રેપીયર જેકાર્ડમાં ટેકનૉલૉજીમાં વિસ્તરણ થાય તો કાપડ ઉદ્યોગ હરણફાળ ભરશે

રેપીયર જેકાર્ડમાં ટેકનૉલૉજીમાં વિસ્તરણ થાય તો કાપડ ઉદ્યોગ હરણફાળ ભરશે
મહામારી અટકે તો માગ વધે અને કાપડ ઉદ્યોગમાં વેગ આવે 
ખ્યાતિ જોશી 
સુરત, તા. 18 જૂન 
સુરતનો કાપડઉદ્યોગ રોજગારીની મહત્તમ તકોનું નિર્માણ કરે છે. પરંતુ કોરોનાકાળમાં  ઉદ્યોગની માઠી દશા બેઠી છે. લોકોની ખરીદશક્તિ ઘટતા વેપાર-ધંધા ઘટ્યા છે. અનેક લોકોની રોજગારી છીનવાઇ છે.ઘણાએ અન્ય ક્ષેત્રોમાં રોજગારીની તકો શોધવાની શરૂઆત કરી છે. જો કે, કોરોના પછી પણ ઉદ્યોગમાં વિકાસની અનેક તકો છૂપાયેલી છે. યુવાધન ચોક્કસ લક્ષ્યાંક સાથે આગળ વધશે તો લાંબાગાળે સારું પરિણામ મળી શકે છે. ટેક્સટાઇલમાં રેપીયર જેકાર્ડમાં વિસ્તરણની તકો જોવામાં આવે છે. 
શહેરમાં અંદાજે સાડાપાંચ લાખ જેટલા પરંપરાગત પાવરલૂમ્સ કાર્યરત છે. દોઢ દસકામાં અનેક સાહસિકોએ રેપીયર-જેકાર્ડમાં મોટું રોકાણ કર્યું છે. અંદાજે 15હજાર જેટલા મશીનોમાં રોકાણ થયું છે અને હજુ નવા મશીનોમાં રોકાણ થઇ રહ્યું છે તેમ મશીન બુકીંગ કરનારાઓ કહે છે. આ ઉપરાંત વોટરજેટ અને એરજેટમાં પણ મોટું રોકાણ પાછલા દસકામાં થયું છે. એટલે જ તો એક સમયે મોટાપાયે અમદાવાદમાં બનતું ડેનીમનું કાપડ સુરતના કાપડઉદ્યોગનાં સાહસિકો લેતા થયા છે. 
કોરોનાકાળમાં ગત વર્ષે લગભગ ત્રણ મહિના કામકાજ બંધ રહ્યું અને ચાલુ વર્ષે એપ્રિલ-મે એમ બે માસ લગભગ કામકાજ ઠપ્પ જેવું રહ્યું છે. જેના કારણે ઉદ્યોગના વિકાસની ગાડીને બ્રેક લાગી છે. પરંતુ જે પ્રકારે ખરીદીનો નવો કરંટ જોવા મળી રહ્યો છે તે જોતાં ફરી એક વખત  ઉદ્યોગની ગાડી પાટે ચઢશે. એકાદ મહિનામાં નવા ઓર્ડરથી ડાઇંગ મીલો અને વિવીંગ એકમોમાં કામનો ભરાવો થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. 
અગ્રણી વિવર્સ દિપપ્રકાશ અગ્રવાલ કહે છે કે, શહેરની વિવીંગ ઈન્ડસ્ટ્રી પાસે વિકાસની અનેક તકો છે. રેપીયર-જેકાર્ડમાં નવું રોકાણ આવી રહ્યું છે.  એક્સપોર્ટ ક્વોલીટીનું કાપડ બનાવીને સુરત બ્રાન્ડ ડેવલપ કરવી હોય તો આધુનિક મશીનોમાં રોકાણ કરવું એ અત્યારની સમયની માગ છે. પાછલા ચાર-પાંચ વર્ષથી યુવા સાહસિકો આ દિશામાં આગળ વધી રહ્યા છે પરંતુ કોરોનાને કારણે વિકાસની ગાડીને થોડી બ્રેક લાગી છે પણ અમારું માનવું છે કે વેક્સીનેશન ઝૂંબેશ ઝડપી બનતા કોરોના નિયંત્રણમાં આવશે અને વેપાર વધશે. 
જ્યાં સુધી પેમેન્ટની સમસ્યા છે તો આ મામલે અમારું માનવું છે જે પ્રકારે યાર્નવાળા વિવર્સ પર દબાણ કરે છે તે પ્રકારે વિવર્સ વેપારીઓ પર દબાણ કરતા નથી. અમે હકારાત્મક વલણ દાખવીને વેપારને ચલાવવાની વૃત્તિ રાખીએ છીએ. એનો મતલબ એવો નથી કે લાંબુ પેમેન્ટ લટકાવીને વેપારીઓએ વિવર્સના આ વલણનો ફાયદો ઉઠાવવો જોઇએ. અમારું માનવું છે કે એકાદ માસમાં પેમેન્ટની સાયકલ રાબેતા મુજબ થશે. નવી ખરીદી જુલાઇના મઘ્ય સુધીમાં શરૂ થશે. 
દેશભરમાં અનલોકની પ્રક્રિયા શરૂ થતાં બહારગામની મંડીઓમાં વેપારીઓએ ઓર્ડર લખાવવાની શરૂઆત કરી છે. તેજીનો કરંટ એકાદ મહિનામાં માર્કેટમાં જોવા મળશે. હવે પછીની તહેવારની સીઝનમાં વિવર્સથી લઇને વેપારીઓ સુધી તમામ પાસે ભરપૂર કામ રહેશે. પરંતુ આ મામલે શરત એટલી કે કોરોનાની ત્રીજી વેવ આવવી જોઇએ નહિ. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer