સોનામાં સતત ઘટાડાથી રોકાણલાયક બનતા ભાવ

સોનામાં સતત ઘટાડાથી રોકાણલાયક બનતા ભાવ
મંદીવાળા વેચાણ કાપે નહીં ત્યાં સુધી તેજીવાળા તળિયું બનવાની રાહ જોશે 
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 18 જૂન 
સોનાના ભાવ છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટી રહ્યા છે, પણ લાંબાગાળા માટે જોઈએ તો આ ભાવે રોકાણ કરવું વળતરદાયી ગણાશે. અમેરિકન ફેડરલ રિઝર્વ 2023માં બે વખત વ્યાજદર વધારશે અને આગામી માટિંગમાં સરકારી બેન્ડ બાઈંગની શરૂઆત કરવાનો નિર્ણય લેશે એવા આશ્ચર્યજનક સંકેત ગુરુવારે બજારને આપ્યા હતા. આ સમાચાર સાથે જ બે દિવસમાં સોનાના ભાવ ઔંસ (31.10347 ગ્રામ) દીઠ 1862 ડૉલરથી ઘટીને 1773 ડૉલર શુક્રવારે મે 2021ની બોટમે બેસી ગયા. ફેડની આશ્ચર્યજનક નીતિને રોકાણકારો હજુ પણ પચાવવાના પ્રયાસમાં છે. અલબત્ત, સોનાના ભાવ છેલ્લા 15 મહિનામાં સૌથી મોટા સાપ્તાહિક ઘટાડા તરફ અગ્રેસર છે.    
ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં સાડા પાંચ ટકા જેટલા ઘટી ગયા છે. બજારમાં જેની શક્યતા ઓછી હતી તેવી આશ્ચર્યજનક ફેડ પૉલિસી આવતા કરન્સી બાસ્કેટનો ડૉલર ઇન્ડેક્સ મજબૂત થવા લાગ્યો હતો, પરિણામે સોનાની તેજીમાં પડેલા જખમો દુઝવા લાગ્યા હતા. લાગે છે કે હતપ્રભ તેજીવાળા ટૂંકાગાળા માટે પોતાનું લેણ ખંખેરવાનું ચાલુ રાખશે. શુક્રવારે મોડી સાંજે બૅન્ક અૉફ જપાન તેમ જ સ્વિસ નેશનલ બૅન્ક સહિતની કેટલીક યુરોપિયન બૅન્કો નીતિવિષયક નિર્ણયો લે, તેની રાહ જોવાનું રોકાણકારો પસંદ કરશે. 
બે દિવસીય ફેડ નીતિવિષયક માટિંગ પછી ટ્રેજરી યીલ્ડ અને ડૉલરમાં તેજી આવી, પણ સોનાના ભાવ વેગથી નીચે ગયા. આનો અર્થ એ થાય કે અમેરિકન સેન્ટ્રલ બૅન્ક તેના બેન્ચમાર્ક વ્યાજદર જે માર્ચ 2020થી શૂન્યથી 0.25 ટકા ટકાવી રાખ્યા છે તે વધુ સમય જાળવી રાખશે. સાથે જ માસિક ધોરણે 120 અબજ ડૉલરના સરકારી બોન્ડ ખરીદવાનું ચાલુ રાખશે. પાંચ વર્ષના અમેરિકન ટ્રેજરી બોન્ડ યીલ્ડ 0.10 ટકા ઊછળ્યાં હતાં. 10 વર્ષનું યીલ્ડ વધીને 1.569 ટકા થયું હતું. બુલિયન બજારમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાય તે અગાઉ મની મૅનેજરો શોર્ટકવારિંગ કરવા ના આવે ત્યાં સુધી તેજીવાળા પણ સટ્ટાકીય બાઈંગ માટે અપેક્ષિત તળિયું બનવાની રાહ જોશે. 
જોકે દૈનિક ચાર્ટ પર ભાવ 1797.50 ડૉલરની નીચે જતા રહ્યા છે તે જોતાં, મંદીવાળા બજારમાં વધુ ખાનાખરાબી કરવા ઉતરી આવશે, એમ મુંબઈ સ્થિત જૂના સમયના એક ચાર્ટિસ્ટે કહ્યું હતું. બારગેન હંટાનિંગ બાયર્સ (ભાવ કસીને ખરીદવાવાળા), સલામત મૂડીરોકાણ કરવાવાળા અને 1773 ડૉલર જેવા નીચા ભાવના ફિજિકલ બાયરો માટે તો અમેરિકન સેન્ટ્રલ બૅન્કે જાણે બાજી પલટી નાખી હતી. ફેડની આવી નીતિને પગલે ડૉલર અને ટ્રેજરી યીલ્ડ તત્કાળ મજબૂત થયા હતા. 
ફેડની નીતિવિષયક માટિંગમાં હાજર 18 અધિકારીઓમાંથી 11એ એવી આગાહી કરી હતી કે 2023 સુધીમાં બે વખત 0.25 ટકા વ્યાજદર વધારવાની જગ્યા બનશે. આનો સીધો અર્થ બજારે એ કર્યો કે ફેડ હવે બજારમાંથી અમેરિકન ટ્રેજરી બોન્ડ ખરીદવાનું શરૂ કરશે. ફેડએ અર્થતંત્રમાં સુધારો અને રોજગારીમાં વધારાવાના સંકેત પણ આપ્યા હતા. સાથે જ 2021માં ફુગાવાને કાબૂમાં રાખવાનું પણ નિર્ધારિત કર્યું હતું. 
તાજેતરમાં ભાવ ખૂબ જડપથી ઘટયા હોવા છતાં સોનામાં મધ્યમ અને લાંબાગાળાનો વરતારો હજુ પણ તેજીવાળો છે. એનાલિસ્ટો કહે છે કે આગામી દિવસો અને મહિનાઓ સુધી ફેડ મિટિંગનો પ્રભાવ તમામ બજારો પર વત્તોઓછો જળવાઈ રહેશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer