આઇએલઍન્ડએફએસના રવિ પાર્થસારથિને પોલીસ કસ્ટડી

મુંબઈ, તા. 18 જૂન
આઇએલઍન્ડએફએસના 1 લાખ કરોડ રૂપિયાના કૌભાંડ સંબંધે પકડાયેલા રવિ પાર્થસારથિને વિશેષ અદાલતે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો.  
તામિલનાડુ પ્રોટેક્શન અૉફ ઇન્ટરેસ્ટ્સ અૉફ ડિપોઝિટર્સ (ઇન ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ) એક્ટ, 1997 હેઠળની વિશેષ અદાલતમાં ચેન્નઈની ઈકોનોમિક અૉફેન્સીસ વિંગે (ઈઓડબ્લ્યુ) કહ્યું હતું કે પાર્થસારથિને કસ્ટડીમાં રાખીને પૂછપરછ કરવાથી અત્યાર સુધી છૂપી રહેલી અનેક વિગતો બહાર આવી શકશે, કારણ કે તેઓ સમગ્ર કેસમાં પ્રત્યક્ષપણે સંડોવાયેલી વ્યક્તિ અને મુખ્ય ષડ્યંત્રકાર છે.  
આ આરોપીએ અન્ય વ્યક્તિઓની સાંઠગાંઠથી વિપુલ પ્રમાણમાં નાણાંની ઊચાપત કરી છે. એમની રિમાન્ડ અત્યારે ઘણી જરૂરી છે. આ કેસ દેશના ઇતિહાસમાં સૌથી મોટાં આર્થિક કૌભાંડોમાંનો એક છે, એમ અદાલતને કહેવામાં આવ્યું હતું.  
નોંધનીય છે કે ચેન્નઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) એ 63 મૂન્સ ટેક્નૉલૉજીસની ફરિયાદના આધારે રવિ પાર્થસારથિની ધરપકડ નવમી જૂને મુંબઈથી કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer