એક વર્ષમાં વૈશ્વિક કૉમોડિટીના ભાવ 40 ટકા વધ્યા

એક વર્ષમાં વૈશ્વિક કૉમોડિટીના ભાવ 40 ટકા વધ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ તા. 18 જૂન
વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં આટલો ઝડપી ઉછાળો દુનિયાએ 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી અને તે અગાઉની 1970ના દાયકાની સમસ્યાઓમાં પણ ક્યારેય જોયો ન હતો. સોયાતેલ, ખનિજ લોખંડ અને તાંબાના ભાવ  અગાઉના તમામ વિક્રમોને આંબી ગયા છે. મકાઇ, ખાંડ, સોયાબીન, ઘઉ વગેરે આઠ વર્ષની ઊંચાઈએ ગયા છે, ક્રૂડ તેલે પણ બે વર્ષની ઊંચાઇ હમણાં જ વટાવી છે. 
યુનાઈટેડ નેશન્સની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (ફાઓ) તો ત્યાં સુધી કહે છે કે મે મહિનામાં કોમોડીટીના ભાવોમાં જે આગ લાગી હતી તે પાછલાં દસ વર્ષમાં સૌથી વધુ માસિક ભાવવધારાનો વિક્રમ હતો. તેને કારણે વિકાસશીલ દેશો માટે ખાધાખોરાકી અને ખાદ્ય તેલો દોહ્યલાં થઈ ગયાં હતાં.  ફાઓનો તાજો માસિક ફૂડ ઇંડેક્સ કહે છે કે જાગતિક અનાજના ભાવ, મે સુધી છેલ્લા બાર મહિનાથી સતત વધ્યા હતા. છેલ્લા એક વર્ષમાં કોમોડિટીના ભાવ લગભગ 40 ટકા વધી આવ્યા છે. એનાલિસ્ટો કહે છે કે કેટલીક કોમોડિટીના ભાવ આગામી છથી 8 મહિના સુધી ધીમી અને સ્થિર ગતિએ વધ્યા કરશે. 
ગયા મંગળવારે પ્રસિધ્ધ થયેલા ફાઓના આંકડા કહે છે કે હેજ ફંડોએ સતત ત્રીજા સપ્તાહમાં કોમોડિટીમાંથી નાણાં પાછાં ખેંચવાનું ચાલુ રાખ્યું હતું. 23 કોમોડિટીના બનેલા ઇન્ડેક્સમાં લગભગ 20માંથી નાણાં પાછાં ખેંચી લેવાયાં હતાં. આમ છતાં તેજીનાં મોટાં ઓળિયાં હજુ ઊભાં છે, દૂર ડિલીવરીના કેટલાક વાયદામાં તો આગળ ખેંચાયેલાં તેજીનાં ઘણાં બધાં લેણ પણ દેખાઈ રહ્યાં . કેટલાક કૃષિ વાયદામાં તો ગત એક જ સપ્તાહમાં તેજીનાં ઓળિયાં 10 ટકા જેટલાં ઘટી ગયાં હતાં. વાયદામાં કૂલ ઊભા સોદા (હોલ્ડિગ) 10 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા છે. 
અર્થશાસ્ત્રીઓ કહે છે કે ક્રૂડ તેલ સહિતની ઘણી બધી ચીજોના ભાવ કોરોના મહામારી પહેલાંની ઊંચાઈએ પહોંચી ગયા છે. 2020ની મધ્યમાં મહામારીને લીધે ઘટેલી વપરાશી માગ અને ઘટેલા ભાવથી વધવા શરૂ થયેલા ભાવ, હજુ વધી રહ્યા છે. તમે જુઓ કે ક્રૂડ તેલના ભાવ 35 ડોલરથી વધવા શરૂ થયેલા તે ગયા બુધવારે 72.85 ડોલરની ઊંચાઈએ પહોંચ્યા હતા. જો કે ભાવ 140 ડોલરની સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચવાની શક્યતા નથી. 
કાચા માલોમાં આવેલા ઉછાળાને પગલે ભારત અને ચીન સહિતના અનેક દેશોમાં ઔદ્યોગિક ઉત્પાદનખર્ચ મે મહિનામાં છેલ્લા 12 વર્ષમાં સૌથી ઝડપી ગતિએ વધ્યા હતા. જગતભરની સરકારો ફુગાવાનું વ્યાપક દબાણ અનુભવી રહી છે અને સાથોસાથ મહામારી દરમિયાન દેશનો વિકાસ નબળો ન પડી જાય તેની સામે પણ ઝઝુમી રહી છે. ગ્રાહક ભાવાંક પણ છેલ્લા આઠ મહિનાથી વર્ષાનુંવર્ષ વેગથી વધી રહ્યો છે. અલબત્ત, મે મહિનામાં ચીને આ દર 3 ટકાના લક્ષ્યાંક પર જાળવી રાખ્યો હતો. 
કોમોડિટીના અનાપસનાપ ભાવવધારાએ વિશ્વભરનાં અર્થતંત્રોમાં આર્થિક પુનરુત્થાનને બ્રેક મારી છે, ધંધાધાપા ખોરવાઇ ગયા છે, પરિવારોનાં બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયાં છે. આટલું ઓછું હોય તેમ ફુગાવાના દરો વધતાં રહેશે એવી આગાહીઓ, લોકોને ડરાવી રહી છે. સાથે જ અન્ય અર્થશાસ્ત્રીઓ અને બેન્કરો એવું પણ કહે છે કે કોમોડિટીના ભાવ વધી રહ્યા છે તેનાથી બહુ ડરવાની જરૂર નથી. 
કોમોડિટીના ભાવમાં અફડાતફડી એક સામાન્ય આર્થિક પ્રક્રિયા છે. તેનાથી ફુગાવો વધે છે પણ સાથે જ પરિવારો પાસેની સોનાચાંદી જેવી અસ્કયામતોના મૂલ્યમાં વધારો પણ થાય છે. જો કે કાચામાલના ઊંચા ભાવને લીધે ઉત્પાદકોના નફાના માર્જિન ઘસાવા લાગે છે. ગ્રાહકોએ પેટ્રોલ, અનાજ, કરિયાણા અને હોટલોનાં ઊંચાં બિલ ચૂકવવાં પડે છે. પરિણામે તેમની અન્ય આવશ્યક ચીજો ખરીદવાની ક્ષમતા ક્ષીણ થઈ જતી હોય છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer