રિલાયન્સ, એચયુએલ, ઍરટેલના ટેકે શૅરોમાં તળિયેથી રિકવરી

મંદીવાળાઓનાં વેચાણો કપાયાં
વ્યાપાર ટીમ 
મુંબઈ, તા. 18 જૂન
ઈન્ટ્રા-ડેમાં સૂચકાંકો એક ટકાથી પણ વધુ ઘટયા હતા પરંતુ અંતે વી શૅપ રિકવરીના લીધે ચિત્ર બદલાયુ હતું. ફાઈનાન્સિયલ અને મેટલ્સ શૅર્સમાં દબાણ હોવા છતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એફએમસીજી અને કેટલીક ખાનગી બૅન્કોના શૅર ભાવમાં ઉછાળો આવતા શૅરબજારનો ઘટાડો મર્યાદિત રહ્યો હતો. વોલેટાઈલ ટ્રેડિંગ દરમિયાન બજારો ઈન્ટ્રા ડેનો ઘટાડો સરભર કરી ફ્લેટ બંધ રહી 
શક્યાં હતાં.  સત્ર દરમિયાન સેન્સેક્ષ 722 પોઈન્ટ્સ ઘટયો હતો, પરંતુ અંતે 21 પોઈન્ટ્સ (0.04 ટકા) વધીને 52,344ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી બાજુ એનએસઈનો નિફ્ટી સત્ર દરમિયાન 15,451ની નીચલી સપાટીને સ્પર્શયા બાદ અંતે 8 પોઈન્ટ્સ (0.05 ટકા) ઘટાડે 15,683ના સ્તરે બંધ રહ્યો હતો. 
વ્યાપક બજારમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.70 ટકા અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.89 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. બજારમાં આજે દર બે શૅર સામે એક શૅર ઘટયો હતો. ઓએનજીસી, કોલ ઈન્ડિયા, પાવર ગ્રીડ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, યુપીએલ, એનટીપીસી, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર, એસબીઆઈ અને નેસલે ઈન્ડિયાના શૅર ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે મિડ અને સ્મોલ કૅપમાં મહાનગર ગૅસ, અશોક લેલેન્ડ, સેઈલ, કેનેરા બૅન્ક, મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસીસ, ગ્રેફાઈટ ઈન્ડિયા, એચઈજી, હિન્દુસ્તાન કુપર, એફલ ઈન્ડિયા અને વોકહાર્ટ ફઆર્માના શૅર્સમાં પણ કડાકો આવ્યો હતો.
નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં ફાઈ. સર્વિસ સૂચકાંક 0.06 ટકા, એફએમસીજી 0.29 ટકા અને પ્રાઈવેટ બૅન્ક 0.05 ટકા વધારે બંધ રહ્યા હતા. બીજી બાજુ બૅન્ક 0.14 ટકા, ઓટો 0.75 ટકા, આઈટી 0.58 ટકા, મીડિયા 0.64 ટકા, મેટલ 0.91 ટકા, ફાર્મા 0.36 ટકા, પીએસયુ બૅન્ક 1.77 ટકા અને રિયલ્ટી સૂચકાંક 0.84 ટકા ઘટયા હતાં. 
વૈશ્વિક બજારો યુએસ ફેડરલ રિઝર્વના નાણા નીતી વધુ કડક બનાવશે એવા નિર્દેશોએ વૈશ્વિક 
શૅરબજારો રેકર્ડ હાઈ નજીક હતા. એશિયામાં જપાન બહારનો એમએસસીઆઈનો બ્રોડેસ્ટ ઈન્ડેક્સ એશિયા-પેસિફિક શૅર્સ ચાર સત્રમાં ઘટયા બાદ ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો હતો. જપાનના નિક્કીમાં પણ કોઈ ફેરફાર નહોતો. યુરોપમાં બૅન્ક અને એનર્જી શૅર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપનો સ્ટોક્સ 600 ઈન્ડેક્સ 0.2 ટકા અને જર્મની ડીએએક્સ ઈન્ડેક્સ 0.3 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer