ઊંઝામાં મસાલાની આવકો ઘટવા લાગી

ઊંઝામાં મસાલાની આવકો ઘટવા લાગી
અજમામાં હલકા માલની ભેળસેળ કરવા માટે જંગી ખરીદી 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 18 જૂન 
ઊંઝા ગંજ બજાર ખાતે ઘરાકીમાં ધીમે ઓટ આવતી જાય છે. ખાસ કરીને જીરામાં સિઝન પૂરી થઇ ગઇ છે. ચાલુ વર્ષે   કોરોનાને કારણે એપ્રિલ મહિનો મોટે ભાગે બજાર બંધ રહી હોવાથી મેના આખર સુધી આવકો ખેંચાઇ હતી. સામાન્ય રીતે મેના મધ્યમાં જ આવકો પૂરી થઇ જાય છે. બે દિવસ પહેલા જ ઉત્તર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થયો હતો. એ પછી આવક ઘટતી જાય છે. ચોમાસુ સમયસર હોવાથી વાવેતરનું કામ પણ પૂરજોશમાં આરંભાશે. જીરુ ઉપરાંત વરિયાળી તથા ઇસબગૂલમાં પણ આવકો ઘટી છે. જીરાની ચારથી પાંચ હજારની આવકો દિવાળી સુધી સતત રહેશે. બાકીની તમામ કોમોડિટીની આવકો કપાઇ ગઇ છે. ભાવ સમગ્ર અઠવાડિયા દરમિયાન ઘટ્યા હતા. પણ બે દિવસથી સ્થિરતા છે.  
જીરામા ચાલુ માલના રૂ. 2200, મીડિયમના રૂ. 2350 અને સારા માલના રૂ. 2400થી 2500 ચાલે છે. તેમાં ઘરાકી ધીમી છે અને વાયદો પણ તૂટતો જાય છે.આવર સરેરાશ 12થી 15 હજાર ગુણીની રહે છે. 
વરિયાળીમાં 7થી 8 હજાર બોરીની આવકો થાય છે. તેમાં ઘરાકી માપની છે અને સાધારણ વધઘટે બજાર ટકેલી છે. તેમાં ચાલુ માલના રૂ. 1300થી 1400, મીડિયમ માલના રૂ. 1350થી 1500, બેસ્ટ કલર માલના 1700થી 2200 અને આબુરોડની વરિયાળીના 3000થી 3300 ચાલી રહ્યા છે. આબુરોડની આવકો બિલકુલ નથી. હવે ફક્ત સ્ટોકના માલનું જ વેચાણ થાય છે. ભાવ ઊંચા હોવાથી ખપપૂરતી ઘરાકી રહે છે. ઇસબગૂલમાં 8થી 9 હજાર બોરીની આવકો છે. તેના જનરલ ભાવ રૂ. 2100થી 2200 છે. તેમાં રૂ. 50ની વધઘટ થાય છે. દરમિયાનમાં તલમાં 1500 બોરીની આવકો છે અને તેના ભાવ રૂ. 1500થી 1600 ચાલે છે. તલમાં આ ભાવ તળીયાના ભાવ હોવાનું મનાય છે. 
બીજી બાજુ રાયડામાં પરચૂરણ આવકો થાય છે તેમાં ખાદ્ય તેલો ઊંચા હોવાથી રાયડો પણ ઉંચા મથાળે વેચાય છે.  અજમામાં પાંચથી છ હજાર બોરીની સામે ઘરાકી સારી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તેમાં હલકા માલના રૂ. 1800થી 1900, તેમજ સારા માલના રૂ. 2100થી 2300 છે. જોકે અત્યંત હલકો ગણાય તેવા અજમાની માગ પુરજોશમાં છે. જીરામાં ભેળસેળ માટે તે ખરીદાય છે.  તે મણદીઠ રૂ. 1200-1300માં વેચાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer