સાબરમતી નદીનું જળ કોરોનાગ્રસ્ત !

સાબરમતી નદીનું જળ કોરોનાગ્રસ્ત !
આઇઆઇટી ગાંધીનગર સહિતની સંસ્થાઓનો અભ્યાસ 
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 18 જૂન 
જીવલેણ કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, બીજી તરફ અમદાવાદમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જેમાં શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં કોરોના વાયરસ હોવાની પુષ્ટી થઈ છે. સાબરમતી નદીમાંથી લેવાયેલા પાણીના તમામ નમૂનાઓ સંક્રમિત જોવા મળ્યા છે. જે ચિંતાનો વિષય છે. 
આઇઆઇટી ગાંધીનગર સહિત દેશની આઠ સંસ્થાઓએ સાથે મળીને વિવિધ પ્રાકૃતિક જળસ્ત્રોતનો અભ્યાસ કર્યો હતો. એમાં નવી દિલ્હી ખાતે આવેલી જેએનયુની સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટલ સાયન્સીઝના સંશોધકોનો પણ સમાવેશ થાય છે. અભ્યાસમાંથી બહાર આવેલા પરિણામો અનુસાર સાબરમતી નદીમાં કોવિડ-19ના વાયરસ મળ્યા હતા અને લેવાયેલા તમામ નમૂના સંક્રમિત મળ્યા હતા.  શહેરના કાંકરીયા અને ચંડોળા તળાવમાંથી લેવાયેલા નમૂનાઓ સંક્રમિત મળ્યા હતા. 
આ રિસર્ચને લઈને આઇઆઇટી ગાંધીનગરના અર્થ એન્ડ સાયંસિઝના એક અધ્યાપકે જણાવ્યું હતું કે પાણીમાં આ નમૂના નદીમાંથી 3 સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર 2020 સુધી દરેક અઠવાડીયે લેવામાં આવ્યા હતા. નમૂના લીધા પછી તેમાં તપાસ કરવામાં આવી તો તેમાં કોરોના વાયરસના જીવતા જીવાણું જોવા મળ્યા હતા. સાબરમતી નદીમાંથી 694, કાંકરીયા તળાવ માંથી 549 અને ચંડોળા તળાવમાંથી 402 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે, જેમાં કોરોના વાયરસ મળી આવ્યા હતા. 
ઉલ્લેખનીય છે કે એક અભ્યાસ અનુસાર રિવરફ્રન્ટ પછી નદીના નીચેવાસમાં નદીનું પોતાનું પાણી જ નથી. રિવરફ્રન્ટ પછીની સાબરમતીમાં જે પાણી દેખાય છે એ માત્ર નરોડા, ઓઢવ, વટવા અને નારોલના ઉદ્યોગોનો પ્રદૂષિત પ્રવાહી કચરો (એફ્લ્યુએન્ટ) અને અમદાવાદની ગટરનું ગંદુ પાણી જ વહે છે. રિવરફ્રન્ટ બનવાને કારણે ભૂગર્ભ જળમાં આ પાણી ઊતરતું બંધ થયું છતાં અમદાવાદને નર્મદાના પાણી પર જ આશ્રિત રહેવું પડે એવી સ્થિતિ સર્જાઇ ગઇ છે. 
સાબરમતી નદીમાં પ્રદૂષણની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે ગત તા. 22 ફેબ્રુઆરી 2017ના રોજ એક રિટ પિટિશનને ધ્યાને લઇને તંત્રને નદીમાં પ્રદૂષણ ફેલાવતા તમામ ઔદ્યોગિક એકમો સામે તેમજ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરવાનો નિર્દેશ કર્યો હતો. એમ છતાં આજાદિન સુધી સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થયુ નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer