લૅટફૉર્મ પર દરેક નાગરિક સરળતાથી અને સલામત રીતે વૅક્સિનેશન માટે એપોઇન્ટમેન્ટ લઈ શકશે. તમામ સરકારી અને ખાનગી વૅક્સિનેશન સેન્ટરો વ્યક્તિને અને વ્યક્તિઓનાં જૂથને અૉનસાઇટ રજિસ્ટ્રેશન સવલત પૂરી પાડી શકશે. આની વિગતવાર પ્રક્રિયા તૈયાર થઈ રહી છે જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા જાહેર કરાશે. નાગરિકો અગાઉથી બુકિંગ કરાવી શકે તે માટે કોમન સર્વિસ સેન્ટરો અને કોલ સેન્ટરોનો પણ મહત્તમ ઉપયોગ કરાશે, એમ આ ગાઇડલાઇન્સમાં જણાવવામાં આવ્યું છે.
સુધારેલા કાર્યક્રમથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ફંડ, પ્રાપ્તિ, લૉજિસ્ટિકમાં વધારાનો કેન્દ્ર સરકારનો ટેકો મળી રહેશે. વિકેન્દ્રિત મોડલને એક મહિનો પૂરો થયા બાદ ગત 1 જૂને સેન્ટ્રલાઇઝ્ડ ફ્રી કોવિડ-19 વૅક્સિનેશન યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરાઈ હતી.
કોવિડ-19 રસીકરણના ત્રીજા તબક્કાનો અમલ તા. 1 મે 2021થી શરૂ થયો હતો.
કેન્દ્ર સરકારે 44 કરોડ કોવેક્સિન, કોવિશિલ્ડના ડૉઝ માટે અૉર્ડર્સ આપ્યા
વૅક્સિનની કેન્દ્રિય પ્રાપ્તિ યોજના જાહેર કર્યા બાદ કેન્દ્ર સરકારે 44 કરોડ કોવેક્સિન અને કોવિશિલ્ડના ડૉઝ ખરીદવા નવા અૉર્ડર્સ ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટયૂટને આપ્યા છે.
સીરમ ઇન્સ્ટિટયૂટ અૉફ ઇન્ડિયાને કોવિશિલ્ડના પચીસ કરોડ ડૉઝ જ્યારે ભારત બાયોટેકને કોવેક્સિનના 19 કરોડ ડૉઝ પૂરા પાડવાના અૉર્ડર્સ અપાયા હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.
સરકારી દવાખાના અથવા હૉસ્પિટલોમાં રસીના ડૉઝ નિ:શુલ્ક પૂરા પાડવાના રાષ્ટ્રવ્યાપી અભિયાનને વેગ આપવાના હેતુથી નવા અૉર્ડર્સ અપાયા હોવાનું આરોગ્ય મંત્રાલયે ઉમેર્યું છે.
આ 44 કરોડ ડોઝ ડિસેમ્બર 2021 સુધીમાં તબક્કાવાર ઉપલબ્ધ થશે. આ ઉપરાંત આ બંને કંપનીઓને રસીની પ્રાપ્તિ માટે 30 ટકા રકમ ઍડવાન્સ તરીકે મંજૂર કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં બાયૉલૉજિકલ-ઈ કંપનીને 30 કરોડ વૅક્સિન ડોઝ માટે અૉર્ડર આપ્યો છે જેની ડિલિવરી સપ્ટેમ્બરમાં મળશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer