છત્રી-રેઈનકોટના ભાવ વધ્યા

ચોમાસાના આગમનના પગલે 
કાચી સામગ્રીના ભાવવધારા સામે ઉત્પાદકોની પડતર ઊંચી થઈ
અમારા પ્રતિનિધિ તરફથી  
મુંબઈ, તા. 18 જૂન
ચોમાસાના આગમનની સાથે છત્રી-રેઈનકોટના ભાવ વધ્યા છે, પણ તેના ઉત્પાદન ખર્ચમાં તેનાથી પણ વધ્યો હોવાથી ઉત્પાદકોને સરવાળે નુકસાનની સ્થિતિમાં છે.  
કાચા માલના ભાવ વધારો  રેઈનકોટની કાચી સામગ્રીના ભાવો 50થી 60 ટકા વધવા છતાંય રેઈનકોટના ભાવો માંડ પાંચેક ટકા જ વધી શક્યા છે. આનું કારણ એ છે કે 2020ની સિઝન લૉકડાઉનના કારણે નિષ્ફળ જવાથી ગયા વર્ષનો સ્ટોક બજારમાં પડયો છે. આ સિવાય પરપ્રાંતીય મજદૂરો તેમના વતન ભણી હિજરત કરી જતાં રેઈનકોટનું ઉત્પાદન પણ  ઓછું થયું છે. ઘણા નાના ઉત્પાદકો કાચી સામગ્રીના આટલા ઊંચા ભાવોના કારણે રેઈનકોટનું ઉત્પાદન જ કરી શક્યા નથી.  મહારાષ્ટ્ર સરકારે છત્રી-રેઈનકોટને આવશ્યક સેવાની યાદીમાં મૂકવાથી લૉકડાઉનમાંય ઉત્પાદન ચાલુ રાખવાની છૂટ હતી, પણ ઉત્પાદન ઓછું થયું છે.  
આ વર્ષે ચોમાસાની શરૂઆત પૂર્વે વાવાઝોડા સાથે ભરપૂર વરસાદ પડયો હતો. હજી પણ વરસાદ સારા પ્રમાણમાં પડી રહ્યો છે. હજી ચોમાસાના ચાર મહિના બાકી છે. આથી આ વર્ષે રેઈનકોટની સિઝન સારી નીવડવાની ઉત્પાદકોને આશા છે.  
રેઈનકોટના ઉત્પાદકો વધતા નથી. આ ઉદ્યોગમાં ભારે રોકાણ હોવાથી એક જ રાલિંગ થાય છે. વળી, આ સિઝનલ ધંધો હોવાથી દર વર્ષે વરસાદ પર જ મદાર રાખવો પડે છે. ઊલટાનું જેટલા ઉત્પાદકો છે તેમાંથી નાના ઉત્પાદકો આ વેળા અનિશ્ચિતતાના કારણે નિક્રિય રહ્યા છે.  છેલ્લાં બે વર્ષથી કોરોના લૉકડાઉનના કારણે સ્કૂલો બંધ રહેવાથી ચિલ્ડ્રન રેઈનકોટ ખપ્યા જ નથી. વળી, બાળકોને માતાઓ સ્કૂલે મૂકવા જતી હોવાથી લેડીઝ રેઈનકોટનો ઉપાડ પણ ઓછો થયો છે.  
આ સામે જેન્ટસવેરની જાતોમાં ધૂમ ઉપાડ છે. લૉકડાઉનમાં ટ્રેનો-બસો બંધ રહેવાથી લોકો કામકાજનાં સ્થળે પહોંચવા ટુ-વ્હીલરનો વધુ વપરાશ કરતા થઈ ગયા છે. ટુ-વ્હીલરચાલકો ચોમાસામાં રેઈનશૂટ પહેરે છે. રેઈનશૂટમાં વુડ (ટોપી), જૅકેટ અને પેન્ટનો સમાવેશ થાય છે. બ્રાન્ડેડ રેઈનશૂટ સેટના છૂટકભાવ રૂા. 500થી રૂા. 2800 સુધીના છે. જેન્ટસ લોંગ કોટના બ્રાન્ડેડના છૂટક ભાવ રૂા. 350થી 600 સુધીના છે.  વિન્ડચીટર જે વરસાદમાં અને ફૅશનમાં અગાઉ ધૂમ ચાલતું હતું તે હવે ઘણું ઓછું થઈ ગયું છે. યુવા વર્ગને વરસાદમાં એકલા વિન્ડચીટરથી ચાલતું નથી અને જોડે પેન્ટ તો જોઈએ જ છે. એકલા વિન્ડચીટર બ્રાન્ડેડના છૂટકભાવ રૂા. 600થી રૂા. 1500 છે. આનાથી ઓછા ભાવના હલકા વિન્ડચીટર આવે છે, પણ તે વૉટરપ્રૂફ હોતા નથી.  
રેઈનકોટની કાચી સામગ્રીમાં પીવીસી શીટ્સ, નાયલોન, બટન એસેસરીઝ વગેરેની ચીન અને તાઈવાનથી આયાત થાય છે. નિકાસમાં રેઈનકોટની આફ્રિકન દેશોની માગ છે, પણ ચીનના સસ્તા ભાવો સામે હરીફાઈમાં ભારત ટકી શકતું નથી.  
લાંબી છત્રીની માંગ નીકળી, ફોલ્ડિગમાં માલ ભરાવો. છત્રીના ભાવો સિઝન પૂર્વેની બાકિંગ વેળા ટકેલા નીકળ્યા હતા, પણ સર્વત્ર વરસાદ વહેલો અને વધુ પડવાથી લાંબી છત્રીઓની માગ નીકળી પડતા તેના ભાવો વધી આવ્યા છે. આની સામે સ્કૂલો, કૉલેજો, અૉફિસો હજી બંધ હોવાથી ફોલ્ડિગ છત્રીઓની માગ નથી. બજારમાં ટુ-ફોલ્ડ અને થ્રી-ફોલ્ડ છત્રીઓનો થોડોક ભરાવો અત્યારે દેખાય છે. જોકે લૉકડાઉન ઘટી ગયા બાદ ફોલ્ડિગ છત્રીઓની માગ નીકળવાની ધારણા છે.  આ વર્ષે ગત વર્ષનો છત્રીનો સ્ટોક બજારમાં પડયો હતો, જે ગત વર્ષના લૉકડાઉનમાં ખપ્યો નહોતો. આથી આ વેળા છત્રીનું ઉત્પાદન ઓછું થયું છે. વળી પરપ્રાંતીય મજદૂર લૉકડાઉનમાં વતન ભણી હિજરત કરી જતા કામદારોની પણ ખેંચ હતી. છત્રીની કાચી સામગ્રીમાં રીબ્સ (જાળી)ના ડઝન દીઠ ભાવ રૂા. 50થી 60 જેટલા વધી ગયા હતા અને  
કોલકાતાથી તેની આવક પણ ઓછી થઈ હતી. વળી ચીનથી પણ છત્રીની આયાત આ વેળા માત્ર 25થી 30 ટકા જ થઈ છે.  
ચીનની રેઈનબો છત્રી 29''x16 સળિયાની લાંબી આવે છે. તેના સિઝન પ્રારંભે ભાવ રૂા. 115થી 120 હતા, જે વધી હવે રૂા. 140 થઈ ગયા છે. આ માલો મુસાફરખાના, મનીષ માર્કેટ અને ફૂટપાભ પર વેચાય છે. કામદારો, ફેરિયાઓ, ખેતમજૂરો અને ગ્રામીણ વિસ્તારોમાં લાંબી છત્રી વધુ પસંદ કરાય છે.  
ભારતમાં હલકી છત્રીઓનું સૌથી વધુ ઉત્પાદન સિટિઝન કંપની કરે છે. સિટિઝનની સેન્ડો લાંબી છત્રી 25''x12 સળિયાની આવે છે. તેના સિઝન પ્રારંભે બાકિંગ ભાવ રૂા. 95 નીકળ્યા હતા, જે વધી હવે રૂા. 110થી 115 થઈ ગયા છે. કોલકાતાના બાંઠીયા ગ્રુપની સિટિઝન કંપની ઉંમરગામમાં મોટો પ્લાન્ટ ધરાવે છે અને સુરતમાં છત્રીના કાપડની મિલ ધરાવે છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer