રાત્રિ કરફ્યુથી ઉદ્યોગોમાં ઘટી રહ્યું છે ઉત્પાદન

રાત્રિ કરફ્યુથી ઉદ્યોગોમાં ઘટી રહ્યું છે ઉત્પાદન
કામકાજ ફક્ત બે પાળીમાં થાય છે
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 18 જૂન 
કોરોનાના કહેરને લીધે સરકારે રાત્રિ કરફ્યુ સહિત અનેક અંકુશો લગાડયા હતા. અલબત્ત હવે કેસ ઘટી ગયા છે અને સંક્રમણ પણ ફેલાતું નથી. આવા સમયે રાત્રિ કરફ્યુનો સમય 11થી સવારે પાંચ સુધીનો કરવો જોઇએ તેવી માગ રવિ ટેક્નોફોર્જના અમૃતલાલ ભારદીયાએ કરી છે. તેમણે જણાવ્યું કે, કરફ્યુનો સમય 11થી થાય તો કારખાનાઓમાં ત્રણ શિફ્ટમાં કામકાજ થઇ શકે અને કામદારોને સમયસર ઘેર પહોંચાડી શકાય. 
ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા પણ મુખ્યમંત્રીને રજૂઆત કરતા કહ્યું છેકે, સરકારે લોકડાઉનમાં રાહત આપવા માંડી છે પણ રાત્રિ કરફ્યુમાં કોઇ ફેરફાર કરવામાં આવતો નથી એ કારણે ઉદ્યોગકારોને સમસ્યા થઇ રહી છે તે કારણે હવે સમય રાત્રે 11 વાગ્યાથી કરવો જોઇએ.. 
ભારદીયા કહે છેકે, તમામ કારખાનાઓને અત્યારે રાત્રિ કરફ્યુના સમયને લીધે મુશ્કેલી પડી રહી છે. કરફ્યુને લીધે 12-12 કલાકની બે પાળીમાં કામકાજ કરવું પડે છે. ફોર્જીંગના કારખાનાઓમાં ગરમીને લીધે 12 કલાક કામ કરવું મુશ્કેલ બને છે. કરફ્યુને લીધે પાળીનો સમય ઘટાડીને ત્રણ કરી શકાતી નથી. વળી, ઠેકઠેકાણે લેડિઝ કામદારો કાર્ય કરી રહ્યા હોય છે એટલે તે દિવસની પાળીમાં જ કાર્યરત રહી શકે છે.  
કારખાનેદારોએ કર્મચારીઓ અને મજૂરોને કપરાં કાળમાં છૂટ્ટા કર્યા નથી એટલે કામકાજ ચાલુ છે. કરફ્યુને લીધે ત્રણ પાળીના કર્મચારીઓને બે પાળીમાં સમાવવા પડે છે એટલે ઘણી વખત સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ બને છે. રાજકોટ આસપાસ મોટાંભાગના કારખાના 20-22 કિલોમીટર દૂર છે એટલે ત્યાંથી શહેરમાં કર્મચારીઓને પહોંચાડતા 1 કલાક થાય છે. આમ કરફ્યુ નવ વાગ્યે શરું થાય છે પણ કારખાનેદારોએ તો સાડા સાત પછી તેમને ફ્રી કરી દેવા પડે છે.  
કારખાનાઓમાં અત્યારે નિકાસ અને સ્થાનિકની માગ હોવાથી કામકાજ મોટું થાય છે એટલે ત્રણ પાળીમાં કામકાજ કરવાનું જરુરી બની ગયું છે તેમ ભારદીયા કહે છે. ઉદ્યોગો જીડીપીમાં મહત્વનો ફાળો આપે છે ત્યારે કામકાજ હોવા છતાં મુશ્કેલી પડી રહી છે. સરકારે એ માટે સાથ આપવાની જરુર છે. કારખાનાઓમાં ત્રણ પાળી થાય તો કર્મચારીઓ વહેંચાઇ જાય અને કામકાજ વધી શકે તેમ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer