વૅક્સિનમાં રાજકીય વિઘ્ન...!

કોવિડ મહામારી ઓસરવા લાગી છે - સાથે જ ત્રીજા પ્રહારની અટકળો અને ચર્ચા શરૂ થઈ છે. તેથી સાવધાનીમાં ઢીલ છોડી શકાય નહીં. અલબત્ત, શાસન તંત્ર સજ્જ છે, પણ જનતાએ શિસ્તપાલન કરવાની જરૂર છે. આપણે સામે ચાલીને મહામારીના ત્રીજા પ્રહારને આમંત્રણ આપવું નથી. અત્યારે દૈનિક કેસ ઘટયા છે અને મૃત્યુનો આંક પણ ઘટયો છે. વૅક્સિનનો પુરવઠો તાત્કાલિક વધે તે માટે સરકારના પ્રયાસ છે અને લોકો પણ જલદી વૅક્સિન લેવા ઉત્સુક, ઉતાવળા છે ત્યારે આપણા - સ્વદેશી વિરોધીઓ નવા વિઘ્ન ઊભા કરી રહ્યા છે તે કમનસીબી છે - દેશહિત વિરોધી છે. સ્વદેશી વૅક્સિન સામે ઘણાં વિવાદ - પુરવઠો, કિંમત, વહેંચણી અને પ્રદેશવાદ પછી હવે ધર્મના નામે - વાછરડાંની રસીનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ છે - વાસ્તવમાં આ વિપક્ષી પ્રહાર વૅક્સિન સામે નહીં પણ સરકાર સામે - ભાજપ સામે છે! લોકોના એક વર્ગને ભડકાવીને - વૅક્સિન લેતા બંધ કરાશે? બહિષ્કાર કરવા કોઈ તૈયાર થાય નહીં, કારણ કે જીવ કોને વહાલો નથી? પણ રાજકીય વિરોધીઓ સરકારને બદનામ કરવા માગે છે. ગોવંશ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય તેનો વિરોધ કરનારા હવે વાછરડાંને આગળ ધરી રહ્યા છે! જોકે, વૅક્સિન ઉત્પાદકો અને સરકારે સ્પષ્ટતા કરીને આક્ષેપોને રદિયો આપ્યો છે, છતાં પ્રાદેશિક વિપક્ષો ચૂંટણી સુધી આવી આક્ષેપબાજી કર્યા કરશે - વૅક્સિન અભિયાનમાં આ રાજકીય વિઘ્ન છે - ગયા વર્ષે ધર્મના નામે કુપ્રચાર થયો, પણ હવે જાગૃતિ આવી છે ત્યારે હિંદુધર્મીઓને ભડકાવવાનો અક્ષમ્ય અપરાધ થાય છે.
અત્યારે સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. ગયા વર્ષની સરખામણીમાં આપણે સજ્જ છીએ. હૉસ્પિટલ-બેડ-બિછાનાની સંખ્યા 19 લાખ હતી - આઈસીયુની સગવડ માત્ર 95 હજાર હતી. હવે - રાજ્યસભામાં સ્વાસ્થ્ય ખાતાએ આપેલી માહિતી અનુસાર અૉક્સિજન સુવિધા સાથે વધુ 94,500 બેડ ઉમેરાયા છે. આ આંકડા જાન્યુઆરી સુધીના છે. તે પછી આમાં સતત વધારો છે. આવી જ રીતે લૅબોરેટરીની સંખ્યા 669થી વધીને 2504 થઈ છે અને અૉક્સિજન પ્લાન્ટ રાતોરાત શરૂ થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં અૉક્સિજન કોન્સેન્ટ્રેટર્સ માત્ર 17 હજાર રૂપિયામાં મળી શકે તેમ છે.
આવી તૈયારી સાથે સરકાર અભિયાનમાં માર્ગદર્શિકા - ગાઈડલાઈન્સ સુધારવાની પણ જરૂર છે. ખાસ કરીને હવાના માધ્યમથી વાયરસનો વ્યાપ વધવાનું પ્રમાણ ઘણું ઓછું છે. તેથી ખુલ્લી - સ્વચ્છ હવા મળે એવાં સ્થળો - બગીચા, પાર્ક વગેરે બંધ રાખવાની જરૂર નથી. મૉલ અને બજારો ઉપર ભલે નિયંત્રણો હોય, પણ લોકોને ઘર-અૉફિસોમાં શુદ્ધ હવા માટે બારી-વેન્ટિલેશનની ભલામણ કરવી જોઈએ. આ સાથે જ સામાજિક અંતર અને માસ્ક માટે ફરજિયાત અભિયાનની જરૂર છે. કેન્દ્ર સરકારે રાજ્યોને છૂટછાટ આપી છે. જનજીવન સાથે જીવનનિર્વાહની સમતુલા અનિવાર્ય છે, પણ રાજ્યો લૉકડાઉનનાં નિયંત્રણો ઉઠાવવામાં સાવધાનીથી આગળ વધે તો ત્રીજા પ્રહારને ઊગતો ડામી શકાશે.
ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધી સારા-રાહતદાયક અહેવાલ આવ્યા છે. અર્થતંત્રમાં સુધારો થયો છે. કૃષિ ક્ષેત્ર આગેવાન છે. અનાજ, કઠોળ અને તેલીબિયાંનાં ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. અનાજના ભંડાર ભર્યા છે અને કિસાનોને પ્રોત્સાહક ભાવ અપાયા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ખરીદશક્તિ અને માગ વધવાની આશા છે. જીએસટી કલેકશન માર્ચમાં 1.41 લાખ કરોડ અને એપ્રિલમાં 1.24 લાખ કરોડ થયું છે. આપણા નિકાસ વ્યાપારમાં 68 ટકાનો વધારો થયો છે. આ વર્ષે વિદેશોથી ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ પણ 81.72 બિલિયન ડૉલરનું થયું છે, જે ગયા વર્ષથી દસ ટકા વધુ છે. મહત્ત્વની બાબત એ છે કે મધ્ય પૂર્વથી આપણા ઘણા કર્મચારીઓ - બેકારીના કારણે સ્વદેશ પાછા ફર્યા છે, છતાં વિદેશોથી ઈન્વેસ્ટમેન્ટ અને રેમિટન્સનાં પરિણામે આપણા ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વમાં ધરખમ વધારો થયો છે - શૅરબજારની તેજી અલગ આશાવાદ આપે છે.
આમ હવે નિરાશા-હતાશા ખંખેરીને આપણે વિશ્વાસ સાથે આપત્તિને અવસર ગણવાના લાભ જોવા જોઈએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer