ઊંઝા યાર્ડમાં કરોડોના કથિત સેસ કૌભાંડની તપાસમાં હાઇ કોર્ટનો સ્ટે

અમારા પ્રતિનિધિ તરફથી  
અમદાવાદ, તા.18 જૂન 
ઊંઝા માર્કેટ યાર્ડમાં 2019-20માં સેસ કૌભાંડનો કેસ ખુબ ચગ્યો હતો. હાલ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટમાં છે અને તપાસ પર 6 સપ્ટેમ્બર સુધીનો કોર્ટે સ્ટે આપ્યો છે. આ કેસમાં સીઆઇડી ક્રાઇમ તપાસ કરી રહી હતી. અગાઉ ઊંઝા કોર્ટે સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવા આદેશ કર્યો હતો. આ મામલે એપીએમસીચેરમેન દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. હાલ હાઇકોર્ટે 6 સપ્ટેમ્બર 2021 સુધી સ્ટે આપ્યો છે.  
ઊંઝા માર્કાટિંગ યાર્ડમાં કલેક્શન વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો અને આખા કથિત સેસ કૌભાંડ પ્રકરણને બહાર લાવનાર સૌમિલ પટેલ પોતાના નિવેદનમાં કહી ચુક્યો છે કે `કૌભાંડ થયું છે તેમાં કોઈ શંકા નથી. જીરૂ પર લાગતી સેસમાં પૈસા લઈ લીધા છે પરંતુ કાગળ ઉપર જમા નથી લીધા. આ બધું કાર્ય મારા હાથેથી કરાવાયું હતું અને આથી જ મેં કેમેરા લગાવ્યા હતા. 
ઊંઝા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરી વિષ્ણુ પટેલ આમાં સંડોવાયેલા છે ત્યારે મારા ઉપર ખોટી રીતે આરોપ નાખે છે પરંતુ સત્ય તો એ છે  કે 15 કરોડનું કૌભાંડ સવા વર્ષમાં આચરવામાં આવ્યું છે અને બધા પૈસા દિનેશ પટેલના માણસ લઈ ગયા છે તેવું પણ સૌમિલ પટેલે અગાઉ આરોપ મૂકતા કહ્યું હતુ. 
બીજી તરફ સૌમિલ પટેલે એવો પણ આરોપ મૂક્યો છેકે છે કે 'યાર્ડના મોટાભાગના ડાયરેક્ટર પાસે ચેરમેન દિનેશ પટેલ અને સેક્રેટરી વિષ્ણુ પટેલે લખાવી દીધું છે કે તેમના ઉપર જે આરોપ લગાવ્યા છે તેની તપાસ તેઓ દ્વારા જે નામ નક્કી કરાશે તે લોકો કરશે મતલબ કે તપાસમાં ફીંડલું વળી જશે'. જો કે હાલ હાઇકોર્ટ દ્વારા તપાસ ઉપર સ્ટે અપાયો છે, અને સ્ટે હટશે પછી તપાસ કઈ દિશામાં જશે તે જોવું રસપ્રદ રહેશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer