વૈશ્વિક સોનામાં આંશિક સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 18 જૂન
વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ગઇકાલે કડાકો સર્જાયા પછી શુક્રવારે આંશિક સુધારો હતો. જોકે બજાર ભારેખમ તૂટી ગઇ છે છતાં માગ દેખાતી નથી. ન્યૂયોર્કમાં 1793 ડોલરનો ભાવ રનીંગ હતો જ્યારે ચાંદીમાં 26.39 ડોલર રનીંગ હતા. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુધ્ધતા ધરાવતું સોનું રુ. 275ના ઘટાડામાં રુ. 48925 અને મુંબઇમાં રુ.290ના ઘટાડે રુ. 47266માં મળતું હતુ. ચાંદી એક કિલોએ રાજકોટમાં રુ. 600ના વધુ ઘટાડામાં રુ. 69400 અને મુંબઇમાં રુ. 833 તૂટતા રુ. 68687 રહી હતી.ફેડરલ રીઝર્વએ બુધવારે પુરી થયેલી બેઠકમાં વ્યાજદર વધારીને બોન્ડ પર્ચેઝ પ્રોગ્રામ ધીરે ધીરે ઓછો કરવાના સંકેતો આપતા કરન્સી બજારમાં ડોલરના મૂલ્યમાં સુધારો થયો હતો. બીજી તરફ બોન્ડ બજારમાં પણ તેજી આવતા સોનામાં ભારેખમ વેચવાલી બુધવારથી શરું થઇ છે. બે દિવસ ઘટ્યા પછી સોનું સામાન્ય વધ્યું હતુ. જોકે અઠવાડિક ધોરણે સોનામાં મોટો ઘટાડો થઇ ગયો છે. અમેરિકા સહિતના મોટાં અર્થતંત્રમાં હવે મોંઘવારી વધી રહી છે એ કારણે ફુગાવાના આંકડા ઉપર જઇ રહ્યા છે. ફેડ હવે વ્યાજદરમાં વધારો કરીને નાણાનીતિ તંગ બનાવવા તરફ ધ્યાન કેન્દ્રીત કરશે એવા ભય વચ્ચે સોનામાં વેચવાલી છે અને ડોલરમાં ખરીદી થઇ રહી છે.વિશ્લેષકો કહે છે, 1800 ઉપર શુક્રવારં સોનું બંધ રહેવામાં સફળ થાય તો 1850 ડોલરનો ભાવ ફરીથી જોવા મળી શકે છે. ચાર્ટીસ્ટોની નજરે સોનું હાલમાં ઓવર સોલ્ડ થઇ ગયું છે એટલે આવતા સપ્તાહમાં પૂલબેક જોવા મળશે. જોકે હાલ પૂરતો તેજીનો જુવાળ શાંત પડશે નવી તેજી માટે 1919 ડોલરનું મળાળું વટાવાય તે જરુરી છે.  વૈશ્વિક સોનાની રેન્જ નવા અઠવાડિયામાં 1770થી 1840 ડોલરની રહેવાની ધારણા છે. ચાંદી પણ 26.36ના રનીંગ ભાવથી બન્ને તરફ બે ડોલરની વધઘટ નોંધાવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer