રાજ્યમાં ભારે વરસાદની આગાહી

ચોમાસું સક્રિય થતાં ખેડૂતોને રાહત 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા.18 જૂન 
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ગઇકાલથી સૌરાષ્ટ્રમાં ઠેકઠેકાણે વરસાદ પડી રહ્યો છે. સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે પરંતુ હજુ વાવણીલાયક અને સાર્વત્રિક વરસાદ પડતો નથી એટલે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. જોકે હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. 
હવામાન વિભાગે આગામી વરસાદનું આગમન થતાં જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે. દક્ષિણ પાકિસ્તાન અને એની આસપાસ સાઇક્લોનિક સર્ક્યુલેશન છે. આ બાબત દર્શાવે છે કે આગામી 2-3 દિવસમાં ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ થવા માટે સાનુકૂળ વાતાવરણ છે. 
શુક્રવારે વહેલી સવારથી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં   ઉમરગામમાં 75મીમી , ઈંચ, ધરમપુરમાં 13 મીમી, પારડીમાં 50 મીમી, વલસાડમાં 48મીમી,, વાપીમાં 22 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સારા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજકોટ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ તથા ગીર-સોમનાથ જિલ્લામાં ભરપૂર વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લાના પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer